ઉત્સવ

મિજાજ મસ્તી : લાઇફ નામે કોમેડી, ના સમજો તો ટ્રેજેડી!

-સંજય છેલ

ટાઇટલ્સ: હાસ્ય ને કરુણતા, એક સિક્કાની એક જ બાજુ! (છેલવાણી)
એક વાર મને ઘણાં ફિલ્મ સ્ટાર્સના ટીચર અને ‘પૂના ફિલ્મ ઇંન્સ્ટિટયૂટ’ ના શિક્ષક એવા અભિનેતા-કોમેડિયન અસરાનીએ ફિલ્મ ‘ક્યુંકિના શૂટિંગ દરમિયાન વિવેકાનંદજીની એક વાત કહેલી : ‘ઝિંદગીમેં કુછ ભી હો જાયે. ચૌંકના મત! ’ આજે આપણી આસપાસ દેશમાં જે-જે કઇ કઇ ચાલી રહ્યું છે એ બધું ખરેખર જોક છે કે સત્ય? કશું જ સમજાતું નથી. ન્યૂઝ ચેનલોના સાચા-ખોટા સમાચારો કે વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર જાતજાતની વાતો-ચર્ચાઓ આપણને ચૌંકાવી નાખે છે!. રાજકારણ, રમૂજ અને વાસ્તવિકતાની ભેળપુરી બનીને સામે આવે છે તો આખિર આ હાસ્ય ઉર્ફ હ્યુમર અને ટ્રેજેડી છે શું?

ચલો સમજીએ ધારો કે અમેરિકન આર્મીના ટોપના અધિકારી પાસે કોઇ સંદેશો લાવે કે રશિયા, અમેરિકા પર 10 મિનિટમાં અણુબોંબ નાખવા જઇ રહ્યુ છે તો એ વાતમાં ડ્રામા છે કે હવે કઇ રીતે રશિયનોને અટકાવવા? પણ જો કોઇ એવો સંદેશો લાવે બોંબ ઓલરેડી નીકળી ચૂક્યો છે અને પાંચ મિનિટમાં અમેરિકા પર ત્રાટકશે તો એમાં ટ્રેજેડી સાથે સસ્પેંસ છે! માત્ર પાંચ જ મિનિટમાં બધું ખતમ થશે, ધારો કે જો ત્યારે જ અમેરિકન વૈજ્ઞાનિકને ખૂબ ઝાડા થયા હોય, એ ટોઇલેટમાં અટકેલો હોય અને આ બોંબના સમાચાર આવે તો એણે બોંબને નિષ્ક્રિય કરવાનો છે અને જાતને વારેવારે ટોઇલેટ જતાં રોકવાનો છે તો એ કોમેડી છે.

એક જ ઘટનામાં ટ્રેજેડી અને કોમેડી વચ્ચે કેટલો નાનો ફરક છે! હાસ્યમાં કદીક બોધ કે ડંખ પણ હોય છે. એકવાર હિટલરે જયોતિષને પૂછ્યું, ‘મારું મોત ક્યારે આવશે?’ જયોતિષે કહ્યું: એક તહેવારને દિવસે. હિટલરે પૂછ્યું: ‘કયો તહેવાર? એ કયારે આવે છે?’ જયોતિષ હસ્યો અને કહ્યું, તમે જે દિવસે પણ મરશો ત્યારે યહૂદીઓ માટે તહેવાર જ હશેને! હિટલરના પાશવી અત્યાચારથી જેલમાં સબડતા યહૂદીઓ આવા જોક બનાવીને જેલમાં દિવસો ગુજારતા. કરૂણ પરિસ્થિતિ સામે લડવાની તાકાત એમને આવી રમૂજથી મળતી. જયોર્જ મેરેડીથ આને ‘કોમિક સ્પિરિટ’ કહે છે. પ્રજાને સૌથી કરૂણ હાલતમાં પણ હસવાથી સામૂહિક બળ મળે છે તો ફિલોસોફલર-કમ-લેખક એરિસ્ટોટલે કહ્યું છે કે: ‘રમૂજ, કટાક્ષ કે વ્યંગ, સમાજ પર એક એનર્જીના ઇંજેકશનનું કામ કરે છે!’

ઇન્ટરવલ:
હંસને કી ચાહને કિતના મુઝો રૂલાયા હૈ?

કોઇ હમદર્દ નહીં દર્દ, મેરા સાયા હૈ!

(કપિલ કુમાર)
એકવાર ગીતકાર સાહિર લુધિયાનવીએ સફળ નિર્દેશક યશ ચોપડાને એક ગીત સંભળાવ્યું. ચોપડાજીએ પોતાના દિલ પર હાથ મુકીને ફિલ્મી અંદાઝમાં કહ્યું: ‘સોરી, બાત યહાં દિલ પે લગી નહીં!’ આ સાંભળીને સાહિર તાડૂક્યા, ‘અબે ચોપડે.. દિલ પે લગને કે લિયે પહલે દિમાગ મેં લગની ચાહિયે!’

આમ તો આ યશ ચોપડા પરની આ તીખી મજાક છે, પણ સાહિર જેવા કવિ માટે ટ્રેજિક સિચ્યુએશન છે કે કોને કવિતા સમજાવીએ? એટલે જ તો ચાર્લી ચેપ્લિન કહેતો: ‘કોમેડી એ લોંગશોટ(દૂરથી)માં થતી ટ્રેજેડી છે.’ દૂરથી કોઇ કેળાની છાલ પરથી લપસતો દેખાય તો એ આપણા માટે કોમેડી છે , પણ લપસી પડનાર માટે ટ્રેજેડી છે! કદાચ એટલે જ જિંદગી પંચ-લાઇન કે આખરી રમૂજ વિનાનો ક્રૂર જોક છે!

કયારેક આપણને કોમેડી કરુણતાના લિબાસમાં મળે છે યા ટ્રેજેડી હાસ્યનો મેકઅપ કરીને છેતરે છે. મહાભારતમાં મયદાનવે બનાવેલા માયાવી મહેલમાં દુર્યોધનને નીચે સ્વચ્છ, સ્ફટિક જેવું પાણી દેખાયું ને એમાં ઝંપલાવ્યું પણ ત્યાં તો જમીન હતી ને એના હાથ-પગ છોલાઇ ગયા ત્યારે દ્રૌપદીએ કહ્યું: ‘આંધળાનો પુત્ર આંધળો જ હોયને? ’ ને દુર્યોધન સમસમી ગયો કે આનો બદલો એ લેશે. મહાભારત યુદ્ધનાં બીજ એ કટાક્ષથી રોપાઇ ગયા. દ્રૌપદીની રમૂજ, યુદ્ધની ટ્રેજેડી બની ગઇ!

કોઇ મહાન સંગીતકાર સ્ટેજ પર પિયાનો વગાડવા જાય અને સ્ટૂલ પર બેસવા જતાં ચત્તોપાટ પડી જાય તો બધાં હસી પડે , કારણકે આ સિચ્યુએશન એણે કે કોઇએ કલ્પી નહોતી. એજ રીતે સત્તાશાળી માણસ જ્યારે સ્થાન પરથી પડે ત્યારે સૌને હસવું આવતું હોય છે. પાવરફુલ માણસને પણ એ ખબર નથી કે આવું ક્યારે થશે. વળી શાબ્દિક રમૂજનો અલગ રંગ છે. ઉર્દૂ લેખક મન્ટો કહેતો કે ‘પંજાબી આદમી જબ ઉર્દૂ બોલતા હૈ તો લગતા હૈ કિ જૂઠ બોલ રહા હૈ! ’ આમાં ભાષા પર ભાષા દ્વારા રમૂજ છે… આમાં મંટો માટે કોમેડી છે, પણ પંજાબી ભાષા અંગે ટ્રેજેડી છે.

અને ટ્રેજેડી? માણસ, માણસ હોવાને લીધે જ અધૂરો હોય છે. આ અધૂરપ એ જ સૌથી મોટી ટ્રેજેડી છે. શેક્સપિયરે જ્યારે 20મે વર્ષે લંડનમાં થિયેટરને સમજવાનું શરૂ કર્યું ત્યારે કૂકડાની મારામારી, રીંછની રેસ અને પ્રાણીઓની લોહિયાળ વગેરે રમતોને, ખૂની તમાશાઓને પ્રેક્ષકો ખૂબ માણતા! એ વૃત્તિને શેક્સપિયરે સમજી લીધી પછી લોહિયાળ મેલોડ્રામા-ટ્રેજેડીઓ લખી. જીવનની નિ:સહાયતા કે નિષ્ફળતાનો તમાશો જોયા કરવો એ કુદરતની મનગમતી કોમેડી છે. લાઇફ નામે કોમેડી છે જો ના સમજો તો કોમેડી છે. બેરહમ જીવન કે સત્તા સામેનો સંઘર્ષ અણગમતી ટ્રેજેડી છે, પણ ચાલો, આપણે એનો હસતાં હસતાં કોમેડીથી જ સામનો કરીએ આમેય બીજું કરી પણ શું શકીએ?

એન્ડ ટાઇટલ્સ:
આદમ: કેમ હસે છે?
ઇવ: એ જોઇને કે તું હજી કેટલો ખુશ છે!

આપણ વાંચો:  સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button