ભુજની ખાનગી હોસ્પિટલમાં યુવકની આત્મહત્યાથી ચકચાર

ભુજઃ ભુજમાં સ્થિત ઓર્થોકેર હોસ્પિટલના કર્મચારી એવા અબડાસા તાલુકાના ફુલાય ગામના ૨૩ વર્ષીય મુરુભા કરશનજી જાડેજા નામના યુવાને હોસ્પિટલમા જ અડધી રાત્રે કોઇ અકળ કારણે ગળેફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે, જયારે અંજાર તાલુકાના સતાપરમાં રવિ પાંચા છાંગા નામના ૨૯ વર્ષના યુવકે પણ અજ્ઞાત કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો, આ ઉપરાંત રતનાલ ફાટક પાસે ટ્રેન તળે કચડાઈ જવાથી કૃણાલ મુકેશ વાસવાણી નામના ૪૧ વર્ષના યુવકે પ્રાણ ખોયા હતા, જયારે કોઠારા પાસે ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતાં હરિયાણાના યુવકનું મોત નીપજ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એકાદ વર્ષથી ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી ઓર્થોકેર નામની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવનારા હતભાગી મુરુભા જાડેજાએ ગત અડધી રાત્રે અઢી વાગ્યાના સુમારે આ હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બનાવની વધુ તપાસ આદરી છે.
બીજી તરફ, સતાપરમાં રહેતા રવિ છાંગાએ ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં તેના ઘર પાસે બની રહેલાં અન્ય મકાનમાં દોરડા વળે ગળેફાંસો લગાવી મોતનો માર્ગ અપનાવી લેતાં પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે.
અપમૃત્યુનો વધુ એક બનાવ ભુજ-અંજાર માર્ગ પરના રતનાલ ફાટક પાસે રાતના આઠેક વાગ્યે બન્યો હતો જેમાં ધસમસતી આવી રહેલી ટ્રેન તળે આવી જવાથી કૃણાલ વાસવાણીનું કમકમાટીભર્યું મોત નિપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી હતી.
હતભાગીએ આપઘાત કર્યો હતો કે અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જવાથી જીવ ખોયો એ જાણવા પોલીસે છાનબીન આદરી છે.
દરમ્યાન, ખેતીવાડી અર્થે પંજાબ અને હરિયાણાના સેંકડો પરિવારો કચ્છના અબડાસામાં સ્થાયી થયા છે, ત્યારે રવા વાડી વિસ્તારમાં રહેતા મૂળ હરિયાણાના પરિવારના બલવિંદરસિંગ સુખવિંદરસિંગ નામના બે સંતાનોના પિતાનું ટ્રક સાથે અકસ્માત નડતાં કમકમાટીભર્યું મોત નિપજતાં ભારે ગમગીની છવાઇ છે. કોઠારાના પોલીસ મથકે મૃતક બલવિંદરસિંગના મોટાભાઇ હરમીતસિંગે નોંધાવેલી ફરિયાદ મુજબ સવારના આઠ વાગ્યાના અરસામાં બલાવિંદરસિંગ તેની મોટરસાઇકલ લઈને ગઢવાડા બાજુ જઇ રહ્યો હતો, ત્યારે બજરંગ ફાર્મ પાસે ટ્રક-બલ્કર (જી.જે. ૧૨ બી.વાય. ૭૨૪૫) સાથે અકસ્માત થતાં બલવિંદરસિંગને ગંભીર ઇજા પહોંચી હતી.
તેને પ્રથમ મોથાળા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. કોઠારા પોલીસે ટ્રક-બલ્કરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો: અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર