થાણેમાં યુગલને ધમકાવી રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ…

થાણે: મુંબઈથી થાણે આવેલા યુગલને ધમકાવીને રૂપિયા પડાવવા બદલ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સસ્પેન્શનનો આદેશ શુક્રવારે જારી કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ત્રણેય જણનાં કાર્યો ‘પોલીસ દળના શિસ્તને અનુરૂપ નથી’ અને ‘વિભાગને બદનામ કરે છે.
અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલ જયેશ અંબિકર, રાકેશ કુંટે અને સોનાલી મરાઠેએ 30 એપ્રિલે રાતે થાણેના તળાવપાડી વિસ્તાર નજીક અનધિકૃત ‘ઇન્સ્પેક્શન’ કરવા માટે પોલીસ એસ્કોર્ટ વાહનનો દુરુપયોગ કર્યો હતો. ત્રણેય પોલીસકર્મીએ રાતના યુગલને આંતર્યું હતું, જે મુંબઇથી રાતે ડિનર માટે થાણે આવ્યું હતું. તેમણે યુગલ પર અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ખોટો આરોપ કર્યો હતો.
તેમણે યુગલ પાસે તેમના પરિવારજનોના મોબાઇલ નંબર માગ્યા હતા. તેમની સાથે દુર્વ્યવ્હાર કર્યો હતો અને તેમની મારપીટ પણ કરી હતી. કોન્સ્ટેબલોએ યુગલ પાસે રૂપિયા માગ્યા હતા અને તે ન આપે તો કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. પ્રેશર અને ધરપકડના ડરથી યુગલે ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા 40,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એ સિવાય એટીએમમાંથી 10 હજાર રૂપિયા કાઢવાની પણ તેમને ફરજ પડાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના બાદ યુગલે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે તપાસ કરાઇ હતી, જેમાં જણાયું હતું કે ત્રણેય કોન્સ્ટેબલોએ અયોગ્ય, અનધિકૃત રીતે અને વિભાગની સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. (પીટીઆઇ)
આપણ વાંચો : ભિવંડીમાં બે શિક્ષક 60 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા