મહારાષ્ટ્રની ‘માધુરી’ હવે ગુજરાત જશે? કોર્ટમાં પહોંચેલો મામલા અંગે જાણો?

મુંબઈઃ માધુરીનું નામ આવે એટલે ‘ગજગામિની’ ધકધક ગર્લ યાદ આવ્યા વિના ન જ રહે. મરાઠી મુલગી માધુરી બધાની પ્રિય છે. પણ આપણે જેની વાત કરી રહ્યા છે એ આ માધુરીની નથી. તેમ છતાં એ ગજગામિની તો છે, પણ ધકધક ગર્લ નથી!! ન સમજાયું ને? ચાલો જાણીએ.
અમે જેની વાત કરી રહ્યા છીએ તે મહારાષ્ટ્રમાં 33 વર્ષથી રહેતી હાથણી મહાદેવી (માધુરી)ની છે, જેને ગુજરાત મોકલવાનો વિવાદ બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. વન વિભાગની હાઇ પાવર કમિટી (એચપીસી)એ 27 ડિસેમ્બર 2024ના રોજ માધુરીના હેલ્થના અહેવાલના આધારે તેને ખસેડવાનો આદેશ જારી કર્યો હતો.
આ નિર્ણયનો આધાર પ્રાણી અધિકારોના રક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘પેટા’ના પત્ર પર હતો. હવે, હાઈ કોર્ટે એચપીસીને માધુરીને જામનગરના રાધે કૃષ્ણ હાથી મંદિર કલ્યાણ ટ્રસ્ટને ટ્રાન્સફર કરતા પહેલા હાથીની માલિકી હક્ક ધરાવતી સંસ્થાઓ પક્ષ સાંભળવા નિર્દેશ આપ્યો છે. સ્વસ્તશ્રી જિન સેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થા દ્વારા એચપીસીના આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
અરજીમાં સ્વૈચ્છિક સંગઠને દાવો કર્યો છે કે માધુરી 1992થી તેમની સાથે છે અને સંગઠન માધુરીની યોગ્ય કાળજી લઈ રહ્યા છે. સંસ્થા પાસે માધુરીની માલિકી અંગે વન્યજીવન સંરક્ષણ કાયદાની કલમ 40(2) હેઠળ જરૂરી ઘોષણાપત્ર પણ છે. મોટી સંખ્યામાં લોકો માધુરીમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્થિતિમાં માધુરીને ગુજરાત ટ્રાન્સફર કરવાનો આદેશ અપેક્ષિત નહોતો.
માધુરીને ખસેડવાનો આદેશ આપતા પહેલા સંસ્થાનો પક્ષ સાંભળવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે માધુરીના સ્વાસ્થ્ય સંબંધિત રિપોર્ટની તપાસ કરી અને સંસ્થાનો પક્ષ સાંભળવા નિર્દેશ જારી કર્યો હતો. એચપીસીની આગામી 17 મેના રોજ થનારી બેઠકમાં સંસ્થાનો પક્ષ સાંભળ્યા બાદ કોર્ટમાં આગામી સુનાવણી 17 જૂનના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.