IPL 2025

રાજસ્થાન પાણીમાં બેસી ગયું, મુંબઈની `વિજયી સિક્સર’

50મી મૅચમાં હાર્દિકની ટીમની 100 રનથી જીત, પોઈન્ટ્સમાં નંબર વન

જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં 100 રનથી વિજય મેળવ્યો હતો. મુંબઈની આ લાગલગાટ છઠ્ઠી જીત હતી. મુંબઈ નંબર વન થયું છે. 218 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. છેલ્લે આઉટ થનાર જોફ્રા આર્ચરના 30 રન ટીમમાં હાઈએસ્ટ હતા.

મુંબઈના બોલર્સમાંથી કર્ણ શર્માએ ત્રણ તેમ જ બોલ્ટે પણ ત્રણ, બુમરાહે બે અને દીપક ચાહર-હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 217 રન કર્યા હતા. આ પહેલાંની પાંચેય મૅચ જીતનાર એમઆઇના બે હાફ સેન્ચુરિયન ઓપનરો રાયન રિકલ્ટન (61 રન, 38 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને રોહિત શર્મા (53 રન, 36 બૉલ, નવ ફોર) વચ્ચે 71 બૉલમાં 116 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. એમાં બાવન રન રોહિતના અને 61 રન રિકલ્ટનના હતા.

116મા રને રિકલ્ટનની અને 123મા રને રોહિતની વિકેટ પડ્યા બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યા (48 અણનમ, 23 બૉલ એક સિક્સર, છ ફોર, 208.69નો સ્ટ્રાઇક-રેટ) અને સૂર્યકુમાર યાદવ (48 અણનમ, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર, 208.69નો સ્ટ્રાઇક-રેટ) વચ્ચે 44 બૉલમાં 94 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. છેલ્લી પાંચ ઓવરમાં તેમણે 71 રન ખડકી દીધા હતા અને એમઆઇનો સ્કોર 200 રનને પાર કરાવ્યો હતો. આઇપીએલની એક ઇનિંગ્સમાં એક ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 475 રન બદલ સૂર્યકુમારને ઑરેન્જ કૅપ મળી હતી.


અફઘાનિસ્તાનના 24 વર્ષીય લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને કૅપ્ટન રિયાન પરાગે 18મી ઓવર આપી હતી જેમાં હાર્દિકે (4, 6, 2, 4, 4) ત્રણ ફોર અને એક સિક્સર સહિત કુલ 20 રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરમાં એક લેગ બાય સહિત કુલ 21 રન થયા હતા. 20મી ઓવર આકાશ મઢવાલને અપાઈ હતી જેમાં સૂર્યા-હાર્દિકે 13 રન ફટકાર્યા હતા.

રાજસ્થાન વતી રિયાન પરાગ અને થીકશાનાએ એક-એક વિકેટ લીધી હતી.

રાજસ્થાનની ટીમમાં ઈજાગ્રસ્ત વનિન્દુ હસરંગા અને સંદીપ શર્માના સ્થાને અનુક્રમે કુમાર કાર્તિકેય અને આકાશ મઢવાલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા હતા.

હસરંગાને સ્નાયુઓમાં દુખાવો છે, જ્યારે સંદીપ શર્મા આંગળીના ફ્રૅક્ચરને કારણે આ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે.

શુક્રવારે કઈ મૅચ?

ગુજરાત વિરુદ્ધ હૈદરાબાદ
અમદાવાદમાં, સાંજે 7.30

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button