ઉત્સવ

આકાશ મારી પાંખમાં : મેં મારા પતિને મારી નજર સામે ગોળીથી વિંધાતા અને છેલ્લો શ્વાસ લેતા જોયો છે

-ડૉ. કલ્પના દવે

ચેતનભાઈ દોશી તેમના પ્રોફેસર પત્ની મેઘના અને આઠ વર્ષની અનુજા પણ બેઠી હતી. આજે તો વિક્રમકાકા પણ આવ્યા હતા. બધાના મનમાં એક જ વાત હતી કે આ આતંકીઓને તો આકરી સજા જ કરવી જોઈએ.

અરે, આવા આતંકીઓને તો દેખો ત્યાં ઠાર કરવાના, એ લોકોએ આપણા માસૂમ પ્રજાજનોને નિર્મમતાથી માર્યા છે. પ્રવાસીઓને આ અચાનક મોતના તાંડવને જોઈને શું થયું હશે? મેઘનાએ કહ્યું.

સુરક્ષાકર્મીઓની મદદ મળી ખરી પણ ઘણી મોડી. તે પહેલાં લગભગ 28 પ્રવાસીઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. વિચાર કરો ત્યાં હાજર હશે તે બધા કેટલા ભયભીત થયા હશે, જીવ બચાવવા કેવા ભાગ્યા હશે ! વિક્રમકાકાની આંખોમાં આક્રોશ અને હાથના હાવભાવ જોઈને નાની દીકરી અનુજા તેની મોમના પડખામાં ભરાઈ ગઈ.

‘મને ખાતરી જ છે મોદી સરકાર આતંકીઓ સામે કડક પગલાં લેશે. પણ, નાગરિકો તરીકે આપણે પણ આવા આતંકીઓનો સામનો કરવા સરકારને મદદ કરવી જોઈએ. ખોટી અફવા ન ફેલાવીએ અને કોઈ આતંકીઓને છુપી રીતે સપોર્ટ પણ ન કરીએ.’ ચેતને કહ્યું.

‘પણ, ચેતન, મીડિયામાં પણ સરકારી સ્ટ્રેટેજી કે કાર્યવાહી અંગે કંઈ પણ બતાવવું ન જોઈએ. તેનાથી આતંકીઓ સતર્ક થઈ જાય અને એ ઓપરેશન સફળ ન થઈ શકે. વળી લોકોમાં દહેશત ફેલાઈ જાય.’ વિક્રમભાઈએ કહ્યું.

‘અરે, આતંકીઓના કબજામાં આવેલા લોકોની ભયાવહ સ્થિતિ સાંભળીને આપણને થાય કે આ નિર્દોષ લોકોનો શો વાંક?’ કહેતા મેઘનાની આંખમાં આંસુ આવી ગયા.

‘મોમ, પ્લીઝ ટેલ મી વોટ હેપન્ડ?’ નાની અનુજા પણ રડવા જેવી થઈ ગઈ.

ત્યાં જ ટી.વી પર આતંકીઓની ભોગ બનેલી મહિલા કોઈ નેતાને કહી રહી હતી-‘મેં મારા હાથે મારા પતિના અગ્નિસંસ્કાર કર્યા છે, અને એની અગ્નિજવાળામાં જ મેં પ્રણ લીધો છે કે એ આતંકીઓને હું આકરી સજા કરાવીશ. એને નહીં છોડું. સાહેબ, તમે મને ન્યાય આપાવો. મેં મારા પતિને મારી નજર સામે ગોળીથી વિંધાતા અને છેલ્લો શ્વાસ લેતા જોયો છે. વો નિર્લજ્જ-નિર્મમ આતંકી ગોલીઓસે મારકર નરપિશાચ કૈસા હસ રહા થા!’ આટલું બોલતામાં એનું ગળું રૂંધાઈ ગયું.

‘કયા, વહાં સુરક્ષા નહીં મિલી?’ ત્યાં હાજર રહેલા કોઈ એક જણે પૂછ્યું.

‘સુરક્ષાકર્મી આયે થે મગર ઉસકે પહેલે તો મૈં સબકુછ હાર ચૂકી થી. સાત-આઠ આર્મી ઔર તીન બડે સાહબ થે-ઉન્હોંને પૂછતાછ કી, ફોટોગ્રાફરને અપના કામ કિયા.’

‘મોમ, મારી ફ્રેન્ડ તન્વીના ડેડી પણ આર્મીમાં છે, એ કાશ્મીર ગયા છે, એમને કંઈ નહીં થાય ને ?’- અનુજાએ રડમસ ચહેરે પૂછયું.

અનુ, તન્વીના ડેડી તો આર્મી ઓફિસર છે. એ તો આ લોકોને પકડીને જેલમાં નાખશે.

‘પણ, પેલા લોકો ગન લઈને આવે તો?’

એમની પાસે પણ ગન હોય અને સાથે બીજા આર્મીમેન હોય-
‘મોમ, આય એમ સ્કેર્ડ. અમારી સ્કૂલમાં એક મિસ કહેતા હતા કે હવે
વોર થશે. એ લોકો મશીનગન ચલાવીને શા માટે આવું કરે છે?’

અનુજાએ કહ્યું.

‘આપણે ગયા વર્ષે કાશ્મીર ગયા હતા ને, કેવું બ્યુટીફુલ છે. એમને કાશ્મીર જોઈએ છે. કાશ્મીર એ આપણા ઈંડિયામાં છે, આપણું છે. આપણે શું કામ આપીએ? તે દિવસે આપણે વાઘા બોર્ડર જોવા ગયા હતા ને, ત્યાં આપણા ઈંડિયન આર્મી હતા. એ લોકો આપણા દેશની રક્ષા કરે છે.’ મોમે સમજાવ્યું.

‘મોમ, એ લોકો મુંબઈમાં પણ આવશે? અને ગન ચલાવશે તો? અહીં પણ વોર થશે તો?’

‘અનુજા તું તો મારી બ્રેવ ગર્લ છે. વી વીલ ફાઈટ. ડોન્ટ વરી.’

‘અનુજા, તને ખબર છે આપણા મહારાષ્ટ્રમાં એક વીરાંગના હતી, એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એણે પોતાના રાજ્યનું રક્ષણ કરવા પોતાના આઠ મહિનાના બાળકને પીઠ પર વીંટાળીને, ઘોડા પર બેસીને અંગ્રેજ સિપાહીઓ સામે હિંમતથી લડી હતી. તેણે ગોરા સિપાઈઓને કહી જ દીધું કે મેરી ઝાંસી મૈં નહીં દૂંગી. આપણે પણ આ આતંકવાદીઓથી ગભરાવવાનું નહીં.

અને કહી જ દેવાનું કાશ્મીર હમારી જાન હૈ.’ ચેતનભાઈએ દીકરીને હિંમત આપતાં કહ્યું.

હવે ટી.વી પર આતંકીઓના હુમલાના બીજા ન્યૂઝ પ્રસારિત થતા હતા. આતંકવાદીઓના ઓથાર તળે ભરબજારમાં અચાનક હોકારા સંભળાયા- દુકાને બંધ કરો, જાન જોખમ મેં હૈ, અપની જાન બચાઓ.

એક ટોળાને બાનમાં લઈને એક ખૂંખાર આતંકીએ પૂછયું- આજાન પઢને કો આતા હૈ? પઢો. નહીં તો … આગળ બેઠેલા સાત-આઠ પુરૂષોએ જાન બચાવવા આંખ બંધ કરી આજાન પઢવાનો ડોળ કર્યો. જરા દૂર ઊભેલા ટોળામાંની સ્ત્રીઓ ભયથી કાંપી રહી હતી. તેમણે પોતાના કપાળ પરનો ચાંદલો કાઢી નાખ્યો અને એ બધા પણ જોર-જોરથી અલ્લાહુ-અકબર બોલવા લાગ્યા કે જેથી આતંકી બંદૂક ન ચલાવે. પણ એ નિર્દયે બંદૂક તાણી જ અને બે જણાનો ભોગ તો લીધો જ. વિક્રમભાઈએ કાલે જોયેલી વીડિયો સ્ટોરીને આધારે કહ્યું.

ત્યાંજ ચેતનભાઈએ બોલી ઉઠ્યા- કે મોદી સરકાર આનો જડબાતોડ બદલો લેશે. આખરે તો રાષ્ટ્રની સુરક્ષાનો અને આપણી નિર્દોષ પ્રજાનો સવાલ છે.

ત્યાં જ વડા પ્રધાન મોદીનો મનકી બાત કાર્યક્રમ શરૂ થયો. ગંભીર આતંકી હુમલા સામે સિંહગર્જના કરતાં વડા પ્રધાને કહ્યુ:- ભાઈઓ ઔર બહેનો જરાભી મત ગભરાના. હમ સબ સાથ હૈ. ઈંટ કા જવાબ પથ્થરસે દેંગે.

ઈંડિયા વીલ નેવર બ્રેકડાઉન. ભારત એક અખંડ રાષ્ટ્ર છે. તમામ દેશવાસીઓ અને આખા વિશ્વને કહેવા માગું છું કે ઈંડિયા વીલ આયડેન્ટિફાય એન્ડ
પનીશ એવરી ટેરેરીસ્ટ. કોઈ પણ આતંકીને બક્ષવામાં નહીં આવે. અમે ત્વરિત અને નિર્ણયાત્મક ઝડપી પગલાં લઈશું. તમે ખાતરી રાખજો કે પીડાગ્રસ્તોને ન્યાય મળશે. આતંકીઓએ દેશની શાંતિ અને સુરક્ષા સામે પડકાર ફેંકયો છે.

ભારતની આત્મા પર હુમલાનું દુ:સાહસ કરનાર આ આતંકીઓનો આપણે કારગિલથી ક્ધયાકુમારીમાં રહેતા દરેક ભારતીયજનો આવા સંકટકાળમાં એકજૂટ થઈને આતંકીઓનો સામનો કરીશું.

આ રાષ્ટ્રજોગું પ્રવચન સાંભળતા અને વડા પ્રધાનના જુસ્સાભરી પ્રેરકવાણી સાંભળીને ચેતનભાઈ બોલ્યા:- ‘યસ- ઈંડિયા વીલ નેવર બ્રેકડાઉન- નો વન કેટ બીટ ઈંડિયા. અને નાની અનુજા પણ બોલી ઉઠી:- ‘પપ્પા, હું પણ હવે જરા ય નહીં ડરું. મોટી થઈને હું પણ દેશની સુરક્ષા માટે આર્મીમાં જઈશ. નો વન કેન બીટ માય ઈંડિયા.’

આપણ વાંચો:  કરિયર : નોકરીના મામલે ડિગ્રી પર ભારી પડતા ડિપ્લોમા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button