IPL 2025

એક પણ ઝીરો વગર કર્યા 2,000 રનઃ આ અનોખો વિશ્વવિક્રમ ભારતના આ ક્રિકેટરના નામે લખાયો

આ યુવાન બૅટ્સમૅને સચિન, બાઉચર અને શૉન માર્શનો પણ રેકૉર્ડ તોડ્યો

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)નો યુવાન ઓપનર અને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન બી. સાઇ સુદર્શન (SAI SUDARSHAN) આઇપીએલની 18મી સીઝન (IPL-2025)માં 500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો એ સાથે તેણે બીજી કેટલીક મહત્ત્વની સિદ્ધિઓ પણ મેળવી છે જેમાં ખાસ કરીને તેણે એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે જેમાં તે ટી-20 ક્રિકેટમાં વિશ્વનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો છે જેણે એક પણ વાર ઝીરોમાં આઉટ થયા વગર 2,000 રન પૂરા કર્યા છે.

સુદર્શન ટી-20 ક્રિકેટની 54 ઇનિંગ્સમાં ક્યારેય શૂન્ય (ZERO)માં આઉટ નથી થયો. તામિલનાડુનો 23 વર્ષીય ભારદ્વાજ સાઇ સુદર્શન કોવિડ પછીના યુગમાં ભારતીય ક્રિકેટમાં ઊભર્યો અને જોત જોતામાં આઇપીએલ (IPL) મારફત ક્રિકેટજગતમાં લોકપ્રિય થઈ ગયો. આઇપીએલની કરીઅરમાં પણ તે ઝીરોમાં ક્યારેય આઉટ નથી થયો અને બે વખત તથા સમગ્ર ટી-20 ક્રિકેટમાં છ વાર તેણે સિંગલ-ડિજિટમાં રન કર્યા છે.

આપણ વાંચો: વિરાટ આવતી કાલે મેદાન પર ઊતરશે એટલે અનોખો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે લખાઈ જશે!

આઇપીએલ સહિતના ટી-20 ફૉર્મેટમાં સુદર્શને કુલ 2,016 રન કર્યા છે. ટી-20 ક્રિકેટમાં એક પણ શૂન્ય વિના 2,000 રન પૂરા કરવામાં તેણે સાઉથ આફ્રિકાના નિવૃત્ત ખેલાડી માર્ક બાઉચરને પણ પાછળ પાડી દીધો છે.

ટી-20 ક્રિકેટમાં એક પણ વાર શૂન્યમાં વિકેટ ગુમાવ્યા વગર સૌથી વધુ રન કરનારા ટોચના ત્રણ ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ (1) સાઇ સુદર્શનઃ 2,016 રન (2) કૅડોવાકી ફ્લેમિંગઃ 1,420 રન (3) માર્ક બાઉચરઃ 1,378 રન.

ભારતીય ખેલાડીઓમાં સુદર્શન પછી એકમાત્ર રિન્કુ સિંહ એવો ખેલાડી છે જેણે એક પણ વાર શૂન્યમાં વિકેટ ગુમાવ્યા વગર 1,000 રન પૂરા કર્યા છે.

આપણ વાંચો: અશ્વિનની 106 માંથી એકેય ટેસ્ટ પાકિસ્તાન સામે નહીં, અનોખો વર્લ્ડ રેકૉર્ડ બની ગયો!

શુક્રવારે ગુજરાત ટાઇટન્સે સુદર્શનના 48 રન, શુભમન ગિલના 76 રન અને જૉસ બટલરના 64 રનની મદદથી છ વિકેટે 224 રન કર્યા બાદ હૈદરાબાદની ટીમ અભિષેક શર્માના આક્રમક 76 રન છતાં છ વિકેટે 186 રન કરી શકી હતી અને ગુજરાતનો 38 રનથી વિજય થયો હતો.

સુદર્શન ભારત વતી ત્રણ વન-ડે ઉપરાંત ફક્ત એક ટી-20 રમ્યો છે અને એ ટી-20 મૅચમાં તેની બૅટિંગ નહોતી આવી. જુલાઈ, 2024ની ઝિમ્બાબ્વે સામેની એ મૅચમાં અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી જ મૅચમાં 47 બૉલમાં આઠ સિક્સર અને સાત ફોરની મદદથી 100 રન કર્યા હતા.

Sai Sudarshan created many records

દરમ્યાન, સુદર્શને 54 ટી-20 ઇનિંગ્સમાં 2,000 રન પૂરા કરીને સચિન તેન્ડુલકરનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો છે. સચિને 59 ઇનિંગ્સમાં અને ઋતુરાજ ગાયકવાડે 60 ઇનિંગ્સમાં 2,000 રન કર્યા હતા. વિશ્વસ્તરે સુદર્શન ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપે 2,000 રન કરનારો શૉન માર્શ પછીનો બીજો પ્લેયર છે. સુદર્શને 54 ઇનિંગ્સમાં 2,000 રન કર્યા છે, જ્યારે માર્શે એટલા જ રન 53 દાવમાં કર્યા હતા.

જોકે ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપે 1,500 રન પૂરા કરનારા વિશ્વભરના ખેલાડીઓમાં સુદર્શન મોખરે છે. તેણે 35મી ઇનિંગ્સમાં 1,500મો રન કર્યો હતો. તેના પછીના ક્રમે આવનાર ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ શૉન માર્શ (36 ઇનિંગ્સમાં 1,500 રન), ક્રિસ ગેઇલ (37), માઇક હસી (40) અને સચિન/ગાયકવાડ (44).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button