મુંબઈ જીત્યું, પણ રોહિતના ડીઆરએસના મામલે બબાલ થઈ

જયપુરઃ ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાયેલી મૅચના અમ્પાયરિંગ (UMPIRING) વિશે સવાલો ઊઠ્યા છે. ખાસ કરીને રોહિત શર્માએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) જે મદદ લીધી એ સંબંધમાં બબાલ (CONTROVERSY) થઈ છે.
મુંબઈએ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની 50મી મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી રાજસ્થાન સામે 100 રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો. મુંબઈના ટૉપ-ઑર્ડરના ચાર બૅટ્સમેન (રોહિત-53, રિકલ્ટન-61, હાર્દિક-અણનમ 48, સૂર્યકુમાર-અણનમ 48)ના યોગદાન પછી બોલિંગમાં પાંચ બોલરે સારું પર્ફોર્મ કર્યું હતું જેમાં ટ્રેન્ટ બૉલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ, બુમરાહે બે વિકેટ, દીપક ચાહર અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મુંબઈના 217 રનના જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રને ઑલઆઉટ થઈ હતી. મુંબઈના રાયન રિકલ્ટનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આ મૅચમાં અમ્પાયરિંગને લઈને એક એવો બનાવ બન્યો જેની સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…
વાત એવી છે કે રોહિત જ્યારે બૅટિંગમાં હતો ત્યારે એલબીડબ્લ્યૂની એક અપીલમાં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો જેને પગલે રોહિતે થર્ડ અમ્પાયરની મદદ લેવા ડીઆરએસની મદદ લીધી હતી. જોકે રોહિતે 15 સેક્નડનો સમય પૂરો થઈ ગયા પછી (ડીઆરએસ ટાઇમઆઉટ બાદ) ડીઆરએસ માટેનો ઇશારો કર્યો હતો.
મેદાન પરના અમ્પાયરે આઉટ આપ્યા બાદ રોહિતે સાથી બૅટ્સમૅન રિયાન રિકલ્ટન સાથે પિચ પર ચર્ચા કરી હતી અને ડીઆરએસ લેવા માટેના ટાઇમરમાં 15 સેક્નડ પૂરી થઈ ગયા બાદ શૂન્યનો આંકડો આવ્યો ત્યારે તેણે થર્ડ અમ્પાયરની મદદ માગી હતી. થર્ડ અમ્પાયર ક્રિસ ગેફનીએ રિપ્લે જોઈ તો એમાં તેમને બૉલ લેગ સ્ટમ્પની બહાર પડયો હોત એવું લાગ્યું હતું જેને પગલે તેમણે રોહિતને નૉટઆઉટ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાન પાણીમાં બેસી ગયું, મુંબઈની `વિજયી સિક્સર’
રોહિતના આ મુદ્દે સોશિયલ મીડિયામાં નબળા અમ્પાયરિંગની અને ડીઆરએસના ટાઇમઆઉટને લગતા નિયમના ભંગની ચર્ચા થઈ રહી છે.