આમચી મુંબઈ

એપીએમસી માર્કેટમાંથી ડ્રગ્સની તસ્કરીનો પર્દાફાશ, 150 લોકો તાબામાં

મુંબઈ: આયાતી ફળોનાં કન્સાઈન્ટમેન્ટ સાથે ડ્રગ્સની તસ્કરી કરવામાં આવતી હોવાના આક્ષેપોને પગલે નવી મુંબઈ પોલીસે વાશીની એપીએમસી માર્કેટમાં મોટું સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. દિવસ દરમિયાન પોલીસની ટીમે લગભગ 150 લોકોને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.


નવી મુંબઈ પોલીસે હાલમાં જ કસ્ટમ્સના ઉચ્ચ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલોની ‘મહેરબાની’થી ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. થાઈલૅન્ડથી હવાઈ માર્ગે લવાતા ડ્રગ્સને ઍરપોર્ટથી બહાર કાઢી શહેરમાં ઘુસાડવામાં કસ્ટમ્સ અને પોલીસની ભૂમિકાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો હતો. હવે વાશીની એપીએમસી માર્કેટમાં આયાતી ફળોનાં કન્સાઈન્ટમેન્ટમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં લાવતું હોવાની માહિતી પોલીસને મળી હતી.

આ પણ વાંચો: પોલીસ અને કસ્ટમ્સના અધિકારીઓની દેખરેખમાં ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ…

એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અજય શિંદેએ જણાવ્યું હતું કે શુક્રવારે આ ઑપરેશન હાથ ધરાયું હતું. સવારથી હાથ ધરાયેલી કાર્યવાહીમાં 30 અધિકારી અને 100થી વધુ પોલીસ કર્મચારી સામેલ હતા. મોડી સાંજ સુધી આ કાર્યવાહી ચાલી હતી.

માથાડી યુનિયનના નેતા નરેન્દ્ર પાટીલે દાવો કર્યો હતો કે એપીએમસીમાં ડ્રગ્સની તસ્કરી થાય છે. આ માહિતીની ખાતરી કરવા શુક્રવારે પોલીસ ઍક્શન મૉડમાં આવી ગઈ હતી. માર્કેટ પરિસરમાંથી તપાસ દરમિયાન 150થી વધુ લોકોને તાબામાં લેવાયા હતા. તાબામાં લેવાયેલાઓના નાગરિકત્વના પુરાવા સહિત અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
સર્ચ ઑપરેશન દરમિયાન પોલીસે આઠ કૉલ્ડ સ્ટોરેજ, અનેક ગોદામ અને આખા માર્કેટ પરિસરને કોર્ડન કરી લીધો હતો. ડ્રગ્સની તપાસ માટે સ્નિફર ડૉગ્સ અને ફોરેન્સિકની ટીમને પણ બોલાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button