ફિલ્મનામાઃ ચળકાટના ચમકાવતાં ને ચોંકાવતા કિસ્સાઓની દુનિયા

-નરેશ શાહ
સિનેમા-વેબસિરીઝને લગતી વાતો કરતી કોલમમાં પુસ્તકની વાત થઈ શકે? થઈ શકે. જો એ પુસ્તક સિનેમાની જ વાતો ‘ગાગરમાં સાગર’ની શૈલીથી કરતું હોય તો થઈ શકે, થવી પણ જોઈએ, કારણ કે એ પુસ્તકોમાં એટલી વૈવિધ્યસભર અને કંઈક અંશે ચમકાવે તેમ જ ચોંકાવે તેવી વાત હોય તો આવા ‘ગોળના ગાડાં’માં વાચકોને વિહાર કરાવવો જોઈએ.
આ જે આપણે આવાં બે પુસ્તકની વાત કરવાના છીએ, પણ આ પુસ્તકોની વિશેષતા એ છે કે તેમાં કોઈ એક કલાકાર (અભિનેતા, સંગીતકાર કે ગાયક કે ડિરેકટર)ની વાત નથી. ખરા અર્થમાં તો એ ફિલ્મ જગતની વિવિધ વાતોના ગુલદસ્તા જેવાં પુસ્તકો છે.
એક પુસ્તકમાં એક પત્રકાર કમ (ફિલ્મ) પ્રોડયુસરને થયેલાં વિવિધ અનુભવો છે, તો બીજા પુસ્તકના લેખક ફિલ્મોના એવા જબરા રસિક છે કે એમણે અચંબિત થઈ જવાય એવી લાજવાબ વાતો (જેના તરફ મોટાભાગે આપણું ધ્યાન જ ગયું ન હોય) આલેખી છે.
આવો, આપણે એ બન્ને પુસ્તકોના પાના ફંફોસીએ.
આપણ વાંચો: Happy Birthday: હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું આ છે ગુજરાત કનેક્શન
‘ઈતના તો યાદ હૈ મુઝે’
હિન્દી ભાષાનું આ પુસ્તક બોબી સિંહે લખ્યું છે. એમનું સાચું નામ હરપ્રીતસિંહ છે અને હરપ્રીતસિંહ શિક્ષણ, સ્ટેજ અને સંગીત સાથે ગૂંથાયેલું વ્યક્તિત્વ છે. સિનેમા માટેની પ્રિતી હરપ્રીતસિંહને ગળથૂંથીમાં મળી છે એમ કહી શકાય, કારણ કે રાજકપુરની ‘બોબી’ ફિલ્મ પરથી માતાપિતાએ હરપ્રીતસિંહનું નામ ‘બોબી’ રાખી દીધું હતું.
આજે બોબી સિંહ તરીકે ઓળખાતા હરપ્રીતસિંહે ‘ઈતના તો યાદ હૈ મુઝે’ પુસ્તકમાં ફિલ્મો સાથેની એવી એવી વાતો ટૂંકમાં છતાં (બોર ન થવાય એમ) મુદ્દાસર કરી છે કે આશ્ર્ચર્યના આંચકા સતત લાગતા રહે.
આપણે ‘આશિકી’ (દિગ્દર્શક: મહેશ ભટ્ટ)ના નિર્માણથી કથા જાણીએ છીએ કે પહેલાં તેનું મ્યુઝિક આલ્બમ બનેલું. એ પછી તેના ગીતો આસપાસ વાતો ગૂંથીને ફિલ્મ બનાવવામાં આવી હતી , પરંતુ સચ્ચાઈ એ છે કે આ પ્રકારની સફળતાનું લોહી ટીસિરીઝ મ્યુઝિક કંપની પહેલાં પણ ચાખી ચૂકી હતી.
આપણ વાંચો: સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ સુરૈયા
‘આશિકી’ના એક વરસ પહેલાં (1989) જ ટીસિરીઝે ‘લાલ દુપટ્ટા મલમલ કા’ નામનું મ્યુઝિક આલ્બમ રિલીઝ કરેલું. તે બેસુમાર સફળ થયું એટલે કે આલ્બમના ગીતો આસપાસ વાર્તા બનાવીને એજ નામની ટેલી ફિલ્મ (દિગ્દર્શક: રવિન્દ્ર પીપટ) બનાવવામાં આવેલી.
બેશક, ‘આશિકી’ની જેમ ‘લાલ દુપટ્ટા’ થિયેટરમાં રિલીઝ નહોતી થઈ પણ તેની વીએચએચ (વિડિયો કેસેટ) બનાવવામાં આવી હતી…
‘ઈતના તો યાદ હૈ મુઝે’ પુસ્તકમાં બોબી સિંહે રાજેશ ખન્ના, દેવઆનંદ, અમિતાભ બચ્ચન, ઉત્પલ દત્ત, મનોજકુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓથી લઈને જગજિતસિંહ, કલ્યાણજી આણંદજી સહિતના કલાકારો વિશે પચાસથી વધુ અદ્ભુત અને અજાણી વાતો કરી છે, જેમાંની કેટલીક વાતો અગાઉ તમે ‘ફિલ્મનામા’માં વાંચી ચૂકયા છો.
આપણ વાંચો: સિનેમાના સમયનો આયનો છે પોસ્ટર
બોલિવૂડ સિક્રેટસ
અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખાયેલા પુસ્તકના પણ અમુક સિક્રેટસ તમે ‘ફિલ્મનામા’માં વાંચી ચૂકયા છો. દાખલા તરીકે એક જમાનામાં ફિલ્મ પબ્લિકેશન શરૂ કરવા માટે ખુદ અમિતાભ બચ્ચને એના પ્રકાશકને (માગ્યા પછી) પૈસા આપ્યા હતા.
આ જ પ્રકાશક, પત્રકાર અને ફિલ્મ પ્રચારક તેમજ (ગુનેહગાર, જુર્માના, રાજા ભૈયા, ક્રાંતિક્ષેત્ર, ગહેરી ચાલ જેવી ફિલ્મોના) નિર્માતા માનસિંહ દીપે સાડા ચારસો પાનાંનું ‘બોલિવુડ સિક્રેટસ’ પુસ્તક લખ્યું છે.
બેશક, તેમાં માનસિંહ દીપે પોતાના ફિલ્મજગત સાથેના સારા-નઠારાં અનુભવો આલેખ્યાં છે, જેમ કે, પોતાની બહેનના લગ્ન માટે માનસિંહ દીપ (ઓળખાણ – સંબંધના દાવો અભિનેતા ધર્મેન્દ્ર પાસે આર્થિક મદદ માગવા ગયેલાં ત્યારે એમણે પૈસાની ખેંચ હોવાનું કહીને પાંચસો રૂપિયા આપેલાં…. સાથે પોતાના બનેવી વિશ્ર્વજીત પાસે જવાનું સૂચન કરીને કહેલું, એ પણ તને પાંચસો રૂપિયા આપશે.
માનસિંહ દીપના પુસ્તક ‘બોલિવુડ સિક્રેટસ’માં ખૂબ બધા તગડા સિક્રેટ છે એમ માનવું ભૂલભરેલું છે. પોતાને થયેલાં વિવિધ અનુભવો જાહેરમાં મુકવાની વાતને લેખકે ‘સિક્રેટસ’ માન્યા છે. વ્યક્તિગત રીતે એ ખોટાં પણ નથી. છાનેખૂણે કહેવાતાં અનુભવો તમે સરાજાહેર કરો ત્યારે તરંગો તો સર્જાવાના.
આપણ વાંચો: સિનેમાઘરોમાં નથી ચાલી રહી જોન અબ્રાહમની દેશભક્તિ! ધ ડિપ્લોમેટને સાઉથની આ ફિલ્મે પછાડી…
જો કે માનસિંહ દીપને ન્યાય કરવા માટે કહેવું રહ્યું કે આ સ્મરણો યા અનુભવ હોવા છતાં તેને મેમોર કે બાયોગ્રાફીની જેમ લખવામાં આવ્યા નથી બલકે, જે તે કલાકારના નામે જ ચેપ્ટર લખવામાં આવ્યા છે. તમે ડિરેકટર મધુર ભંડારકરનું ચેપ્ટર વાંચો છો ત્યારે ખબર પડે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે કિરદાર અને કિંમત બદલાઈ જતી હોય છે.
એક સમયે ફિલ્મના નિર્માતા બનવા માટે પાછળ પડી ગયેલાં મધુર ભંડારકરની પ્રથમ ફિલ્મ ફલોપ ગયેલી. ‘ચાંદની બાર’ વખતે માનસિંહ દીપે એમને ફિલ્મની વાર્તાનો રફ આઈડિયા આપી દિગ્દર્શન કરવાનું કહ્યું ત્યારે મહેનતાણાનાં બે લાખ માટે મધુર ભંડારકરે વાત સ્ટેન્ડ બાય પર રાખી દીધી.
‘ચાંદની બાર’ ફિલ્મ ડિરેકટર કરવાના એને સાત લાખ રૂપિયા મળેલાં. માનસિંહ દીપ એને પાંચ લાખનું મહેનતાણું આપવા માગતા હતા… એ પછી ય ઘણું બન્યું પરંતુ મધુર ભંડારકરની ‘સત્તા’ ફિલ્મ માનસિંહ દીપે થિયેટરમાં જોઈ ત્યારે સ્તબ્ધ થઈ ગયા. આજ સ્ટોરીલાઈન એમણે મધુર ભંડારકરને સંભળાવી હતી.,!
‘બોલિવૂડ સિક્રેટસ’માં બે-અઢી પાનાંના એક-એક ચેપ્ટરમાં માનસિંહ દીપે એકસો દસ હિન્દી સિનેમાના અભિનેતા – અભિનેત્રીની વાત કરી છે. બન્ને પુસ્તક વાચશો તો જલસો પડશે.