ઝબાન સંભાલ કે : સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું

-હેન્રી શાસ્ત્રી
સોની અને સુથાર. સોની એટલે ઘરેણાં ઘડનાર કારીગર અને સુથાર એટલે લાકડા ઘડનાર કારીગર. બંનેનો ખપ પડે પણ પ્રસંગે. આ બંને ભાષામાં કહેવતમાં પણ ખાસ્સા વણાઈ ગયા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ બંને શબ્દના અન્ય એવા અર્થ ઉપલબ્ધ છે જેની કોઈને કલ્પના પણ નહીં હોય. જેમ કે સોનીડો. સોનીને લાડમાં સોનીડો કહેવાતું હશે એવી સમજણ રૂઢ છે પણ શબ્દકોશ જુદું જ જણાવે છે કે સોનીડો ચટક વર્ગનું એક જાતનું પક્ષી. એ દધારથિયું પણ કહેવાય છે. સંધ્યાને આવકારે, રાત્રિને રિઝાવે અને ઉષાને અભિનંદીને શાંત થઇ જાય છે. સોનીહાર એટલે શતાવરીનો છોડ. એક ધાતુ અને એક વનસ્પતિ. સુથાર એટલે લાકડા વહેરવાનું કામ કરતો કારીગર. ભગવદગોમંડળ અનુસાર સુથારી કામમાં લાકડું ધારેલા માપ પ્રમાણે વહેરવા માટે સૂત્ર એટલે સૂતર ગેરુવાળું કરી એની છાંટ પાડવામાં આવે છે. આ ક્રિયા ઉપરથી સૂતર ધરવાવાળો તે સૂત્રધાર કહેવાયો. સૂત્રધારનું અપભ્રંશ થઈ સૂતાર – સુતાર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.
આ બંને કારીગરના વ્યવસાય સંબંધી કહેવતો જાણવા-સમજવા જેવી છે. સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું કહેવત વિરોધાભાસી લાગે છે. જોકે ગુણમાં એવું નથી. લાકડાની સરખામણીએ સોનું વજનદાર હોય છે અને ઓછી જગ્યા રોકે છે. ઘરેણાં – દાગીના બનાવવા વપરાતું સોનું એના શુદ્ધ સ્વરૂપમાં પહેરવામાં નથી આવતું. તેને ટીપવામાં આવતા એ લાંબું થાય છે અને ત્યારબાદ અન્ય ધાતુ મેળવી દાગીના તૈયાર કરવામાં આવે છે. 10 ગ્રામ સોનાના કકડામાંથી બનાવેલા ઘરેણાંની લંબાઈ કકડા કરતાં વધારે હોય છે. આ પ્રક્રિયા સોની પાર પાડતો હોવાથી કહેવાય છે કે સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું.
હવે સુથારની વાત કરીએ. લાકડાં કાપી જરૂરિયાત અનુસાર એને જોડવાનું કામ સુથાર કરેે છે. સુથારે લાવેલું લાકડું અલગ અલગ માપમાં હોય છે.જે વસ્તુ તૈયાર કરવાની હોય (ખુરશી, ટેબલ ઈત્યાદિ) એ માટે નાના મોટા કદના લાકડાં ઘાટ અનુસાર જોડવા પડે છે. ટૂંકમાં સુથાર મોટા લાકડાના કકડા જોડી વસ્તુ તૈયાર કરે છે. ખુરશીનો હાથો કે ટેબલના પાયા કેટલા નાના હોય છે જે મોટા લાકડા કાપી તૈયાર થયા હોય છે. એટલે જ સુથાર કરે લાંબાનું ટૂંકું એમ કહેવાય છે. જોકે, સોનીનું કામ સોનાના કકડામાંથી આકર્ષક ઘરેણાં – દાગીના બનાવવાનું અને સુથારનું કામ લાકડામાંથી આકર્ષક ફર્નિચર તૈયાર કરવાનું છે. એટલે સ્થૂળ અર્થમાં બંનેના ભલે વિરોધાભાસ હોય, ગુણમાં સામ્ય છે, વિરોધાભાસ નથી.
MEANING CHANGE
ભાષા શીખવાની સાથે એનું વ્યાકરણ પણ શીખવું જરૂરી છે. અંગ્રેજી ભાષા શીખતી વખતે એનું ગ્રામર શીખવાથી ભાષા સમજવામાં સરળતા રહે છે. One should learn Parts of Speech. A part of speech is a category that describes the role a word plays in a sentence. Understanding the different parts of speech can help you analyze how words function in a sentence and improve your writing. અંગ્રેજી ભાષાના વ્યાકરણમાં ‘પાર્ટ્સ ઓફ સ્પીચ’ વિશે સમજણ હોવી જરૂરી છે. વાક્યના બંધારણમાં શબ્દો કેવું યોગદાન આપે છે એ સમજાય છે. The parts of speech include nouns, pronouns, verbs, adjectives, adverbs, prepositions, conjunctions, and interjections. નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ – એડજેકટીવ કહેવાય છે. કેટલાક વિશેષણ એવા છે જેના વર્તમાન અર્થ કરતા ભૂતકાળમાં અર્થ એકદમ વિપરીત હતો. For e.g. FANTASTIC. This word means Excellent or Extraordinarily Good. They did a fantastic job or The restaurant is fantastic. ટૂંકમાં અદભુત, ચાર ચાંદ લગાવી દે એવું. This adjective once exclusively referred to things conceived in the imagination. એક સમયે આ વિશેષણનો અર્થ કલ્પનાથી ઉદભવેલા વિચાર વિશેનો હતો. જોકે, હવે ઝમાના બદલ ગયા હૈ. હવે બીજું વિશેષણ જોઈએ. Awful / Awesome: Both of these words originated from awe, meaning full of fear or terror. આ બંને શબ્દનો એક જ શબ્દમાંથી ઉદભવ્યા છે. એક સમયે એનો અર્થ ભય કે આતંક એવો થતો હતો. કોઈ કારણસર અર્થ એવું પડખું ફરી ગયો છે કે એક શબ્દમાંથી નકારાત્મકતાને તિલાંજલિ મળી ગઈ છે અને એક શબ્દમાં હકારાત્મકતા, પોઝિટિવ અર્થ ધારણ થયો છે. Awful now indicates something bad. આજની તારીખમાં ઓફુલ એટલે ભયાનક, ભયંકર, ભીષણ કે દારુણ એવા અર્થ થાય છે. I had an awful experience working with you. તારી સાથે કામ કરવાનો અનુભવ ભયાનક હતો. Awesome means something or someone is impressive. I liked the movie. It was awesome. ઓસમ એટલે ખૂબ સુંદર, અદભુત કે પ્રભાવી એવા અર્થ છે. મને ફિલ્મ બહુ ગમી, અદભુત છે.
नानी – दादी की कहावतें
વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા છોકરાવને સમજાવતા.. બાળપણની મોજમજાનું એક આનંદદાયક પ્રકરણ છે જે ક્યારે પણ યાદ કરવું ગમે. શૈશવકાળમાં નાના – નાની કે દાદા – દાદીની સાંભળેલી વાતો ગેલ ગમ્મત કરાવતી, સાથે જ્ઞાનવર્ધક પણ રહેતી. હિન્દીમાં એવી કહેવત યાત્રા આગળ વધારીએ. ‘गाडी देख, पग भारी’ ખૂબ માર્મિક કહેવત છે. જૂજ શબ્દોમાં જીવનની ફિલસૂફી સમજાવે છે.
कोई भी सुविधा (जो पहले नहीं थी,तब भी काम चल रहा था) जब उपलब्ध होने की सम्भावना होती है तो ऎसा महसूस होने लगता है कि उसके बिना हमारा काम चल ही नहीं सकता। जैसे पैदल चलने वाले को गाडी में बैठने का अवसर मिलते ही उसे अपने पैर पैदल चलने में भारी भारी से महसूस होने लगते हैं। સાધન સગવડ વિના રહેવાના સમયમાં કોઈ વસ્તુનો અભાવ ખટકતો નહીં. એના વિના કામ ચાલી જતું. જોકે, જેવી સગવડ મળવાનું શરૂ થાય એટલે એના વિના કામ નહીં ચાલે એવી લાગણી થવા લાગે છે. જેમકે, કાયમ પગપાળા મુસાફરી કરવાની આદત ધરાવતી વ્યક્તિને વાહનની સગવડ ઉપલબ્ધ થયા પછી દસ ડગલાં ચાલવું પણ આકરું લાગે છે. પગ થાકી જવા લાગે છે. મુંબઈના જીવનનું ઉદાહરણ આ સંદર્ભમાં આપી શકાય. એક સમય હતો કે સિંગલ રૂમમાં કે વન બીએચકે ફ્લેટમાં સાતથી દસ જણનો પરિવાર ખચકાટ વિના રહેતો. આજે માતા – પિતા અને બે બાળકના પરિવાર માટે બે બેડરૂમનો ફ્લેટ પણ નાનો લાગે છે. ‘મને સ્વતંત્ર બેડરૂમ જોઈએ’ એવી ફરિયાદ એક બાળક કરે છે. આજની આ વરવી વાસ્તવિકતા છે.
आधुनिक म्हणी
મોડર્નાઈઝેશન – આધુનિકરણનો પવન સાર્વત્રિક ફૂંકાયો છે તો પછી ભાષા એમાંથી કેમ બાકાત રહી જાય? જૂની કહેવતોનો આધુનિક અવતાર બદલાયેલી વિચારસરણીનું પ્રતિબિંબ તો છે જ, સાથે સાથે મોજ પણ કરાવે છે. અસલના વખતમાં આપણા દેશમાં વહુ લાજ કાઢે એવો રિવાજ હતો. લાજ કાઢવી માટે મરાઠી શબ્દ પ્રયોગ છે तोंडाला पदर. ઘરના વડીલ સભ્ય કે આગંતુક – મહેમાન એનો ચહેરો ન જોઈ શકતા. જોકે, આ જ વહુને છૂટ મળે એટલે એ ‘પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મૈં આઝાદ હું દુનિયા કે ચમન મેં’ની જેમ ઘુમવા લાગે. પાંજરામાં પૂરાયેલું પંખી મુક્ત ગગનમાં ઉડાઉડ કરે એમ. ટૂંકમાં એની આઝાદીના પડઘા સર્વત્ર સંભળાય. એના પરથી કહેવત બની છે કે तोंडाला पदर गावाला गजर! ગજર એટલે એલાર્મ – સમયની સૂચના આપતો ધ્વનિ. ઘરમાં લાજ કાઢીને ફરતી સ્ત્રી મુક્ત હવા મળતા જ પોતાની આઝાદીનો ઘંટારવ કરે એની આ વાત છે. रिकामा माळी ही म्हण अनेकदा वापरली जाते: एखाद्या व्यक्तीला काहीच ज्ञान किंवा कौशल्य नाही. एखाद्या व्यक्तीकडे काहीतरी आहे, पण ते उपयुक्त नाही. નવરો બેઠો નખ્ખોદ વાળે એ કહેવત તમે જરૂર જાણતા હશો. મરાઠી શબ્દ રિકામાનો અર્થ કામ વગરનો – નવરો થાય છે. રિકામા માળી એટલે જેની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન કે કૌશલ નથી અથવા એની પાસે છે એ ઉપયોગી નથી એવો અર્થ થાય છે. આ સંદર્ભમાં रिकामा माळी ढेकळ फोडी! એ આધુનિક કહેવતનો અર્થ સમજવો જોઈએ. ઢેકળ એટલે ભીની પોચી માટી. નવરી બજાર ભીની માટી પર બેસી સળ પાડ્યા એવો આડંબર કરે એવી વાત છે. નજીવું કે ક્ષુલ્લક કામ કરી જવાબદારી નિભાવી હોવાનો ડોળ કરવો.
આપણ વાંચો: વિશેષ : એ વાતો જે… હું મારી દીકરીને ક્યારેય નથી કહેતી…