ટોપ ન્યૂઝનેશનલ

100 ઠેકાણાં પર દરોડા, 3000 થી વધુની પૂછપરછ… પહેલગામ આતંકી હુમલા પર NIA ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ…

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક (DG) સદાનંદ દાતે આજે શ્રીનગરથી દિલ્હી પરત ફરી શકે છે અને પહેલગામ આતંકવાદી હુમલા અંગેનો પ્રાથમિક અહેવાલ ગૃહ મંત્રાલયને સોંપી શકે છે. કેન્દ્ર સરકાર પહેલગામ આતંકી હુમલાને લઈને અત્યંત ગંભીર છે અને તપાસ એજન્સીઓને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી NIAની ટીમે પીડિત પરિવારોના નિવેદનો પણ નોંધ્યા હતા.

ઘટનાસ્થળની મુલાકાત સહિત કરી ઉચ્ચ બેઠકો
મળતી વિગતો અનુસાર તેમની મુલાકાત દરમિયાન ડીજી એનઆઈએએ બાઈસરન ખીણની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળ પર તપાસની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી જેમાં વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષાની સાથે સાથે ગુપ્તચર તંત્રને મજબૂત કરવા અને સહિયારી માહિતીના વધુ સારા આદાન-પ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

X @@MahalaxmiRaman

આતંકવાદીઓને જીવતા પકડવા પર ભાર
પહેલગામ આતંકી હુમલાના કાવતરા અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાને સંપૂર્ણપણે ઉજાગર કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ હુમલામાં સામેલ આતંકવાદીઓને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે. આ દરમિયાન, એનઆઈએએ અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓના નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને પકડાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કરોની પૂછપરછમાં મળેલી માહિતીનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

પોલીસ અને સુરક્ષા દળની સયુંકત કાર્યવાહી
દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે જોડાયેલા લગભગ 100 છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, પ્રતિબંધિત આતંકવાદી જૂથ અલ-ઉમર મુજાહિદ્દીનના સ્થાપક મુશ્તાક અહેમદ ઝરગર ઉર્ફે લટરામના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.

3000 શંકાસ્પદોની પૂછપરછ
NIA અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અત્યાર સુધીમાં UAPA હેઠળ 90 OGW સામે કેસ નોંધ્યા છે, જ્યારે લગભગ 3,000 શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ હુમલા પાછળ એક ઊંડું ષડયંત્ર છે, જેના સ્તરો ધીમે ધીમે ખુલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ અહેવાલના આધારે આગામી રણનીતિ નક્કી કરશે, અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે સૂચનાઓ જારી કરી શકે છે.

આપણ વાંચો : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button