ભિવંડીમાં મહિલા, તેની ત્રણ પુત્રી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનો ‘સુસાઇડ નોટ’માં ઉલ્લેખ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં 32 વર્ષની મહિલા અને તેની ત્રણ પુત્રી ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં અન્ય રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી ‘સુસાઇડ નોટ’ મળી આવી હતી, જેમાં મહિલાએ તેમના મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ભિવંડીમાં કામતઘર ખાતે ફેનીપાડા વિસ્તારમાં શનિવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતકોની ઓળખ પુનિતા લાલજી ભારતી (32) અને તેની ત્રણ પુત્રી અનુ (4), નેહા (7) તથા નંદિની (12) તરીકે થઇ હતી. ચારેય જણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ ભિવંડી શહેર પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.
પુનિતાનો પતિ પાવરલૂમ યુનિટમાં કામ કરતો હોઇ તે શુક્રવારે રાતે કામે ગયો હતો. શનિવારે સવારે તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી લૉક હતો. દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઇ પ્રતિસાદ ન મળતાં તેને શંકા ગઇ હતી. આથી તેણે બારીમાંથી અંદર ડોકિયું કરતાં તેની પત્ની અને ત્રણેય પુત્રી ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી. આ જોઇને આઘાત પામેલા પુનિતાના પતિએ પડોશીઓને તેની જાણ કરી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ઘરમાંથી પુનિતાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમના મૃત્યુ માટે કોઇને પણ જવાબદાર ન ઠેરવવાનું જણાવાયું હતું. પુનિતાએ કૌટુંબિક સમસ્યાઓને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે. પોલીસે આ પ્રકરણે પુનિતાના પતિનું નિવેદન નોંધ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : ભિવંડીમાં પાણીની ટાંકીમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ