ચંડોળા તળાવમાં ગેરકાયદે વસાહત ઊભી કરનારા કુખ્યાત લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર…

અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ આજે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના મહત્તમ રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લલ્લુ બિહારીની રાજસ્થાનથી ધરપકડ
મળતી વિગતો અનુસાર ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લલ્લુ બિહારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સુનાવણી બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત લલ્લુ બિહારી ચંડોળા તળાવની આસપાસની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને તેને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. તેના આ મોટાપાયાના ગેરકાયદેસર સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે કહ્યું, પોલીસે શહેરમાં વિવિધ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી. અમદાવાદના ચંડોળા તળાવમાંથી 190, સોલામાંથી 6, ઓઢવામાંથી 2 મળી કુલ 198 બાંગ્લાદેશી ઝડપાયા હતા. માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશી પકડાયા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં 2009માં 95 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન અમદાવાદ મનપા દ્વારા આશરે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાનો અને ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્યાં હતા. અહીં ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓના ઝૂંપડાઓને તંત્ર દ્વારા ડિમોલિશન કરીને હટાવી દેવામાં આવ્યાં હતા, જ્યારે બાકીનાઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો સમયસર ઝુંપડા ખાલી કરવામાં નહીં આવે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે.
આપણ વાંચો : દાદાના બુલડોઝર સામે ભાજપના વિધાનસભ્યએ ઉઠાવ્યો વાંધોઃ ગરીબોને ત્રાસ ન આપો