‘અમૃત ભારત’ હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ પણ પ્રવાસીઓને હાલાકી કેમ, કારણ શું?

મુંબઈ: અમૃત ભારત યોજના હેઠળ દેશભરમાં મહત્ત્વના સ્ટેશનોનું આધુનિકરણનું કામ શરૂ છે ત્યારે મુંબઈના ઘણા સ્ટેશનોનો તેમાં સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ફૂટઓવર બ્રિજ, લિફ્ટ, એસ્કેલેટર્સ જેવી સુવિધાઓ પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમ છતાં ઘણા સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટરો અપૂરતા હોવાને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
લાખો પ્રવાસીઓની અવરજવર પણ ‘અસુવિધા’

અમૃત ભારત યોજના હેઠળ મુંબઈ પરાંના વીસ સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ કર્યો હતો. મુંબઈમાં રોજ લાખો પ્રવાસીઓ લોકલ ટ્રેનથી પ્રવાસ કરતા હોય છે તેથી લિફ્ટ, એસ્કેલેટર્સનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં આ સુવિધાનો વધુ લાભ પ્રવાસીઓને થઇ રહ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
વારંવાર ફરિયાદ પણ આંખ આડા કાન
હાલમાં મોટા ભાગના સ્ટેશનો પર ઓછી ક્ષમતા ઘરાવતી નાની લિફ્ટ છે જે બહુ ધીમી ચાલે છે. ઘણા સ્ટેશનો પર એક જ દિશા તરફ જતા એસ્કેલેટર્સ હોવાથી બીજા દિશા તરફ જનારા પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. રેલવે પ્રશાસને આ સમસ્યાઓની નોંધ લઇને તેનો જલદીથી ઉકેલ લાવવામાં આવે, એવી માગણી પ્રવાસીઓ કરી રહ્યા છે. લિફ્ટ-એસ્કેલેટર મહત્ત્વના રેલવે સ્ટેશનોએ બેસાડવામાં આવ્યા હોવા છતાં મોટા ભાગના સ્ટેશનોએ કાર્યરત રહેતા નહીં હોવાથી પ્રવાસીઓને અવરજવર કરવામાં હાલાકી પડે છે, જ્યારે પ્રશાસન પણ રેગ્યુલર સોલ્યુશન લાવવામાં નિષ્ફળ રહ્યું છે.
૨૦ સ્ટેશન માટે ૫૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ
રેલવે પ્રશાસન તરફથી મુંબઈના વીસ સ્ટેશન પાછળ ૫૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરાઇ રહ્યો છે. તેની સાથે જ એમયુટીપી-૩એ પ્રકલ્પ હેઠળ ૯૪૭ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેશનોમાં સુધારો કરાઇ રહ્યો છે જેમાં લિફ્ટ, એસ્કેલેટર્સ, ડેક તથા પુલ બનાવવા વગેરે સુવિધાનો સમાવેશ થાય છે. આટલો ખર્ચ કરવા છતાં ઘણી જગ્યાએ આ સુવિધાઓનો પૂરતો ઉપયોગ કરી શકાતો નથી. ઘણી વખત એસ્કેલેટર્સ બંધ હોય છે અથવા પ્રવાસીઓને સંખ્યા વધુ થઇ જાય તો તે બંધ પડી જાય છે. સવારે અને પીક અવર્સમાં આ સ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે