ચેન્નઈની બાદબાકી બાદ હવે આઇપીએલના પ્લે-ઑફમાં કોને કેટલો ચાન્સ?

મુંબઈઃ આઇપીએલ (IPL-2025)ના પાંચ ટાઇટલ જીતનાર અને હજી બે જ વર્ષ પહેલાં (2023માં) પાંચમી ટ્રોફી મેળવનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ 18મી સીઝન માટેના પ્લે-ઑફના રાઉન્ડની રેસમાંથી બહાર થનાર પ્રથમ ટીમ બની છે. જોકે બાકીની નવ ટીમને હજી સેમિ ફાઇનલ સમાન એ રાઉન્ડમાં પહોંચવાની તક છે. એમાંથી અમુક ટીમો ગણતરીના દિવસોમાં પ્લે-ઑફમાં જઈ શકે એમ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર), રાજસ્થાન રૉયલ્સ (આરઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ને બહુ ઓછો મોકો છે. ફૉર્મેટ મુજબ પૉઇન્ટ્સ-ટેબલની ટોચની ચાર ટીમ પ્લે-ઑફમાં પહોંચશે.
કુલ 70 લીગ મૅચમાંથી 49 મૅચ રમાઈ ગઈ છે અને ફક્ત એક ટીમ (સીએસકે) પ્લે-ઑફની રેસની બહાર થઈ છે. અહીં બાકીની નવ ટીમમાંથી કઈ ટીમ કેવી સ્થિતિમાં છે અને પ્લે-ઑફના ક્વૉલિફિકેશન માટે એણે શું કરવાનું છે એના પર એક નજર કરીએઃ
ટીમોનું વિશ્લેષણ અને પ્લે-ઑફની સંભાવનાઃ
રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB):

10 મૅચ રમાઈ,
14 પૉઇન્ટ,
રનરેટઃ +0.521,
બાકીની મૅચો કોની સામે?: ચેન્નઈ, લખનઊ, હૈદરાબાદ, કોલકાતા.
પ્લે-ઑફની સંભાવનાઃ નવમાંથી સાત ટીમ 16 કે વધુ પૉઇન્ટ મેળવી શકશે જેમાંની અમુકના 18 પૉઇન્ટ રહી શકે. આરસીબી બહુ જ સારી સ્થિતિમાં છે, પણ પ્લે-ઑફ માટે નક્કી થવા એણે 20 પૉઇન્ટ સુધી પહોંચવું એના હિતમાં રહેશે. જોકે અન્ય ટીમોના પરિણામો આરસીબીની તરફેણમાં રહેશે તો રજત પાટીદારની આ ટીમ 14 કે 16 પૉઇન્ટ સાથે પણ ક્વૉલિફાય થઈ શકશે.
પંજાબ કિંગ્સ (PBKS):

10 મૅચ રમાઈ,
13 પૉઇન્ટ,
રનરેટઃ +0.199,
બાકીની મૅચો કોની સામે?: લખનઊ, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન.
પ્લે-ઑફની સંભાવનાઃ છેલ્લી પાંચમાંથી એક જ મૅચ હારનાર આ ટીમે ક્વૉલિફાય થવું હોય તો બાકીની ચારમાંથી ત્રણ મૅચ જીતવી જ પડશે, કારણકે હાલની સ્થિતિ મુજબ છ ટીમ 17 પૉઇન્ટ પર અટકી શકે એમ છે. 15 પૉઇન્ટનો આંકડો તેમને આશા અપાવી શકે, પણ હાલના 13 પૉઇન્ટ પૂરતા નથી જ.
મુંબઈ ઇન્ડિયન્સ (MI):

10 મૅચ રમાઈ,
12 પૉઇન્ટ,
રનરેટઃ +0.889.
બાકીની મૅચો કોની સામે?: રાજસ્થાન, ગુજરાત, પંજાબ, દિલ્હી.
પ્લે-ઑફની સંભાવનાઃ સતત પાંચ મૅચ જીતીને ટૉપ-ફોરમાં આવી ગયેલી હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીવાળી આ ટીમની હાલની વેગવાન આગેકૂચ જોતાં પ્લે-ઑફમાં પહોંચી શકે એમ છે. આરસીબીની જેમ 14 પૉઇન્ટ સાથે પણ (અન્ય ટીમોના પરિણામો પોતાની તરફેણમાં આવે તો) પ્લે-ઑફમાં આસાનીથી જઈ શકશે. એમઆઇની હજી વાનખેડેમાં બે લીગ મૅચ બાકી છે એટલે પણ એને સારી તક છે. હોમગ્રાઉન્ડ પર એમઆઇની ટીમ પાંચમાંથી ચાર મૅચ જીતી છે જે તમામ ટીમોમાં હાઇએસ્ટ છે.
ગુજરાત ટાઇટન્સ (GT):

9 મૅચ રમાઈ,
12 પૉઇન્ટ,
રનરેટઃ +0.748,
બાકીની મૅચો કોની સામે?: હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, લખનઊ, ચેન્નઈ.
પ્લે-ઑફની સંભાવનાઃ બાકી રહેલી નવમાંથી માત્ર બે ટીમ (ગુજરાત અને હૈદરાબાદ)ની માત્ર નવ મૅચ થઈ છે. બાકીની તમામ ટીમની 10 મૅચ થઈ ચૂકી છે. એ જોતાં ગુજરાતની વાત કરીએ તો અન્ય કરતાં એને વધુ તક છે. એનો રનરેટ પણ સારો છે. અમદાવાદની બાકીની ત્રણેય મૅચ (હૈદરાબાદ, લખનઊ, ચેન્નઈ સામે) જીતીને શુભમન ગિલની આ ટીમ મજબૂત રનરેટને આધારે પ્લે-ઑફમાં જઈ શકશે.
દિલ્હી કૅપિટલ્સ (DC):

10 મૅચ રમાઈ,
12 પૉઇન્ટ,
રનરેટઃ +0.362,
બાકીની મૅચો કોની સામે?: હૈદરાબાદ, પંજાબ, ગુજરાત, મુંબઈ.
પ્લે-ઑફની સંભાવનાઃ અક્ષર પટેલના નેતૃત્વમાં આ ટીમ પહેલી છમાંથી પાંચ મૅચ જીતી હતી, પણ પછી હારની હારમાળાને કારણે હવે સ્થિતિ એ છે કે આ ટીમ દસમાંથી છ મૅચ જીતી છે. છેલ્લી ચાર મૅચમાંના ત્રણ પરાજયે આ ટીમને મોખરેથી પાંચમા સ્થાને ઉતારી દીધી છે. હવે હૈદરાબાદ સામેની આગામી મૅચ પહેલાં ડીસીને પાંચ દિવસનો બ્રેક મળ્યો છે જે એને આવકાર્ય હશે. આ ટીમ હરીફના મેદાનો પરની ચારમાંથી ત્રણ મૅચ જીતી છે એટલે હવે આગામી ચાર મૅચમાંથી ત્રણ મૅચ (જે હરીફ ટીમના મેદાન પર રમાવાની છે) જીતવાની એને પ્રબળ આશા હશે જ.
લખનઊ સુપર જાયન્ટ્સ (LSG):

10 મૅચ રમાઈ,
10 પૉઇન્ટ,
રનરેટઃ -0.325,
બાકીની મૅચો કોની સામે?: પંજાબ, બેંગલૂરુ, ગુજરાત, હૈદરાબાદ.
પ્લે-ઑફની સંભાવનાઃ દિલ્હીની જેમ આ ટીમ પણ છેલ્લી ચારમાંથી ત્રણ મૅચ હારી છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં અધવચ્ચે અટવાઈ છે. લખનઊની આગામી ચારમાંથી ત્રણ મૅચ ટોચની ચારમાંની ત્રણ ટીમ સામે રમાવાની છે એટલે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ એમાં શંકા છે. બીજું, એનો માઇનસમાં રનરેટ છે જે ટોચની સાત ટીમમાં સૌથી નબળો છે. રિષભ પંતના સુકાનવાળી આ ટીમ પ્લે-ઑફમાં પહોંચશે તો એના માટે થોડો ચમત્કાર થયો કહેવાશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR):

10 મૅચ રમાઈ,
9 પૉઇન્ટ,
રનરેટઃ +0.271,
બાકીની મૅચો કોની સામે?: રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલૂરુ.
પ્લે-ઑફની સંભાવનાઃ આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ અજિંક્ય રહાણેના સુકાનમાં આગામી દિવસોમાં વધુમાં વધુ 17 પૉઇન્ટ સુધી જઈ શકશે. પાંચ ટીમો 18 પૉઇન્ટ સુધી જઈ શકે એમ છે એ જોતાં કોલકાતા માટે આગળનો માર્ગ મુશ્કેલ તો છે જ.
રાજસ્થાન રૉયલ્સ (RR):

10 મૅચ રમાઈ,
6 પૉઇન્ટ,
રનરેટઃ -0.349,
બાકીની મૅચો કોની સામે?: મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, પંજાબ.
પ્લે-ઑફની સંભાવનાઃ સંજુ સૅમસન અને રિયાન પરાગની કૅપ્ટન્સી વચ્ચે અટવાયેલી આ ટીમને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ચાર દિવસ પહેલાં ઐતિહાસિક સેન્ચુરી ફટકારીને એક્ઝિટ થતાં બચાવી લીધી હતી, પરંતુ હવે આ ટીમ બાકીની દરેક મૅચ જીતીને વધુમાં વધુ 14 પૉઇન્ટ સુધી જઈ શકે જે કદાચ અપૂરતા સાબિત થશે. ત્રણેય મૅચ જીત્યા પછી પણ રાજસ્થાને અન્ય ટીમોના પરિણામો પોતાની તરફેણમાં આવે એની પ્રાર્થના કરવી પડશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH):

9 મૅચ રમાઈ,
6 પૉઇન્ટ,
રનરેટઃ -1.103,
બાકીની મૅચો કોની સામે?: ગુજરાત, દિલ્હી, કોલકાતા, બેંગલૂરુ, લખનઊ.
પ્લે-ઑફની સંભાવનાઃ જો આ ટીમ બાકીની તમામ પાંચ મૅચ જીતશે તો એ 16 પૉઇન્ટ પર રહેશે અને એ સ્થિતિમાં આ ટીમ રનરેટ પર વધુ નિર્ભર રહ્યા વગર પ્લે-ઑફમાં જઈ શકશે. 14 પૉઇન્ટ પણ તેમને ચોથા નંબરે પ્લે-ઑફમાં પહોંચાડી શકે. જોકે આ બધુ ટીમનું વર્તમાન ફૉર્મ જોતાં અશક્ય લાગે છે. પછી તો ચમત્કારને નમસ્કાર!