ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : હવે સોશ્યલ મીડિયા કોઈ પણ દેશમાં ગૃહ યુદ્ધ ભડકાવી શકે

રાજ ગોસ્વામી

પહલગામમાં આતંકી હુમલા પછી દેશભરમાંથી જે પ્રતિક્રિયાઓ આવી, તેમાં પૂરીના ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદ સરસ્વતીએ એક નોંધપાત્ર ટિપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું. જે રીતે આતંકવાદીઓએ પર્યટકોનો ધર્મ પૂછીને એમની હત્યા કરી હતી તેની પાછળ એમનો સ્પષ્ટ ઈરાદો દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવાનો છે.

આ વાત તર્કસંગત છે. દાયકાઓથી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની ત્રણ નિશ્ર્ચિત પેટર્ન રહી છે : ત્યાં હંમેશાં પોલીસ, સેના કે અન્ય સરકારી (અને રાજકીય) લોકો નિશાન પર રહ્યા છે. એંસીના દાયકામાં વિદેશી પર્યટકોને નિશાન બનાવાયા હતા, જેથી કાશ્મીરનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચગે અને છેલ્લાં થોડાં વર્ષોથી બીજા રાજ્યના મજદૂરોને નિશાન બનાવાયા હતા, જેથી બહારના લોકો ત્યાં કામ કરવા માટે ન આવે.

સામાન્ય પર્યટકો મોટાભાગે આતંકીઓની બંદૂકથી બચતા રહ્યા છે. પહલગામમાં જે થયું તેમાં આ પેટર્ન તૂટી છે. એટલું જ નહીં, તેમાં હિંદુઓને નિશાન બનાવાયા છે. તેની પાછળનો સીધો ઈરાદો દેશમાં હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનો છે. એમાં ગણતરી એવી છે કે હિંદુઓ આ હત્યાકાંડનો બદલો લેવા માટે મુસલમાનોને નિશાન બનાવે. તેનાથી ભારતમાં એવું સંકટ પેદા થાય, જેથી ગૃહયુદ્ધ છેડાઈ જાય. હુમલા પછી સોશ્યલ મીડિયા અને ટેલીવિઝન ચેનલો પર જે રીતનું ધ્રુવીકરણ થયું તે તેનો પુરાવો છે. કાશ્મીરમાં પાકિસ્તાનના સમર્થનથી જન્મેલા આતંકવાદ માટે ‘પ્રોક્સી વોર’ (છૂપું યુદ્ધ) શબ્દ વપરાય છે.
આ એક એવું યુદ્ધ છે જેમાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ સીધી જવાબદારીમાંથી છટકી જાય છે, પણ આતંકીઓના ખભે બંદૂક રાખીને કાશ્મીરને લોહીલુહાણ હાલતમાં રાખે છે. પાકિસ્તાનની ‘એક કોમ એક રાષ્ટ્ર’ની થિયરી એવું કહે છે કે મુસલમાનો એક અલગ કોમ છે અને ભારતીયો કે હિંદુઓ સાથે એમનું કોઈજ સામ્ય નથી. ભારતનો બહુમતી હિંદુ સમુદાય હતાશ થઈને લઘુમતી મુસ્લિમ સમુદાય વિરુદ્ધ થઇ જાય તો ‘બે અલગ કોમ’ની થિયરી સાચી પડતી નજર આવે.

આ પણ વાંચો….મોર્નિંગ મ્યૂસિંગ : હિમાલયમાં ‘અટકી’ ગયેલા એટકિન, જેણે નંદાને મુગટ બનાવી ને ગંગાને ગોદ !

વિભાજન પછી ભારતમાં રહેવાનું પસંદ કરનારા ચાર કરોડ મુસલમાનોનો એ નિર્ણય ખોટો હતો એને એ ભારતમાં સલામત નથી તેવું સાબિત કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ છે. પાકિસ્તાનને હકીકત પણ કઠે છે કે એમને અલાયદું રાજ્ય મળ્યું હોવા છતાં મુસલમાનોનો એક મોટો સમુદાય બાંગ્લાદેશ સાથે જતો રહ્યો હતો. એ તેમની ‘એક કોમ એક રાજ્ય’ થિયરીની હાર હતી.

કોઈને એવો પ્રશ્ન થાય કે ભારતમાં સાચે જ એવું થાય? સામાન્ય રીતે જે દેશમાં કાનૂનની, બંધારણની અને સંસદની વ્યવસ્થા હોય અને નાગરિકોમાં સમાનતા તેમજ ન્યાયની ભાવના હોય ત્યાં ગૃહયુદ્ધ ન થાય. ભારત એવા એક વ્યવસ્થા આધારિત દેશમાં આવે છે, પરંતુ એટલું પૂરતું નથી. ગૃહયુદ્ધ દેશની અંદર સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક કારણોસર પણ થાય છે. વિશ્વમાં અફઘાનિસ્તાનથી લઈને સીરિયા સુધી, ઈરાકથી લઈને આયર્લેન્ડ સુધી ઘણાં ગૃહયુદ્ધ થયાં છે. ખુદ અમેરિકા એક લોહિયાળ ગૃહયુદ્ધની બુનિયાદ પર બન્યું છે.

ગૃહયુદ્ધ થવાની કોઈ નિશ્ર્ચિત રીત નથી, પરંતુ ઘણીવાર બીજા દેશની દખલ અંદાજીથી એવી પરિસ્થિતિ પેદા થઇ શકે છે. પંજાબ અને કાશ્મીરના દાખલા પરથી એવું સાબિત થાય છે કે પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલાય તેવું ઈચ્છે છે.
અમેરિકામાં બાર્બરા વોલ્ટર નામની એક પોલિટિકલ સાયન્સની લેખિકાએ વર્ષો સુધી દુનિયાનાં ગૃહ યુદ્ધોનો અભ્યાસ કર્યો છે અને તેના પરથી ‘હાઉ સિવિલ વોર સ્ટાર્ટ’ (ગૃહયુદ્ધ કેવી રીત શરૂ થાય) તે નામનું એક સરસ પુસ્તક લખ્યું છે. તેમાં એ લખે છે કે 20મી સદીની શરૂઆતમાં ગૃહ યુદ્ધો વર્ગભેદ અને વિચારધારાઓ પર લડાતાં હતાં. 1917માં રશિયામાં અને એક દાયકા પછી ચીનમાં આ રીતે ગૃહ યુદ્ધ થયાં હતાં. બીજા વિશ્વ યુદ્ધ પછી, જૂનાં સંસ્થાનવાદી સામ્રાજ્યો તૂટી ગયાં અને વંશીય તેમજ ધાર્મિક સમુદાયો વચ્ચે ગૃહયુદ્ધ થવા લાગ્યાં. આજે મોટાભાગની દુનિયામાં આવી જ ફોલ્ટ-લાઈનો સક્રિય છે. બાર્બરા વોલ્ટરના અનુસાર ગૃહયુદ્ધ થવાનાં મુખ્ય સાત કારણ હોય છે:

આ પણ વાંચો….મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે

  • સરકાર દ્વારા કોઈ એક વર્ગ, જાતિ, ધર્મ કે જનજાતિને વિકાસના લાભોથી વંચિત રાખવામાં આવે.
  • રાજનૈતિક સત્તા ભ્રષ્ટ બની ગઈ હોય
  • આર્થિક અને સામાજિક શોષણ ચરમસીમાએ હોય.
  • દેશમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી દૂર થતી ન હોય.
  • સત્તા બચાવવા માટે સરકાર ને સમુદાયો વચ્ચે ઝઘડો કરાવે.
  • સંસાધનો પર કબ્જા માટે બે જૂથો વચ્ચે સંઘર્ષ ચાલતો હોય.
  • દેશમાં દુશ્મન દેશની દખલઅંદાજી હોય.

લેખિકા બાર્બરા વોલ્ટર કહે છે કે દુનિયામાં હિંસાનું સૌથી પ્રચલિત સ્વરૂપ ગૃહયુદ્ધ છે. એટલું જ નહીં, 1946 પછી તેમાં નિયમિત વધારો થયો છે અને ઈતિહાસમાં આજે સૌથી વધુ ગૃહયુદ્ધો ચાલે છે. બાર્બરાએ તો ત્યાં સુધીની ભવિષ્યવાણી કરી છે કે અમેરિકામાં ધીમે ધીમે ગૃહયુદ્ધ થાય તેવી સંભાવનાઓ આકાર લઇ રહી છે. ગૃહયુદ્ધ કેવી રીતે અટકાવી શકાય? બાર્બરા વોલ્ટર કહે છે કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા સૌથી જોખમી સાબિત થઇ રહ્યું છે.

સોશ્યલ મીડિયા ફેક ન્યૂઝ મારફતે લોકો વચ્ચે નફરત અને ઝેર ફેલાવાનું કામ કરે છે. તે લોકોને જાતિ કે ધર્મના આધારે વિભાજિત કરવાનું કામ કરે છે અને કાયદો-વ્યવસ્થા, માનવાધિકાર, ઉદાર મૂલ્યો અને લોકતંત્રને ખતમ કરવાનું કામ કરે છે. આમ જુવો તો લોકો સૌથી પહેલાં સોશ્યલ મીડિયા પર જ વૈચારિક હિંસા પર ઊતરી આવે છે. તે ગૃહયુદ્ધનું જ સૂક્ષ્મ સ્વરૂપ છે. બાર્બરા વોલ્ટર ઉમેરે છે કે, ‘સરકારો તો તેના પર લગામ કસવાનું કામ કરે ત્યારે ખરી, પણ નાગરિક તરીકે આપણે આપણો અવાજ ઉઠાવવો પડશે અને આપણે લોકશાહીમાં હિસ્સેદારી કરવી પડશે.’

આ પણ વાંચો…. મોર્નિંગ મ્યૂસિંગ: શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે!

સામાજિક-રાજકીય અસમાનતા સમાપ્ત થાય, લોકોની રાજકીય હિસ્સેદારી વધે, ભેદભાવ સામે લોકો અવાજ ઉઠાવે, સંવાદનું વાતાવરણ મજબૂત થાય, બંધારણ અને કાનૂનનું પાલન થાય અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધે તો કોઈ દેશ ગૃહયુદ્ધથી
બચી જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button