મહારાષ્ટ્ર

મહાયુતિમાં તકરાર: શિવસેનાના પ્રધાને અજિત પવારના મંત્રાલયની ‘ગેરકાયદે’ ભંડોળના ડાયવર્ઝનની ટીકા કરી

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે શનિવારે અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણાં વિભાગ પર તેમની જાણ વગર તેમના વિભાગમાંથી ભંડોળના ‘ગેરકાયદે’ ડાયવર્ઝન પર ‘મનમાની’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકારે ફાળવેલા ભંડોળનું સમયાંતરે ડાયવર્ઝન કરવાને બદલે સામાજિક ન્યાય વિભાગને બંધ કરી દેવો જોઈએ. ગુસ્સે ભરાયેલા આ પ્રકોપથી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેના તણાવમાં વધારો થઈ શકે છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં પહલગામ ઘટના પર મહાયુતિમાં ‘શ્રેયવાદની લડાઈ’

‘તેઓએ મને અંધારામાં રાખીને મારા વિભાગમાંથી અગાઉ (બજેટ દરમિયાન) 7,000 કરોડ રૂપિયા ડાયવર્ટ કર્યા હતા. જો સરકાર સામાજિક ન્યાય વિભાગને કાર્યરત રાખવા માગતી નથી અથવા તેઓ પૈસા ખર્ચવા માગતા નથી, તો તેમણે આ વિભાગ જ બંધ કરી દેવો જોઈએ. તેને અન્યાય કહો કે કંઈપણ. મને તે (ભંડોળ ડાયવર્ટ)ની પાછળનું કારણ ખબર નથી,’ એમ શિરસાટે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું.

સામાજિક ન્યાય વિભાગની ફાળવણીમાંથી 413.30 કરોડ રૂપિયા ડાયવર્ટ થયાના અહેવાલ પર શિરસાટ ગુસ્સે હતા. શિવસેનાના વિધાનસભ્યે કહ્યું હતું કે તેઓ આ મુદ્દો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ઉઠાવશે.

આપણ વાંચો: કેબિનેટ મિટિંગ માટે મહાયુતિનો 150 કરોડનો ખર્ચ: કોંગ્રેસનો આરોપ

‘ભંડોળનું આ પ્રકારનું ડાયવર્ઝન કાયદેસર નથી. નાણા વિભાગની આ મનમાની ખોટી છે. તેમની કાર્યવાહી ખોટી છે. હું તેનો વિરોધ કરું છું,’ એમ તેમણે જણાવ્યું હતું. નાણા વિભાગ પર સ્પષ્ટ પ્રહાર કરતાં શિરસાટે કહ્યું હતું કે સહનશીલતાની એક મર્યાદા છે.

‘તેઓ બધું ભંડોળ એક જ વારમાં કેમ કાપતા નથી? વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને છાત્રાલયોની શા માટે જરૂર છે? તેમને (પછાત સમુદાયોને) મુખ્ય પ્રવાહમાં લાવવાની શું જરૂર છે? જો સામાજિક ન્યાય વિભાગ અસ્તિત્વમાં ન હોય તો તે ઠીક રહેશે,’ એમ તેમણે કટાક્ષમાં કહ્યું હતું.

આપણ વાંચો: મહાયુતિ સરકાર ‘ખેડૂત વિરોધી’: ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી

લાડકી બહેન યોજનાને કારણે અન્ય ખાતાઓ પર અસર: ભાજપના પ્રધાન

મહારાષ્ટ્રમાં ત્રિપક્ષી સરકારમાં અત્યાર સુધી ફક્ત શિવસેના અને એનસીપી વચ્ચે ભંડોળની ફાળવણીને મુદ્દે તણખા ઊડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે ભાજપના પ્રધાને પણ આ વિવાદમાં ઝંપલાવતા આગામી દિવસોમાં આ મુદ્દે વધુ તણખા ઉડવાની શક્યતા જણાઈ રહી છે.

શિવસેનાના નેતા સંજય શિરસાટ દ્વારા નાણાં મંત્રાલયની ‘ગેરકાયદે અને મનમાની’ પદ્ધતિએ ભંડોળને ડાયવર્ટ કરવા માટે ઝાટકણી કાઢવામાં આવી ત્યારબાદ ભાજપના આરોગ્ય ખાતાના પ્રધાન પ્રકાશ આબિટકરે પણ પોતાની આવી જ લાગણી વ્યક્ત કરી હતી.

પ્રકાશ આબિટકરે કહ્યું હતું કે લાડકી બહેન યોજનાને કારણે બધા જ ખાતાને ભંડોળના મુદ્દે કસરત કરવી પડી રહી છે. બજેટમાં પણ અન્ય વિભાગોને જે રીતે ભંડોળની ફાળવણી થવી જોઈતી હતી, તે પ્રમાણે થઈ નથી. આને કારણે બધા જ પ્રધાનોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલા તબક્કામાં થોડી તકલીફો પડી હતી, પરંતુ બીજા તબક્કામાં સ્થિતિ પાટે ચડે એવી શક્યતા છે. લાડકી બહેન જ નહીં, જે જે યોજના આપી છે તેને માટે આગામી દિવસોમાં ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button