દાદીની હત્યા કરી દાગીના લૂંટનારા બે પૌત્ર પકડાયા

જાલના: ગળું દબાવીને દાદીની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ ચલાવનારા બે પૌત્રને પોલીસે મધ્ય પ્રદેશ નજીકથી પકડી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા બન્ને આરોપીની ઓળખ પ્રદીપ ધાકણે (22) અને તેના કઝિન સંદીપ ધાકણે (26) તરીકે થઈ હતી. બન્નેને ગુરુવારે મધ્ય પ્રદેશની સીમાએથી તાબામાં લેવાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઉલ્હાસનગરમાં ઘરેલું વિવાદને લઇ જમાઇએ કરી સસરાની હત્યા
ભોકરદાન તહેસીલના ચંદાઈ ઈકો ગામમાં રહેતી કેશરબાઈ ધાકણે (65)નો મૃતદેહ 29 એપ્રિલે તેના ઘરમાંથી મળ્યો હતો. ગળું દબાવીને વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું તપાસમાં જણાયું હતું. એ સિવાય વૃદ્ધાનો એક કાન ચીરાયેલો હતો. વૃદ્ધાએ પહેરેલા દાગીના આરોપીએ ખેંચી કાઢ્યા હશે અને તેને કારણે કાન ચીરાયો હોવાનું પોલીસનું માનવું હતું.
હસનાબાદ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજય અહિરેએ જણાવ્યું હતું કે ઘટના બાદથી વૃદ્ધાના પૌત્ર પ્રદીપ અને સંદીપ ગુમ હોવાનું તપાસમાં જણાયું હતું. બન્ને જણ દાદીના અંતિમસંસ્કારમાં પણ નજરે ન પડતાં પોલીસને શંકા ગઈ હતી.
આ પણ વાંચો: કૅફે માલિકની ગોળી મારી હત્યા:હિરણવાર ગૅન્ગના પાંચ પકડાયા…
શંકાને પગલે બન્ને આરોપીની પોલીસે શોધ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી લૂંટેલા દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
(પીટીઆઈ)