ચેન્નઈએ હાથમાં આવેલી બાજી ગુમાવીઃ આયુષના 94, જાડેજાના 77 રન પાણીમાં
બેંગલૂરુ નંબર-વન થયુંઃ શેફર્ડની 14 બૉલમાં મૅચ-વિનિંગ સેક્નડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી

બેંગલૂરુઃ અહીં શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (213/5) સામેના અનેક ઉતાર-ચઢાવવાળા રોમાંચક મુકાબલામાં જીતવાની અણીએ પહોંચ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સ (211/5)એ માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો. બેંગલૂરુના યશ દયાલની 20મી ઓવરમાં 15ને બદલે 12 રન થઈ શક્યા હતા. બેંગલૂરુની ટીમ નંબર-વન થઈ ગઈ છે. મૂળ મુંબઈના 17 વર્ષના આયુષ મ્હાત્રે (94 રન, 48 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) અને રવીન્દ્ર જાડેજા (77 અણનમ, 45 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચેની 114 રનની ભાગીદારી એળે ગઈ હતી. શિવમ દુબે એક છગ્ગાની મદદથી બનેલા 8 રને અણનમ રહ્યો હતો.

17 વર્ષનો આયુષ આઇપીએલ (IPL)નો થર્ડ યંગેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો હતો. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના નામે તેમ જ 17 વર્ષના રિયાન પરાગના નામે પણ હાફ સેન્ચુરી થઈ ચૂકી છે. આયુષે બેંગલૂરુના ભુવનેશ્વર કુમારની એક ઓવરમાં કુલ 26 રન (4, 4, 4, 6, 4, 4) ખડકી દીધા હતા. બેંગલૂરુ (RCB)ના ઍન્ગિડીએ સૌથી વધુ ત્રણ તથા કૃણાલ અને યશ દયાલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, બેંગલૂરુ વતી રમતા કૅરિબિયન હાર્ડ-હિટર રોમારિયો શેફર્ડે (53 અણનમ, 14 બૉલ, છ સિક્સર, ચાર ફોર) પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ (CSK)ની ટીમની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. તેણે 14 બૉલમાં 50 રન પૂરા કરીને આઇપીએલના ઇતિહાસમાં સેક્નડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી નોંધાવી હતી. યશસ્વી જયસ્વાલની 13 બૉલની હાફ સેન્ચુરીનો વિક્રમ છે.
બેંગલૂરુએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 213 રન કર્યા હતા. કૅપ્ટન રજત પાટીદાર (11 રન) પાંચમી વિકેટના રૂપમાં 157 રનના સ્કોર પર આઉટ થયો ત્યાર બાદ બેંગલૂરુની ટીમ પાસે ફક્ત 14 બૉલ બાકી હતા. જોકે શેફર્ડે એ 14 બૉલમાં જ અભૂતપૂર્વ ફટકાબાજી કરી હતી. તેણે 14 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં છ સિક્સર અને ચાર ફોર ફટકારી હતી અને છેલ્લી બે ઓવરમાં ટિમ ડેવિડ (બે અણનમ) સાથેની 56 રનની અતૂટ ભાગીદારીથી ટીમનો સ્કોર 213 રન પર લાવી દીધો હતો.

આરસીબીએ 19મી અને 20મી ઓવરમાં (કુલ બે ઓવરમાં) 54 રન કર્યા હતા જે આઇપીએલમાં નવો વિક્રમ છે.
બેંગલૂરુમાં વરસાદ પડવાને બદલે શેફર્ડે છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે ચેન્નઈના બે પેસ બોલર ખલીલ અહમદ (3-0-65-0) અને મથીશા પથિરાના (4-0-36-3)ની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. શેફર્ડ જે 14 બૉલ રમ્યો એમાં તેણે આ મુજબ રન બનાવ્યા હતાઃ ડૉટ બૉલ, 1, 6, 6, 4, 6, 6, ડૉટ બૉલ, 4, 4, ડૉટ બૉલ, 4, 6 અને 6.
ભારતીય પેસ બોલર ખલીલ અહમદની પહેલી બે ઓવરમાં 32 રન બન્યા હતા, પણ તેની ત્રીજી ઓવરમાં 33 રન થયા હતા જે આ વખતે નવો વિક્રમ છે. ખલીલની ત્રણ ઓવરમાં કુલ 65 રન બન્યા હતા. તેણે ચેન્નઈના તમામ બોલર્સની રેકૉર્ડ-બુકમાં ઍન્ગિડી (4-0-62-0)નો ખરાબ વિક્રમ તોડ્યો હતો. પથિરાનાની ત્રણ ઓવરમાં 15 રન થયા હતા, પણ તેની ચોથી ઓવરમાં 21 રન થતાં તેની પણ બોલિંગ ઍનેલિસિસ શેફર્ડે બગાડી હતી.
બેંગલૂરુના 213 રનમાં કોહલી (62 રન, 33 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) અને સાથી ઓપનર જેકબ બેથેલ (પંચાવન રન, 33 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ના પણ મોટા યોગદાન હતા, પરંતુ શેફર્ડની ફટકાબાજીએ તેમના યોગદાનને થોડા ઝાંખા પાડ્યા હતા. ચેન્નઈના બોલર્સમાં પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
રવિવારે કઈ બે મૅચ?
કોલકાતા વિરુદ્ધ રાજસ્થાન
ઈડન, બપોરે 3.30
પંજાબ વિરુદ્ધ લખનઊ
ધરમશાલા, સાંજે 7.30