ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક યથાવત્ઃ હવે પાક.ના PMની યુટ્યુબ ચેનલ બ્લોક

નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન સંબંધો અત્યારે તણાવપૂર્ણ ચાલી રહ્યાં છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. ભારત સરકારે ભારતમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે સાથે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, મરિયમ નવાઝ, બિલાવલ ભુટ્ટો સહિત ઘણા પાકિસ્તાની નેતાઓ અને પ્રધાનોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ભારત દરેક દિશામાંથી પાકિસ્તાને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
યુટ્યુબ ચેનલ સાથે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર બંધી
ભારત દ્વારા પાકિસ્તાનની 16 જેટલી યુટ્યુબ ચેનલ પર પણ પ્રતિંબંધ મુક્યો હતો અને હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જે યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે ચેનલએ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી તેમજ ખોટા અને ભ્રામક વીડિયોઝ અપલોડ કર્યાં હતાં. જેથી ભારત સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
પાકિસ્તાનની પ્રમુખ ન્યૂઝ ચેનલ્સ પર પણ પ્રતિબંધ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જે ચેલનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પાકિસ્તાનની પ્રમુખ ન્યૂઝ ચેનલ ડૉન, સમા ટીવી, એઆરવાઈઆ ન્યૂઝ, બોલ ન્યૂઝ, જિયો ન્યૂઝ અને સુનો ન્યૂઝ ચેનલો મુખ્ય છે. આ સાથે પાકિસ્તાની પત્રકાર ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામા જેવા યુટ્યુબ હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામે પાકિસ્તાનેને પણ પોતાના એફએમ રેડિયો કેન્દ્રો પર ભારતીય ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાની એફએમ રેડિયો પર લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો ખૂબ જ પ્રસિદ્ધ છે, પરંતુ તેના પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો; આ યુટ્યુબર્સને ફટકો