મેટિની

સમસ્યા જીવતાં શીખવે, બાકી સુખ તો આળસુ બનાવે…

અરવિંદ વેકરિયા

તખ્તો તૈયાર થઈ ગયો. બધા કલાકારો કેવું નીવડશે? ની આશંકા સાથે વહેલાસર પાટકર થિયેટરમાં પહોંચી ગયા. મનહરની જા.ખ.નો જાદુ કે પછી ટાઈટલનું આકર્ષણ… કોઈ જાણીતા કલાકારો ન હોવા છતાં શો ‘હાઉસ ફૂલ’ થઈ ગયો. બધાને આનંદ-આનંદ થઈ ગયો.

પડદો ખુલ્યા પછી પ્રેક્ષકોનાં પ્રતિભાવની ચિંતા મને ખૂબ હતી. ‘હાઉસફૂલ’નું લટકતું બોર્ડ જોઈ નિર્માતા ડોલર પટેલ અને સુભાષ ખન્નાને નાટક સારું ન ગયું તો ‘લટકી’ પડશે એની જરા પણ વ્યાધિ નહોતી. અમુક લોકો હોય છે એવા, કારણ વગર મજામાં અને ખુશ રહેતા એ લોકોને આવડી ગયું હોય છે…હું એમને ખુશનસીબ સમજુ છું.

સુખની વ્યાખ્યા એ લોકો ઘોળીને પી ગયા હોય છે. ગમે તે સ્થિતિને આનંદથી કે અહમ વિના પચાવી શકાય એ સુખ. હું તો અધુરિયા જીવનો પહેલેથી. પડદો ખુલે અને તાળીઓ પડવી શરૂ થાય એની ચિંતામાં રહ્યાં કરતો.

ખેર! એ ઘડી આવી…નટરાજની તખ્તાની પૂજા પછી નાટકની શરૂઆત માટે ત્રીજી ઘંટડી વાગી. પડદો ખૂલ્યો ને મારો જીવ તાળવે. સુભાષ અને ડોલર ‘પીવા’નાં શોખીન.’ હા.ફુ’નું બોર્ડ જોઈને, નાટક છૂટ્યા બાદનો પ્લાન પણ બનાવી લીધો.

આપણ વાંચો: શો-શરાબા : બોક્સ ઓફિસ માટે થિયેટર્સ ને ઓટીટી વચ્ચે બોક્સિગં!

નાટક બહુ ખર્ચાળ નહોતું. સેટ જરૂર મોંઘો હતો જે માટે પ્રવીણે લાગણીની ‘સબસીડી’ આપી સોંઘો બનાવી દીધો હતો. બાકી મને ખબર છે પૈસાની કિંમત. પોતાના પૈસાની એક ઈંટ ખરીદો..તે દિવસે બાપની ઝુંપડીની ખબર પડે, પણ અહીં તો વાત જ જુદી હતી.

પડદો ખૂલ્યો ને ચમત્કાર. બીજા જ સંવાદે તાળીઓની શરૂઆત થઈ ગઈ. હું બેકસ્ટેજમાં પોરસાતો રહ્યો અને ભગવાનનો આભાર માનતો રહ્યો. એક વાત નાટકમાં સ્વાભાવિક હોય છે કે શરૂઆતથી જો ઓડીયન્સ તમારા ‘હાથ’માં આવી ગયું તો એક જુદા પોરસ સાથે નાટક આગળ વધતું રહે. મને કોઈ અભિનંદન આપે એવી અપેક્ષા મેં રાખી જ નહોતી. માત્ર નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી.

દુનિયાની સૌથી બહેતર દવા છે ‘જવાબદારી’, એક વાર પી લો, થાકવા નહીં દે. મને કોઈ અપેક્ષા નહોતી, પણ કોઈ કહેવા ખાતર પણ બોલ્યા નહીં. દુ:ખ તો થયું પણ.. લાગણીને પગ નથી હોતા છતાં વધારે ઠેસ એને જ લાગે, ખમી લીધી. નાટક ‘ફાઈન’ જઈ રહ્યું હતું એમાં બધાની મહેનતની ‘સાઈન’ હતી. નાટકમાં પડતી તાળીઓના ગડગડાટ માટે ઈમ્તિયાઝ પટેલનાં ‘વન-લાઈનર’ની ખૂબી હતી. ત્રણેય અંક જોરદાર રહ્યાં.

આપણ વાંચો: Good news: બિગ બજેટ ફિલ્મો વચ્ચે થિયેટરોમાં અડ્ડો જમાવીને બેઠી છે આ બે ગુજરાતી ફિલ્મો…

નાટક હસતાં રમતાં ક્યારે પૂરું થઈ ગયું એ ખબર પણ ન પડી. રિસ્પોન્સથી ચડેલી ચાનકે સૌ કલાકારોમાં એવું જોમ ચડાવ્યું કે કોઈ ભૂલ ‘ભૂલથી’ પણ ન પ્રવેશી.

નાટક પૂરું થતા બધા ખુશ હતાં. થિયેટરના મેનેજરે બીજી તારીખો પણ કાઢી આપી. બધાં કલાકારો એકબીજાને અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યાં હતા અને હું એક ખૂણામાં કોરોધાકોર બેઠો-બેઠો બધો તાલ જોઈ રહ્યો હતો. નિર્માતા સાથે લેખક પણ એ ટોળામાં સામેલ હતો.

એકડેએકથી નાટકનું ક્રાફટિંગ મેં કરાવ્યું એ ભૂલીને ‘પહેલા નાટકથી જ ઝંડે ગાઢ દિયે’ જેવા વાક્ય એક્લેપાંડે જીલતો રહ્યો. લાઈફમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં એ સત્ય મને ત્યારે પૂરેપૂરું સમજાય ગયું.

જોકે પછી તખ્તો પલટાયો. કલાકારો મને બેઠેલો જોઈ મારી પાસે આવ્યાં અને ‘રૂટીન’ અભિનંદન આપ્યાં. મારા સ્વભાવને ધ્યાનમાં લઈ કેટલાકે પૂછ્યું પણ ખરું કે ‘કોઈ ભૂલ નથી કરીને?’ મેં સ-સ્મિત અભિનંદન સ્વીકાર્યા-આપ્યાં. આપ્યાં એ ‘રૂટિન’ નહીં ‘દિલ’થી હતા. આ જ બધા કલાકારો સાથે મારે આગળ વધવાનું હતું એટલે સમજપૂર્વકનું વર્તન આચરવું પડે.

બીજા શો માટે હવે સોમવારે ખબર પડવાની હતી. શરૂઆતમાં કૌસ્તુભ ત્રિવેદીએ પણ ઘણી મદદ કરેલી, એનો ઋણ-સ્વીકાર. ડોલર અને સુભાષે મને શો છૂટ્યા પછી ‘પાર્ટી’માં આવવાનો ઘણો આગ્રહ કર્યો. ‘આજે રાત્રે રાહતનો આરામ કરવો છે, ફરી ક્યારેક!’ કહી મેં જ મને બચાવી લીધો.

આપણ વાંચો: માત્ર ફિલ્મોની ક્વોલિટી નહીં થિયેટરમાલિકોને AMCની આ નીતિ પણ નડી રહી છે, સીએમને કરશે રજૂઆત

બીજે દિવસે હું ડોલરનાં ઘરે પહોંચ્યો. ખબર પડી કે શનિવારે રાત્રે ભાઈદાસ (પાર્લા)ની તારીખ મળે છે. મેં કહ્યું ‘તમે નક્કી કરો, નાટકની સમયમર્યાદા બરાબર હતી અને સીન કોઈ નબળા ગયા નહોતા એટલે કાપકૂપ કરી ફરી રિહર્સલની કોઈ જરૂર નથી. નાટકની શરૂઆત સારી થઈ તો હવે ‘ગેપ’ ન પડવો જોઈએ.’

‘બીજો જ શો… એ પણ ભાઈદાસમાં, અને આડાવારે?’ આવું ઘણાં જાણીતા અને કહેવાતા માંધાતા નિર્માતાએ ડોલરને તો કહ્યું જ હશે, મને પણ કહ્યું. મેં કહ્યું, ‘હું તો ચિઠ્ઠીનો ચાકર છું. નિર્માતાને મારો માત્ર અભિપ્રાય આપી શકું, એના નિર્ણયને ચેલેન્જ ન કરી શકું.’

ખેર! ભાઈદાસ એટલે પાર્લાનું અદ્યતન થિયેટર. (અત્યારે તો ઘણાં વર્ષોથી વધુ ‘અદ્યતન’ બનાવવા માટે બંધ પડ્યું છે. જોઈએ, ક્યારે ‘પડદો ખુલશે?’). શનિવારે ભાઈદાસ નક્કી કરી લીધું.

બુધવારે બુકિંગ શરૂ થયું. મને યાદ છે પહેલા જ દિવસે લગભગ 32000નો આંકડો પાર કરી ગયો હતો. આવા ‘બોલ્ડ’ નાટકને આવો પ્રતિસાદ જોઈ ઘણાં નિર્માતાઓને ચોક્કસ નવાઈ તો લાગી હશે અને છુપી ઈર્ષ્યા પણ થઈ હશે. ડોલર રહે પાર્લામાં એટલે ભાઈદાસ પહોંચી બધી વિગત મને ફોન પર જણાવે જરૂર.

સાંજના બુકિંગના ‘આંકડા’ એકદમ ‘ફાંકડા’ રહ્યાં. કહે છે કે આવું થાય ત્યારે લોભ હડી કાઢીને પહોંચી જતો હોય છે. ડોલર મને કહે,‘આપણે ગુજરાતને પણ ધમરોળી નાંખવું છે.’ મેં કહ્યું, ‘ડોલર. ધંધાકીય એ વાયેબલ નથી.

ત્યાં ટિકિટના ભાવ વધુમાં વધુ 35/- રૂપિયા જ રાખી શકો. (હવે એવું નથી)’ મને કહે ‘દાદુ, અહીં તો આપણું નાટક ‘ચીટકી’ ગયું સમજો. હવે આપણે ‘બજેટ’ એ રીતે તૈયાર કરીશું કે ભલે પ્રોફિટ ઓછો રહે અને લોસ ન થાય, પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં જવું તો છે જ,ગુજરાતી છીએ, યાર.’

મને એની ભાવના ગમી પણ ભાવની જે સિલિંગ હતી એ નહોતી ગમતી. મેં કહ્યું.‘અહીં બે પૈસા મળે છે, સુખી છીએ આગળ વિચારીશું.’ તો કહે, ‘સમસ્યા જ શીખવે છે જિંદગી જીવતા બાકી સુખ તો આળસુ બનાવે.’

વેલ, આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.

પત્ની: તમને મારી સુંદરતા ગમે છે કે સંસ્કાર?
પતિ: ખરું કહું, મને તારી આ મજાક કરવાની આદત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button