પિતાના નિધનને પગલે ખેલરત્ન પુરસ્કાર નહોતો સ્વીકારી શક્યો, ગુરુવારે એ પુરસ્કાર તેમને જ અર્પણ કર્યો!

નવી દિલ્હીઃ ભારતના ટોચના બૅડમિન્ટન (BADMINTON) ખેલાડીઓ સાત્વિકસાઇરાજ રન્કીરેડ્ડી (SATWIKSAIRAJ RANKIREDDY) અને ચિરાગ શેટ્ટી (CHIRAG SHETTY)ને આજે અહીં ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાના શુભહસ્તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન (KHEL RATNA AWARD) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એ ક્ષણ ચિરાગ કરતાં સાત્વિકસાઇરાજ માટે વધુ સ્પેશિયલ અને ભાવુક હતી, કારણકે આ બૅડમિન્ટન જોડીની ફેબ્રુઆરીમાં (અઢી મહિના પહેલાં) ભારતીય રમતગમત ક્ષેત્રના આ સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજેશ કરવાની કેન્દ્ર સરકારની યોજના હતી, પરંતુ તેમને જે દિવસે પુરસ્કાર અપાનાર હતો એ જ દિવસે સવારે સાત્વિકસાઇરાજના પિતાનું અવસાન થયું હતું એટલે એ સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
સાત્વિકસાઇરાજ આજે ખેલરત્ન પુરસ્કાર સ્વીકારતી વખતે ભાવુક થઈ ગયો હતો, કારણકે તેને (ચિરાગ શેટ્ટી સાથેની જોડીમાં) વર્લ્ડ નંબર-વનની રૅન્ક સુધી પહોંચાડવામાં તેના પિતા કાસી વિશ્વનાથમનું બહુ મોટું યોગદાન હતું અને સાત્વિકસાઇરાજને અવૉર્ડ સ્વીકારતી વખતે પિતાનો સ્નેહ અને માર્ગદર્શન યાદ આવી ગયા હતા.
આ પણ વાંચો: ગૂડ ન્યૂઝઃ વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યા સાત્વિક-ચિરાગ
સાત્વિકસાઇરાજે આજે આ પુરસ્કાર સ્વીકાર્યા બાદ સદગત પિતાના બલિદાનોને યાદ કરીને તેમને અર્પણ કર્યો હતો.
યોગાનુયોગ, સાત્વિકના પિતા ગુજરી ગયા એ દિવસે ગુરુવાર હતો અને આજે પણ ગુરુવારના દિવસે સાત્વિકસાઇરાજને પુરસ્કાર અપાયો હતો. તેના પિતા કાસી વિશ્વનાથમ 65 વર્ષના હતા અને હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.
ખરેખર તો સાત્વિકસાઇરાજ-ચિરાગને ખેલરત્ન પુરસ્કાર ગયા વર્ષે જ અપાનાર હતો, પરંતુ ત્યારે તેઓ એક પછી એક ટૂર્નામેન્ટ રમવામાં તેમ જ એ માટેની પ્રૅક્ટિસમાં વ્યસ્ત હોવાથી સરકારે તેમને ફેબ્રુઆરી, 2025માં પુરસ્કાર આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ 20મી ફેબ્રુઆરીએ (જે દિવસે તેમને પુરસ્કાર એનાયત થવાનો હતો એ દિવસે) સાત્વિકસાઇરાજના પિતાનું દેહાંત થતાં સરકારે થોડા મહિના પછી તેમને દિલ્હી બોલાવવાનું નક્કી કર્યું હતું અને એ દિવસ આજે આવી ગયો હતો.
આ પણ વાંચો: સાત્વિક-ચિરાગે ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ખિતાબ જીત્યો
સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ એક્સ' પર લખ્યું,
આપણા બે બૅડમિન્ટન ચૅમ્પિયનો, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રન્કીરેડ્ડીનું આજે નવી દિલ્હીમાં સન્માન કરીને તેમને 2023નો મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ એનાયત કર્યો. એમાં તેમને પચીસ લાખ રૂપિયાના રોકડ ઇનામ સાથે મેડલ અને સર્ટિફિકેટ અપાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બૅડમિન્ટન કોર્ટ પરના આ બન્ને સિતારાઓની સમર્પણ ભાવના અને અસાધારણ પર્ફોર્મન્સનું બહુમૂલ્ય પ્રમાણપત્ર છે. ભવિષ્યમાં પણ તેઓ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરે એવી હું તેમને શુભેચ્છા આપું છું.’ માંડવિયાને બન્ને ચૅમ્પિયન ખેલાડીઓના હસ્તે પ્રતીકરૂપે બૅડમિન્ટનનું રૅકેટ ભેટ મળ્યું હતું.
સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટી 2022માં એશિયન ગેમ્સ તેમ જ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2023માં તેમણે જોડીમાં એશિયન ચૅમ્પિયનશિપનું ટાઇટલ પણ મેળવ્યું હતું. પુરુષોના ભારતીય બૅડમિન્ટનમાં આ એકમાત્ર જોડી છે જેણે એક સમયે ડબલ્સમાં વર્લ્ડ નંબર-વન રૅન્ક મેળવી હતી અને બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર સુપર 1000 નામનું ટાઇટલ પણ જીતી લીધું હતું.
2023માં સાત્વિકસાઇરાજે પુરુષ ખેલાડીઓમાં કલાક દીઠ 565 કિલોમીટરની ઝડપે શટલ કૉકને ફટકારીને ફાસ્ટેસ્ટ બૅડમિન્ટન સ્મૅશનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો અને એ બદલ સાત્વિકનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ લખાયું હતું. ત્યારે સાત્વિકના પિતાએ પુત્રના ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના સર્ટિફિકેટનું અનાવરણ કર્યું હતું અને સાત્વિકે ત્યારે એ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.