પુરુષલાડકી

પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી! ’

  • નિલા સોની રાઠોડ

    પહલગામના આતંકી હુમલા પછી કાશ્મીરના લોકોનો આઘાત સાથે આક્રોશ… પર્યટકોના નિર્મમ હત્યાકાંડ વખતે શ્રીનગરમાં હાજર મુંબઈની એક ગુજરાતી મહિલા વર્ણવે છે ત્યાંની સ્થાનિક પ્રજાની વેદના-સંવેદના…

    જીવનમાં એકવખત કાશ્મીરમાં દસેક દિવસ રહેવું તેવી ઇચ્છાપૂર્તિની તાજેતરમાં મને એકદમ સુવર્ણ તક મળી, જે મેં ઝડપી લીધી.. કોઈ પણ પ્રદેશની સ્થાનિક આબોહવા, વાતાવરણ, ખાદ્ય પદાર્થો, મિજાજ સમજવા ત્યાં તે પ્રદેશમાં અઠવાડિયું કાઢો તો જ કંઈક અંશે તે આત્મસાત કરી શકો તેવી માન્યતા સાથે હું પાક્કા દસ દિવસની તૈયારી સાથે 18 એપ્રિલના શ્રીનગર પહોંચી ગઈ અને પછી કાશ્મીરને વધુ નજીકથી જોવાં – ઓળખવા રોજ શ્રીનગર અને આસપાસના વિસ્તારમાં એક ભોમિયાની જેમ ખૂણેખૂણે ફરવા માંડતી. ત્યાં અચાનક પહલગામમાં આતંકીઓ ત્રાટક્યા.
    આતંકીઓના નિર્દય હત્યાકાંડ વખતે હું શ્રીનગરના જયેષ્ઠા માતા મંદિરમાં પહાડ પર હતી. ત્યાં નેટવર્ક હતું નહીં એટલે કોઈ વૉટ્સઍપ કે સમાચાર લિંક્સ અમને વાંચવા મળી નહીં. જયેષ્ઠા માતા મંદિરથી સાંજે નીચે આવી ત્યારે અચાનક મુંબઈથી ફોન અને મેસેજનો ઢગલો થવા લાગ્યો ત્યારે આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થઈ. સાથે સ્વજનો મિત્રો એક જ સૂરમાં કહેતાં હતા કે ‘જલદી ઘર ભેગા થાવ! ’

હું 18 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી શ્રીનગરમાં જ હતી. હું જે હોટલમાં રોકાઈ હતી તે ‘કલારૂઝ હૉટેલ‘ના માલિક શાહીદ અલી નામના એડવોકેટ હતા. પહેલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની એ પહેલાં હૉટેલના માલિક શાહીદ ભાઈ સાથે કામ પૂરતી અલપ-ઝલપ વાત જ થઈ હતી.. ઘટનાની 22 એપ્રિલની રાત્રે પોતપોતાના રૂમમાં અમે સહુ ભરાઈ ગયા હતા. ભય એવો વ્યાપ્યો હતો કે રૂમની બહાર સહેજ કોઈ હકચલ થાય કે અરે, પાંદડું હલે તોય એમ થાય કે આતંકવાદી હશે? આખી રાત મટકું માર્યા વગર બધાની જેમ હું પણ જાગતી રહી.

સવારે રૂમની પરસાળમાં હૉટેલનાં કેર-ટેકર બહેન ત્યાંનો મોટો કેટલો લઈ આવ્યાં. આપણા જૂના જમાનામાં જેવો પાણી ગરમ કરતા બંબા જેવી જ નકશીદાર કેટલમાં બંબામાં હોય તેવા પહોળો પાઇપમાં કોલસો પેટાવેલા હોય. આજુબાજુની જગ્યામાં પાણી કેસર, તજ, સાકર, એલચી અને કાજુ બદામનો ભુક્કો ઉમેરી ગરમ થવા દે. તે પાણી ઉકળીને કેહેવો (કહવા્ – કાહવા) બને.

શ્રીનગરની સવારની ગુલાબી ઠંડીમાં હૉટેલ માલિકના માસી કેર-ટેકર બહેન કહે : ‘આપ અપને હાથ સેંકો અચ્છા લગેગા’ પેલા બંબા જેવા કેટલના કોલસાથી હાથને ગરમાવો મળ્યો, પણ અમારા બધાનાં મનમાં આતંકી હત્યાકાંડમાં શહીદ થયેલા પર્યટકો માટેના ઉદ્વેગ સાથે છૂપો ફફડાટ પણ હતો એમાં અમને પર્યટકોને પેલી બહેનની આત્મીયતા-ઉષ્મા પણ ભળી. એ કહે:

‘બહાર કાશ્મીર બંધનું એલાન છે. હૉટેલથી બહાર નીકળવાનું નથી માટે સહુ માટે હું કાહવો બનાવી રહી છું.’ આની સાથે એમણે સ્વાદિષ્ટ કેક બિસ્કિટ, ઈત્યાદિ જેવા નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી.

થોડી વાર પછી હૉટેલના માલિક શાહીદ અલી આવીને અમારી સાથે બેઠા. ખરા દેશભક્ત મુસ્લિમ બંદાની જેમ એ પણ પહલગામની ઘટનાથી વધુ વ્યથિત હતા… એ વારંવાર એક જ વાત કહી રહ્યા હતા :

‘યે આતંકવાદીઓને બડા ગલત કિયા ! મોદીજી કે વિકાસ કો રોકને કી કોશિશ કી…. છહ સાલ પહેલે 370 જાને કે બાદ તો ફલફુલ રહા થા હમારા યહ કાશ્મીર! ’

જે થયું એ જાણે માન્યમાં ન આવતું હોય એમ વારંવાર માથું નકારમાં ધૂણાવતા શાહીદ અલી કહે :

‘યે દેખીએ, સામને વાલી હૉટેલ મેં કભી ભી કોઈ કમરા જલદી બુક નહીં હોતા થા આજ વો ભી ફુલ હૈ…. સબ કા ધંધા ભી અચ્છા ચલ રહા હૈ યહાં અમન ભી થા ઉસમેં યહ ના-પાક આતંકવાદીઓને આગ લગા દી!’

સાવ સહજતાથી એ કહી રહ્યા હતા કે ‘કેન્દ્રની હકુમતે કાશ્મીરની સિકલ ફેરવી નાખી છે. જમ્મુ- કાશ્મીરના વિકાસને રોકવા જ આ કાંડ પાકિસ્તાનીઓએ જ કરાવ્યો છે. આ આતંકવાદી ઘટનાથી અમારું ખૂબ મોટું નુકસાન થયું છે.’

શાહીદ અલીનાં પેલાં માસી ઉમેરે છે : ‘તમે તો બે દિવસમાં જતા રહેશો, પણ અમારે લલાટે આ કાયમની પીડા છે. માંડ બે પૈસા રળતા હોય ત્યાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી અમારી ઈજ્જત ધોવાઈ જાય છે.’

આપણ વાંચો:  પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી! ’

અહીંના સ્થાનિક કાશ્મીરીઓ પણ વારંવાર એક મહત્ત્વપૂર્ણ વાત કહેતા હતા :

‘સચ્ચા મુસલમાન, ઇસ્લામ કો માનનેવાલા નિર્દોષ ટૂરિસ્ટો કી કભી ઐસી કત્લ નહીં કરેગા ઈસ હત્યારેને બહુત બુરા કિયા ઇનકે કારણ હમારી પૂરી કોમ બદનામ હોતી હૈ.’

મારો ત્યાંનો લોકલ મુસ્લિમ ડ્રાઈવર આરીફ સાથે હું 24 એપ્રિલ બપોર પછી બહાર નીકળી ત્યારે મેં જોયું-સાંભળ્યું કે રાજ્યમાં ઓમર અબ્દુલાની ચૂંટાયેલી વર્તમાન સરકાર માટે અહીં સહુની જુબાન પર પ્રશંસા હતી. અહીંના મુસલમાન માની રહ્યા છે કે કેન્દ્રમાં મોદી સરકારે 370 કાયદો નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરની પ્રજાના અચ્છે દિન આવી રહ્યા હતા. ત્યારે પાકિસ્તાનના દોરીસંચારથી આવી પહલગામ જેવી હત્યારી સાજિશ થઈ. આવી ઘટનામાં થોડા એકલદોકલ ગુમરાહ થયેલા સ્થાનિક ધર્મ ઝનૂનીઓ આતંકવાદીઓને સાથ આપે તો કાશ્મીરમાં વસતા દરેક મુસ્લિમ અને આતંકવાદીઓને એક જ પંક્તિમાં બેસાડવા ભૂલભરેલું ગણાશે.

આતંકી ઉપદ્રવ માટે વર્ષોથી જેનું નામ ખરડાઈ ગયું હતું એવા કાશ્મીર શ્રીનગરની તસવીર હવે ધીરે ધીરે ઉજળી થઈ રહી હતી ત્યાં પહલગામ જેવા આતંકી હત્યાકાંડથી ખરા અમનની રાહ જોઈ રહેલા ત્યાંના લોકોના ચહેરા અને વાતચીતમાં ઉદાસી સાથે વ્યથા પણ સ્પષ્ટ ઝળકે છે એ મેં મારા આ કાશ્મીરના પ્રવાસમાં અનુભવ્યું પણ ખરું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button