નેટફ્લિક્સે ભારતમાં ઉત્પાદન દ્વારા 2 બિલિયનની આર્થિક અસર ઉભી કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નેટફ્લિક્સે તેના ભારતીય નિર્માણથી 2 બિલિયનનો આર્થિક પ્રભાવ પાડ્યો છે એમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના સહ-સીઈઓ ટેડ સારાન્ડોસે શનિવારે જણાવ્યું હતું. મુંબઈના જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે આયોજિત પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ)માં, સારાન્ડોસે જણાવ્યું હતું કે કંપનીએ દેશમાં તેના પ્રોજેક્ટ્સમાંથી 20,000 કાસ્ટ અને ક્રૂ નોકરીઓનું સર્જન કર્યું છે.
‘2021 થી 2024 સુધીમાં ખાસ કરીને કોવિડ પછી, જ્યારે વસ્તુઓ સામાન્ય થઈ ગઈ ત્યારથી અમે ભારતમાં એવી રીતે રોકાણ કર્યું છે કે જેનાથી અમારા પ્રોડક્શન્સમાંથી બે અબજ ડોલરનો આર્થિક પ્રભાવ પડ્યો છે, ભારતમાં અમારા પ્રોડક્શન્સમાંથી 20,000થી વધુ કલાકારો અને ક્રૂ નોકરીઓ મળી છે,’ એમ સારાન્ડોસે જણાવ્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે વૈશ્ર્વિક સ્તરે ત્રણ અબજ કલાક ભારતીય સામગ્રી જોવામાં આવી હતી, જેમાં દર અઠવાડિયે ઓછામાં ઓછું એક ભારતીય શીર્ષક વૈશ્વિક ટોચના 10માં સ્થાન મેળવે છે. તે પ્રોડક્શન્સમાં, અમારી પાસે 150 મૂળ ફિલ્મો અને શ્રેણીઓ છે જે ભારતના 100 અલગ અલગ નગરો અને શહેરોમાં ફિલ્માવવામાં આવી છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
સારાન્ડોસ ‘સ્ટ્રીમિંગ ધ ન્યૂ ઈન્ડિયા: કલ્ચર, કનેક્ટિવિટી એન્ડ ક્રિએટિવ કેપિટલ’ સત્રમાં બોલી રહ્યા હતા, જેનું સંચાલન બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે 2018 માં નેટફ્લિક્સની પ્રથમ ભારતીય મૂળ શ્રેણી ‘સેક્રેડ ગેમ્સ’નું હેડલાઇનિંગ કર્યું હતું અને તાજેતરમાં સ્ટ્રીમરની એક ફિલ્મ ‘જ્વેલ થીફ’માં અભિનય કર્યો હતો.