એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આર્મી નહીં, સરકારે લેવો જોઈએ…

ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે શું કાર્યવાહી કરવી એ લશ્કર પર છોડ્યું છે. મોદીએ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ, નેશનલ સીક્યુરિટી એડવાઈઝર અજીતકુમાર ડોભાલ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વીવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એરફોર્સ ચીફ અમર પ્રિત સિંહ એમ લશ્કરની ત્રણેય પાંખના વડાની બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં જે પણ કાર્યવાહી કરવી હોય એ કરવાની આર્મીને છૂટ છે.
મોદીએ કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી (સીસીએસ)ની બેઠકમાં પણ આર્મી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ભારતીય લશ્કરને પાકિસ્તાન દ્વારા ફેલાવાતા આતંકવાદ સામે બદલાની કાર્યવાહી તરીકે નિર્ણય લેવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. અમે આર્મીને છૂટો દોર આપીએ છીએ અને આર્મી પોતે ઈચ્છે એ સમયે અને પોતે ધારે એ ટાર્ગેટ નક્કી કરીને એક્શન લઈ શકે છે. મોદી ભારતીય લશ્કર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે એ સારું છે પણ આતંકવાદ સામેની કાર્યવાહીના મુદ્દે સરકાર આર્મી પર નિર્ણય છોડવાના બદલે પોતે નક્કર નિર્ણય લે એ જરૂરી છે. તેનું કારણ એ કે, ભારતમાં આતંકવાદ આંતરિક સુરક્ષાનો મુદ્દો નથી પણ બાહ્ય સુરક્ષાનો પણ મુદ્દો છે.
ભારતમાં આતંકવાદ બીજા દેશોની દેન હોવાથી આતંકવાદ સામેની કાર્યવાહી કરવાનો અર્થ બીજા દેશ સામે લશ્કરી કાર્યવાહી કરવાનો છે. આ કાર્યવાહી કરવાનો નિર્ણય આર્મી પર ના છોડી શકાય. ભારતમાં ઘૂસીને આતંકવાદ ફેલાવતા આતંકવાદીઓ સામે ઈન્ડિયન આર્મી પોતાની રીતે કાર્યવાહી કરે અને એક્શન લે એ બરાબર છે પણ પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આ દેશની સરકારે જ લેવો પડે.
આપણી આર્મી પણ ભૂતકાળમાં આ વાત સ્પષ્ટ રીતે કહી ચૂકી છે. જનરલ બિપિન રાવત લશ્કરના વડા તરીકે નિવૃત્ત થઈને દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) બન્યા પછી તેમના સ્થાને આર્મી ચીફ તરીકે આવેલા જનરલ મનોજ મુકુંદ નારવણેએ પોતાની બીજી પત્રકાર પરિષદમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બહુ વર્ષો પહેલાં આપણી સંસદે ઠરાવ પસાર કરેલો કે, સમગ્ર કાશ્મીર ભારતનું છે. આ સંજોગોમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારતનું જ છે. ભારતની સસંદ ઈચ્છતી હોય કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારત સાથે આવી જાય તો અમને એ પ્રકારના આદેશ આપવા પડે. આ પ્રકારનો આદેશ અમને મળશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.
જનરલ નારવણેએ એ વખતે કરેલી સ્પષ્ટતા આજે પણ સાવ સાચી છે. આજે પણ એ વાત સાચી જ છે કે, ભારતીય લશ્કરમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાની તાકાત છે જ પણ પીઓકે પાછું મેળવવા માટે જરૂરી લશ્કરી કાર્યવાહી કરવાનો આદેશ શાસકોએ આપવો પડે. અત્યારે મોદી શાસક છે તેથી મોદી એ હિંમત બતાવે તો ઈન્ડિયન આર્મી તો પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવા અત્યારે પણ તૈયાર છે.
પીઓકેમાં અત્યારે પાકિસ્તાન આર્મી તહેનાત છે એ સંજોગોમાં ભારત હુમલો કરે તો પાકિસ્તાન આર્મી તેનો જવાબ આપવાનું જ છે. એ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફુલ ફ્લેજ વોર જ થઈ જાય. યુદ્ધ એ ખાવાના ખેલ નથી એ જોતાં મોદી સરકાર બધી બાબતોનો વિચાર કરે એ જરૂરી છે તેથી પાકિસ્તાન સામેની કોઈ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય રાતોરાત ના લઈ શકાય. મોદીની આ મર્યાદા સમજી શકાય એવી છે એ જોતાં મોદી સરકાર શાંતિથી નિર્ણય લે અને બધું વિચારીને નિર્ણય લે, તેના માટે સમય પણ લે તો તેમાં કશું ખોટું નથી પણ નિર્ણય મોદી સરકારે જ લેવો પડે.
મોદી સરકાર નિર્ણય લે એ બીજાં કારણોસર પણ જરૂરી છે. ભારતમાં આર્મી એક શિસ્ત સાથે વર્તી છે અને કદી પોતાની મર્યાદા ઓળંગી નથી. ભારતની સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં આર્મી બેફામ છે અને તેનું જ શાસન ચાલે છે. આર્મી કંઈ પણ કરવું હોય તો પાકિસ્તાનની સરકાર કે સંસદને પૂછતી જ નથી, જ્યારે ભારતમાં સ્થિતિ અલગ છે. ભારત લોકશાહી દેશ છે અને કોઈ પણ નિર્ણય લેવા માટે સંસદ અને સંસદના પ્રતિનિધિઓની બનેલી સરકાર સર્વોચ્ચ છે. આર્મી પાસે જોરદાર તાકાત છે પણ આર્મી પોતાની તાકાતનો દુરૂપયોગ કરીને સંસદ કે સરકારને અતિક્રમીને વર્તી નથી. આ મર્યાદા જળવાય એ માટે પણ મોદી સરકાર નિર્ણય લે એ જરૂરી છે.
ત્રીજું એ કે, આર્મી પર નિર્ણય છોડવાના કારણે આપણી પ્રસ્થાપિત સિસ્ટમ પણ તૂટશે. મોદીએ આર્મીને છૂટ આપી પણ આર્મી વતી કોણ નિર્ણય લે? આપણા લશ્કરમાં આર્મી, નેવી એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ એ ચાર પાંખ છે. આ ચારેય પાંખના અલગ અલગ વડા હોય છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ લશ્કરની આ ચારેય પાંખના વડાના બોસ છે. ચારેય પાંખના વડા તેમને રિપોર્ટ કરશે ને તેમના આદેશ પ્રમાણે કામ કરે છે.
સીડીએસ દેશના સંરક્ષણ મંત્રીને રિપોર્ટ કરે છે. દેશના રાષ્ટ્રપતિ તમામ લશ્કરી પાંખના કમાન્ડર-ઈન-ચીફ હોય છે. આ માળખામાં માનો કે સીડીએસ કોઈ નિર્ણય લે તો એ યોગ્ય ના કહેવાય કેમ કે તેમની ઉપર સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રપતિ છે. એકલા સંરક્ષણ મંત્રી પણ નિર્ણય ના લઈ શકે ને કમાન્ડર ઈન ચીફ રાષ્ટ્રપતિ પણ નિર્ણય ના લઈ શકે કેમ કે રાષ્ટ્રપતિ સરકારની સલાહ પ્રમાણે વર્તવા માટે બંધાયેલા છે. ટૂંકમાં નિર્ણય સરકારે જ લેવાનો થાય છે.
આર્મી પર નિર્ણય છોડવાનો એક અર્થ એવો પણ કઢાયો છે કે, મોદી સરકાર પોતે સીધો કોઈ નિર્ણય લઈ શકતી નથી અને અનિર્ણાયકતાની સ્થિતિમાં છે એટલે પલાયનવાદ બતાવી રહી છે. તેના કારણે મોદી સરકાર નબળી હોવાની છાપ ઊભી થઈ રહી છે પણ વાસ્તવમાં મોદી સરકાર નબળી નથી. પહલગામમાં થયેલ આતંકવાદી હુમલા માટે ઈન્ટેલિજન્સ ફેઈલ્યોર જવાબદાર હતી અને સીક્યુરિટીની સમસ્યાઓ પણ હતી પણ કોઈએ આ મુદ્દાને ચગાવ્યો નથી. જે કોઈ ભૂલો થઈ ને સમસ્યાઓ હતી તેને બાજુ પર મૂકીને આખો દેશ સરકાર સાથે ઊભો રહ્યો છે, વિપક્ષો સરકાર સાથે ઊભા રહ્યા છે અને આખું લશ્કર સરકાર સાથે છે. આ માહોલમાં દેશના હિતમાં જરૂરી જે પણ નિર્ણય લેવો હોય એ મોદી સરકારે લેવો જોઈએ.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે