ટોપ ન્યૂઝબનાસકાંઠા

બનાસકાઠામાં કરા પડ્યા, રાજ્યભરમાં ખેડૂતોની વધી ચિંતા

બનાસકાંઠાઃ રવિવાર સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં થરાદ સહિતના વિસ્તારમાં મધરાત્રે તોફાની પવન અને વીજળના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

ઉનાળુ બાજરીના પાકને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં બાજરીના પાક સહિત અન્ય પાકોને નુકસાન થયું છે. ભારે પવનના કારણે બાજરીનો પાક આડો પડી જતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઇ રહી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના અજમો, ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકશાની જવાની શક્યતા સેવાઇ રહી છે. મહીસાગરના કડાણા તાલુકાના ડીટવાસ ગામે ગત રાત્રીએ વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોની ચિંતા વધી હતી. તેમને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

6 દિવસ છે ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે.

આગામી બે દિવસ ક્યાં પડશે કમોસમી વરસાદ

સોમ અને અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.

7 અને 8 મેએ અહીં વરસશે વરસાદ

આગામી બુધવાર અને ગુરૂવારે એટલે કે 7 અને 8 મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

આગાહી અનુસાર આગામી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 9 મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આપણ વાંચો:  ચંડોળા તળાવ મુદ્દે લલ્લા બિહારીએ વટાણા વેર્યા, આઠ એજન્ટોના આપ્યા નામ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button