ચંડોળા તળાવ મુદ્દે લલ્લા બિહારીએ વટાણા વેર્યા, આઠ એજન્ટોના આપ્યા નામ!

અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન લલ્લાએ આઠ જેટલા એજન્ટના નામનો ખુલાસો કર્યો હતો.
મળતી વિગતો અનુસાર છેક બાંગ્લાદેશથી ગુજરાતના અમદાવાદમાં ચંડોળા તળાવ સુધી પહોંચાડનારા આઠ જેટલા એજન્ટોની માહિતી લલ્લાએ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી. હવે પોલીસે આ આઠે એજન્ટને પકડી પાડવા માટે કમર કસી છે. એજન્ટોની સાથે જ હવે આગામી સમયમાં લલ્લાના એક ભાગેડુ સાગરિતની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.
ચાર એજન્ટ ગુજરાતના
સૂત્રોના જણાવ્યા અનુસાર લલ્લાએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે કુલ આઠ જેટલા એંજન્ટો બાંગ્લાદેશથી લોકોને અહી અમદાવાદ સુધી પહોંચાડતા હતા અને લલ્લા તેમના માટે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા કરી આપતો હતો તેમજ જરૂરી દસ્તાવેજો પણ કાઢાવી આપતો હતું. લલ્લાએ એમ પણ જણાવ્યું હતું કે કુલ આઠ એજન્ટોમાંથી બે એજન્ટ બાંગ્લાદેસના, બે પશ્ચિમ બંગાળના તેમજ અન્ય ચાર ગુજરાતના હોવાનું કહ્યું છે.
લલ્લુ બિહારીની રાજસ્થાનથી ધરપકડ
મળતી વિગતો અનુસાર ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લલ્લુ બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સુનાવણી બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત લલ્લુ બિહારી ચંડોળા તળાવની આસપાસની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને તેને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. તેના આ મોટાપાયાના ગેરકાયદેસર સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
આપણ વાંચો: પહલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુંઃ સી આર પાટીલ