પાટણમાંથી પકડાઈ બે બાંગ્લાદેશી મહિલા, જાણો કઈ રીતે મેળવ્યાં હતા આધાર કાર્ડ?

પાટણ: પાટણ જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બે બાંગ્લાદેશી મહિલાઓએ ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો અને બોગસ દસ્તાવેજો બનાવીને આધાર કાર્ય પણ બનાવી લીધું હતું. પાટણ એસપી વીકે નાઈએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, આ બે મહિલાઓની ઓળખ સુલતાના (32 વર્ષ) અને બ્યૂટી બેગમ રિયા શાહ (37 વર્ષ) રૂપે થઈ છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પરિણીત સુલતાનાએ તો ગુજરાતમાં બીજી વખત લગ્ન પણ કર્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ બન્ને મહિલાઓ 2022માં ગેરકાયદે ભારતમાં આવી અને ઓળખ છુપાવીને પાટણમાં રહેતી હતી. એટલું જ નહીં પરંતુ બન્નેને પાટણની એક હોટલમાં નોકરી પણ મળી ગઈ હતી. મહત્વની વાત તો એ છે કે, સુલતાનાએ તો ગુજરાતમાં બે વખત લગ્ન પણ કર્યાં હતા. જો કે, આ બાંગ્લાદેશમાં પણ તેના લગ્ન થયેલા છે અને તે પોતે ચાર બાળકોની માતા પણ છે. આ બન્ને બાંગ્લાદેશી મહિલાઓએ બોગસ દસ્તાવેજોના આધારે આઘાર કાર્ડ બનાવ્યાં હતાં.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના કઈ રીતે બનતા હતા બોગસ ડોક્યુમેન્ટ? મોટો ખુલાસો
બન્ને મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજ મળી આવ્યાં
ચોંકાવનારી વાત એવી પણ સામે આવી છે કે, આ બન્ને માહિલાઓ કોલકાતાના એક એજન્ટ દ્વારા બાંગ્લાદેશમાં પોતાના પરિવારને રૂપિયા પણ મોકલતી હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુલતાનાએ કબૂલાત કરી છે કે તે બિહારના રહેવાસી મોહમ્મદ અલીની મદદથી ભારતમાં પ્રવેશવામાં સફળ રહી હતી. તેણે સુરતમાં પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવડાવ્યું અને ત્યાંથી બીજા લગ્નનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. પોલીસે તેની પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટ અને બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્રને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પાટણ પોલીસે શહેરમાં 32 શંકાસ્પદોના દસ્તાવેજની તપાસ કરી
બીજી બાંગ્લાદેશી મહિલા બ્યુટી બેગમની વાત કરવામાં આવે તો તેણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારના સરનામાનો ઉપયોગ કરીને પોતાનું આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન, તેની પાસેથી એક જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. જેથી બ્યુટી બેગમ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થયું હતું. નોંધનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલા પછી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશમાં પાટણ પોલીસે શહેરમાં 32 શંકાસ્પદોની ઓળખ કરી હતી અને તેમને દસ્તાવેજ ચકાસણી માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આ પ્રક્રિયામાં સુલતાના અને બ્યુટી બેગમ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થયું હતું.