ઉત્સવ

સ્પોટ લાઈટ : ચીલઝડપ: નાટક ને જીવન

-મહેશ્વરી

નાટકમાં અને પ્રમુખપણે ફિલ્મોમાં ફ્લેશબેક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળની કોઈ ઘટના વર્તમાન સંદર્ભમાં રજૂ કરવી જરૂરી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે. કાં તો એ જૂની ઘટનાનું અનુસંધાન હાલની ઘટના સાથે કનેક્શન ધરાવી કોઈ નવો અર્થ ધારણ કરે એ માટે દર્શાવાતું હોય છે અથવા પ્રવાહમાં કોઈ વ્યક્તિ કે ઘટનાનો વિસર પડ્યો હોય અને એ દર્શાવવી જરૂરી હોય એ માટે પણ ફ્લેશબેકનો ઉપયોગ કરવામાં આવે છે. મારી આ જીવનકથાના વૃતાંતમાં પણ એવું જ બન્યું છે. મારા જીવનની ઘટનાઓને સમાંતર હું ચેરી અને શાંગ્રિલની વાતો કરી રહી હતી એમાં મારી બીજી દીકરી કલ્યાણીને સાવ ભૂલી ગઈ. કલ્યાણીના જીવનમાં આવેલા એક અણધાર્યા વળાંક વિશે આજે ફ્લેશબેકમાં જઈ વાત કરું છું.

ચેરીનાં લગ્ન તો 1987માં થઈ ગયા હતા. લગ્ન કેવી રીતે થયા અને તેને સાસરે વળાવી એની વિગતવાર વાત મેં અગાઉના હપ્તામાં કરી છે. મારે બીજી દીકરી પણ છે. કલ્યાણી, જે હવે પરણવાની ઉંમરના આંગણે પહોંચી ગઈ હતી. જોકે, એનાં લગ્ન વિશે મેં કશું વિચાર્યું નહોતું. એક દિવસ મને સુરેશ રાજડાનો ફોન આવ્યો. સુરેશભાઈ નાટ્ય જગતમાં જાણીતું નામ. આઈએનટી જેવી માતબર સંસ્થા સાથે સંકળાયેલા અને પ્રવીણ જોશી સાથે કામ કર્યું હોવાથી તેમની નાટ્ય સૂઝ ખૂબ વિકસી હતી. મને એમ કે કોઈ રોલ આપવો હશે એટલે મને મળવા બોલાવવા ફોન કર્યો હશે. જોકે, મેં કલ્પના કરી હતી એનાથી વાત આશ્ર્ચર્ય અને નવાઈ પમાડે એવી સાવ વિપરીત નીકળી. ‘હું એક નાટક બેસાડી રહ્યો છું. એમાં એક રોલમાં તમારી દીકરીને લેવી છે. જો તમારી મંજૂરી હોય તો આપણે મળીને વાતચીત કરી લઈએ,’ સુરેશ ભાઈએ વાત કરી.

બે ઘડી તો શું જવાબ આપવો એ જ મને સૂઝ્યું નહીં. જોકે, હું ક્યારેય મારી દીકરીઓને સ્ટેજ પર નહોતી લઈ ગઈ. રિહર્સલમાં સુધ્ધાં એમને સાથે રાખવાનું મેં ટાળ્યું હતું. હા, મારી મોટી દીકરી માત્ર 15 દિવસની હતી ત્યારે સંજોગવશાત પેટલાદમાં નાટકના શો વખતે એને ગોદડીમાં સુવડાવીને લઈ જવી પડી હતી. જોકે, એ રેગ્યુલર સ્ટેજ નહોતું. મંડપ બાંધવામાં આવ્યો હતો. એ પ્રસંગ બાદ કરતા મેં મારી બંને દીકરીઓને નાટ્ય જગતથી દૂર રાખી હતી. નાટકમાં કામ કરવાની પણ તેમને પરવાનગી નહોતી. દીકરીઓ ભણીગણીને અલગ જ ક્ષેત્રમાં આગળ વધી નામના મેળવે એવી મારી અદમ્ય ઈચ્છા હતી.

આ પણ વાંચો….સ્પોટ લાઈટ : પદ્મારાણીએ મારો કાન આમળ્યો…

મારી અનિચ્છા હોવા છતાં સુરેશભાઈ મક્કમ હતા. મારી ચિંતા પણ સમજી ગયા. મને કહેવા લાગ્યા કે ‘મહેશ્વરી બહેન, જરાય ચિંતા ન કરો. અમારું ગ્રુપ બહુ સારું છે.’ એમની સમજાવટ અને આગ્રહ સામે દીકરી નાટકમાં કામ કરે એ માટે મેં હા પાડી દીધી. એમના નાટકનું નામ હતું ‘ચીલઝડપ.’ આ નાટક પરથી થોડા વર્ષ પહેલા એક ગુજરાતી ફિલ્મ પણ બની હતી એવી વાત કોઈએ મને કરી હતી. ‘ચીલઝડપ’ નાટકથી કલ્યાણીની એન્ટ્રી નાટકની દુનિયામાં થઈ. એવું કહેવાય છે ને કે જેનાથી તમે જોજનો દૂર ભાગો એ જ તમારી પાસે દોડતું આવે. લગભગ એવું જ બની રહ્યું હતું મારી સાથે. હું બાળકોને નાટકની દુનિયાથી દૂર રાખવાની કોશિશ કરતી હતી અને નાટક દોડ્યું દોડ્યું એમની પાસે આવી રહ્યું હતું.

કલ્યાણી ‘ચીલઝડપ’ નાટકના રિહર્સલમાં નિયમિત જવા લાગી. નાટકમાં રિમા લાગુ જેવી સિદ્ધહસ્ત અભિનેત્રી હતી અને નીતિન ત્રિવેદી નામનો એક જુવાન અભિનેતા પણ હતો. રિહર્સલ કરતા કરતા કલ્યાણી અને નીતિન વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંનેએ પરણવાનું નક્કી કર્યું. જોકે, નીતિન મારવાડી પરિવારનો હતો અને એનો પરિવાર કલ્યાણીને પુત્રવધૂ તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. એટલે બંને ભાગી ગયા. એને કારણે નીતિનના પરિવારની શું હાલત થઈ એ હું નથી જાણતી, પણ હું ખૂબ ટેન્શનમાં આવી ગઈ.

ગુસ્સો પણ બહુ આવ્યો મારી દીકરી પર. એને જરાય વિચાર ન આવ્યો કે હું આમ અચાનક જાણ કર્યા વિના જતી રહીશ તો માને માથે કેવી વીતશે? પણ પ્રેમ આંધળો હોય છે એ અમસ્તું નથી કહેવાતું. બે હૈયા જ્યારે તીવ્રતાથી એકમેકને ઝંખતા હોય ત્યારે આખી દુનિયા તેમને માટે ગૌણ બની જતી હોય છે. જોકે, મુગ્ધતાની આવરદા બહુ ટૂંકી હોય છે. ચાર દિવસમાં જ કલ્યાણી – નીતિન પાછાં આવી ગયાં.

આ પણ વાંચો….સ્પોટ લાઈટ – બેરિસ્ટર: દર્શકને ઢંઢોળતું નાટક

હું તો કશું બોલી શકવાની મન:સ્થિતિમાં જ નહોતી. દીકરીની માએ હંમેશાં ગળી ખાવાનું હોય છે. સમાજનો એ શિરસ્તો રહ્યો છે. પણ મને ફડક પેઠી કે નીતિનના ઘરવાળા શું કહેશે? કલ્યાણીને અપનાવવા તૈયાર થશે કે જાકારો આપશે? જોકે, ઈશ્વરની કૃપા કે કશું અજુગતું થયું નહીં. નીતિનના મમ્મી – પપ્પા અને પરિવારના સભ્યો મારા ઘરે આવ્યાં અને કલ્યાણીના લગ્ન નક્કી થઈ ગયા. જોકે, એમની એક વાતથી મને બહુ અચરજ થયું. ’તમે જાન લઈ અમારે ત્યાં આવો.

આપણે ધામધૂમથી પ્રસંગ પાર પાડીશું,’ નીતિનના પપ્પાએ બધી વાત પાકી થયા પછી મને કહ્યું. એમની ઓફર સાંભળી હું હસી પડી અને કહ્યું કે ‘એમ કેમ થાય? જાન તો દીકરાવાળાને ત્યાંથી નીકળી દીકરીવાળાને ત્યાં આવે એવો રિવાજ છે. મારે એ જ પ્રમાણે લગ્ન લેવા છે. મેં તો મારા ઘરના આંગણામાં જ માંડવો બાંધી કલ્યાણીના હાથ પીળા કરી દીધા. અત્યંત વેગથી ઊડી શકતી સમડી ચીલ નામે પણ ઓળખાય છે. એની અસાધારણ ઝડપ માટે ચીલઝડપ શબ્દ છે. કોઈ કામ ઝપાટાબંધ કે ઝડપભેર કરવામાં આવે ત્યારે ચીલઝડપ દેખાડી એમ કહેવાય છે. ‘ચીલઝડપ’ નાટકમાં કામ કરી કલ્યાણીએ વૈવાહિક જીવનમાં ગોઠવાઈ જવામાં પણ ચીલઝડપ દેખાડી.

બીજી એક વાત મારે કરવી છે એ નાટકના કલાકારની નિષ્ઠાની, એના કમિટમેન્ટની. અમારી લાઈનમાં જબાનની બહુ કિંમત હોય છે. 1970 – 80ના દાયકામાં નિર્માતા – કલાકાર વચ્ચે કોઈ લેખિત કરાર કરવાની કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી. બધું મૌખિક ધોરણે જ નક્કી થઈ જતું, કારણ કે બોલાયેલા શબ્દ શબ્દનું પાલન થશે એવી ખાતરી બંને પક્ષે રહેતી. ‘પળના પ્રતિબિંબ’ માટે મેં વિનુભાઈને હા પાડી એના પછી શૈલેષ દવે તરફથી ‘ખેલ’ નામના નાટકની મને ઓફર આવી.

શૈલેષ ભાઈ એવા નાટ્યકાર જેમની સાથે કામ કરવા દરેક કલાકાર થનગનતો હોય. હું પણ એમાં અપવાદ નહોતી. રોલ સુધ્ધાં દમદાર હતો એટલે આકર્ષણ થવું સ્વાભાવિક હતું. પણ કમિટમેન્ટ સામે લાભ પાણી ભરે. મેં શૈલેષ ભાઈને ના પાડી દીધી. બહેતર રોલ ગુમાવવાનો અફસોસ નહોતો, પણ કમિટમેન્ટને વળગી રહી નિર્માતા સાથે પ્રામાણિક રહેવાનો આનંદ હતો. આજની તારીખમાં એ કમિટમેન્ટ, એ આનંદની બાદબાકી થઈ ગઈ છે એવું સાંભળવા મળે છે.

આ પણ વાંચો…. સ્પોટ લાઈટ : મોજીલા મણિલાલ: ઘણું નવું શીખવા મળ્યું

‘આગગાડી’થી ગુજરાતી નાટકનો નવો યુગ શરૂ થયો
રંગભૂમિના વિકાસમાં ચંદ્રવદન મહેતા – ચં. ચી. મહેતાનું અનન્ય યોગદાન રહ્યું છે. નવી રંગભૂમિના વિકાસની વાત કરીએ ત્યારે મહેતા સાહેબ અને કનૈયાલાલ મુનશીનાં નાટકોનો મોટો ફાળો રહ્યો છે. ચં. ચી. મહેતાની તો રગેરગમાં નાટક દોડે. નાટકનો જ જીવ. દિવસ – રાત રંગભૂમિ વિશે જ તન્મયતાથી વિચારતા રહેવાની તેમને આદત, બલ્કે એમના જીવનનો ઘટનાક્રમ એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 1915ની આસપાસ મુંબઈમાં શેક્સપિયરનાં નાટકોના રૂપાંતર ભજવવાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો એમ માનવામાં આવે છે. આ સંદર્ભે એક પ્રસંગ ઘણાં વર્ષો પહેલા વાંચ્યો હતો જે કેવળ સ્મૃતિના આધારે રજૂ કરું છું.

એક નાટકમાં ચં. ચી. મહેતાએ બટલરનું લીલું પાટલૂન, ચટ્ટાપટાવાળો ડગલો અને હંગેરિયન કેપ પહેરીને પોતે ઉપજાવી કાઢેલું ‘લાલિયા પરાપર’નું દૃશ્ય ભજવ્યું અને પારિતોષિક પણ મેળવ્યું. ધીમે ધીમે નવી રંગભૂમિને આકાર મળી રહ્યો હતો. તેમણે ’અખો’ નાટક ભજવ્યું જેને બહોળો આવકાર મળ્યો. ‘અખો’ પછી ‘પ્રેમનું મોતી’, ‘મૂંગી સ્ત્રી’, ‘આગગાડી’ વગેરે નાટકો તેમણે આપ્યાં. ‘આગગાડી’થી ગુજરાતી નાટક અને રંગભૂમિનો નવો યુગ શરૂ થયો એવું માનવામાં આવે છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતમાં કાર્યરત રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવવામાં આ નાટક સફળ રહ્યું હતું. નાટક માટે લેખકને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. નાટકની કથામાં એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાદરજી ગોરા ડ્રાઇવરની તુમાખી અને એના ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે કરુણ ઘટના પર્યંતની પીડાદાયક ઘટનાઓનો ઉલ્લેખ છે. હું ભૂલતી ન હોઉં તો કાંતિ મડિયાએ આ નાટક દૂરદર્શન માટે કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button