પુરુષલાડકી

એકસ્ટ્રા અફેર : જ્ઞાતિ આધારિત વસતિગણતરી, ભાજપે કેમ ગુલાંટ લગાવી?

-ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટી ગુલાંટ લગાવીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાંખી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 22,864 કરોડ રૂપિયાના ખર્ચે શિલોંગથી સિલચર (મેઘાલય-આસામ) હાઈસ્પીડ કોરિડોર બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવાઈ છે. આ ઉપરાંત મોદી સરકારે 2025-26 માટે શેરડીની ફેર અને રિમ્યુનરેટિવ એટલે કે ન્યાયી અને ખેડૂતોને વળતર મળે એવી કિંમતો પણ નક્કી કરી છે.

કેન્દ્ર સરકારે નક્કી કરેલી શેરડીની ફેર અને રિમ્યુનરેટિવ પ્રાઈસ 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તેથી તેનાથી નીચી કિંમતે શેરડી ખરીદી શકાશે નહીં. આ બંને નિર્ણયો પણ મહત્ત્વના છે પણ વધુ મહત્ત્વનો નિર્ણય જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો છે કેમ કે મોદી સરકાર અત્યાર સુધી જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની વિરુદ્ધ હતી.

ભારતમાં દર 10 વરસે વસતી ગણતરી થાય છે પણ આ વખતે કોરોનાના કારણે 2021માં વસતિગણતરી થઈ શકી નહોતી. એ પછી બીજા ત્રણ વર્ષ જતાં રહ્યાં ને હવે 2025 પણ અડધો થવા આવ્યો છતાં વસતિગણતરી શરૂ થઈ નથી તેથી સરકારે વસતિગણતરી પણ કરાવવાની બાકી છે. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, મૂળ વસતિગણતરીમાં જ જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવી લેવાશે. 2021થી 2023 સુધી કોરોનાની અસર રહી તેના કારણે વસતિગણતરીને મુલતવી રાખવામાં આવી હતી અને તેના કારણે વસતિગણતરીનું ચક્ર પણ બદલાઈ ગયું છે. વસતિગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે પણ આ વખતે 5 વર્ષનો વિલંબ થયો છે તેથી હવે પછીની વસતિગણતરી 2035માં થશે.

અત્યારે વ્યક્ત કરાયેલી શક્યતા પ્રમાણે વસતિગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે અને વસતિગણતરી પૂરી થવામાં ઓછામાં ઓછાં 2 વર્ષ લાગશે તેથી જ્ઞાતિ આધારિત વસતિગણતરીના આંકડા આવતાં આવતાં 2027 પતી જશે. સપ્ટેમ્બરમાં પણ વસતિગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2027ના અંત કે 2028ની શરૂઆતમાં આવશે એ જોતાં 2029ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ્ઞાતિ આધારિત વસતિગણતરીના આધારે ઓબીસી કાર્ડ રમશે એવું મનાય છે.

ભાજપ સરકારે પહેલાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની ના પાડીને અચાનક જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી એ પાછળ બિહાર વિધાનસભાની ચૂંટણી કારણભૂત મનાય છે. બિહારમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. બિહારમાં ઓબીસી મતબેંક મોટી છે તેથી તેને લોભાવવા માટે રાષ્ટ્રીય જનતા દળ અને કૉંગ્રેસ ક્યારનાંય જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જીદ પકડીને બેઠાં છે.

નીતિશે પોતે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ શરૂ કરેલી પણ ત્યારે એ આરજેડી-કૉંગ્રેસ સાથે હતા. ભાજપ સાથે આવ્યા પછી તેમણે પોતે સાવ વટલાઈ નથી ગયા એ સાબિત કરવા માટે બિહારમાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવી પણ એ સત્તાવાર અને આધારભૂત ના કહેવાય તેથી નીતીશ કુમાર કેન્દ્ર સરકાર પણ જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવે એવી જીદ પકડીને બેઠા હતા. ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી ને નીતીશની જેડીયુના સહારે તેમની સરકાર ટકેલી છે એટલે નીતીશની વાત માન્યા વિના છૂટકો નહોતો તેથી ભાજપે ઝૂકવું પડ્યું છે.

હાસ્યાસ્પદ વાત એ છે કે, ભાજપે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત પોતે કરીને કૉંગ્રેસને ભિડાવવાની કોશિશ કરી છે. આ જાહેરાત કરતાં કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એવો દાવો કર્યો કે, ભારતમાં 1947થી જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવામાં આવી નથી. ડો. મનમોહન સિંહે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની વાત કરી હતી પણ માત્ર સર્વે કરાવ્યો હતો કે જેના આધારે ચોક્કસ આંકડા નહોતા મળ્યા. વૈષ્ણવે એવો પણ આક્ષેપ કર્યો કે, કૉંગ્રેસે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની વાતનો માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે. વૈષ્ણવે જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવી એ કેન્દ્ર સરકારનો વિષય છે એવો દાવો કરીને કેટલાંક રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું હોવાનું કહીને નીતીશની પીઠ પણ થપથપાવી દીધી.

આ જાહેરાતે સાબિત કરી દીધું કે, ભાજપ કોઈ પણ મુદ્દા પર નક્કર વલણ ધરાવતો નથી. ભાજપ પોતે જ્ઞાતિ આધારિત વસતિગણતરીની તરફેણમાં નથી એવું પહેલાં જ કહી ચૂક્યો છે. બિહારમાં નીતીશ કુમારની સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ જ્ઞાતિ આધારિત વસતિગણતરીની માગ કરી ત્યારે ભાજપ સરકારે એ નહોતી સ્વીકારી. નીતીશે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે મળીને સરકાર બનાવી પછી પોતાની રીતે જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો નિર્ણય લીધેલો.

ભાજપ જ્ઞાતિ આધારિત વસતિગણતરીની તરફેણમાં નથી તેનું કારણ મતબેંકનું રાજકારણ હતું. ભાજપે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને સત્તા માટે દેશમાં ધર્મના આધારે ભાગલા પાડી જ દીધા છે. હિંદુ વર્સિસ મુસ્લિમનું ગંદું રાજકારણ ભાજપ રમે જ છે પણ જ્ઞાતિ આધારિત વસતિગણતરી તેને પસંદ નથી કેમ કે કૉંગ્રેસ સહિતના પક્ષો હિંદુઓમાં ભાગલા પાડવા માગે છે. હિંદુઓમાં જ્ઞાતિના આધારે વિભાજન થશે તો તેના કારણે પોતાનો ગરાસ લૂંટાશે એવો ભાજપને ડર હતો. ભાજપ અંદરખાને સોશિયલ એન્જિનિયરિંગના નામે જ્ઞાતિવાદનું ગંદુ રાજકારણ રમે જ છે તેથી ભવિષ્યમાં ભાજપ પણ વિરોધ પડતો મૂકીને જ્ઞાતિ આધારિત વસતિગણતરીની તરફેણ કરતો થઈ જાય એવું બને એવી આશંકા પહેલાં જ વ્યક્ત કરાયેલી ને એ સાચી પડી છે.

જ્ઞાતિ આધારિત વસતિગણતરી દેશના ફાયદામાં નથી કેમ કે તેનો ઉદ્દેશ જ્ઞાતિના આધારે કલ્યાણ યોજનાઓ માટે નાણાં ફાળવવાનો છે. કલ્યાણ યોજનાઓ માટેનાં નાણાં આર્થિક સ્થિતિના આધારે ફાળવવાના બદલે જ્ઞાતિના આધારે ફાળવાય તેના કારણે સમાજ જ્ઞાતિઓમાં વિભાજિત થશે તેથી રાષ્ટ્રીયતાના વિચારનો જ છેદ ઊડી જશે.

આપણ વાંચો:  મુખ્બિરે ઈસ્લામ : જાનવર આદમી સે જ્યાદા વફાદાર હય: ગીતકારની આ પંક્તિ આજે અક્ષરશ: સાચી પડી રહી છે

કૉંગ્રેસે જ્ઞાતિ આધારિત વસતિગણતરીના મુદ્દાનો ઉપયોગ રાજકીય ફાયદો માટે કર્યો છે એવો ભાજપે આક્ષેપ કર્યો છે એ હાસ્યાસ્પદ છે. કૉંગ્રેસે તો બહુ પહેલાં જ એટલે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે જ જ્ઞાતિ આધારિત વસતિગણતરીને પોતે રાષ્ટ્રીય મુદ્દો બનાવશે તેનો સંકેત આપી દીધેલો. રાહુલ ગાંધી તો 2023થી ‘જિતની આબાદી, ઉતના હક’નો રાગ છેડીને બેસી ગયા હતા પણ ભાજપ તેના વિરોધમાં હતો.

રાહુલનું કહેવું હતું કે, વિકાસમાં તમામને ભાગીદાર બનાવવા હોય તો એ તો ખબર હોવી જોઈએ ને કે કોની કેટલી વસતિ છે? આપણને એ જ ખબર ના હોય કે, દેશમાં ઓબીસી, દલિત, આદિવાસી અને બીજા સમુદાયોની કેટલી વસતિ છે તો બધાંને વિકાસમાં ભાગીદાર કઈ રીતે બનાવીશું?

કૉંગ્રેસના પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ કરી હતી પણ ભાજપ તેના વિરોધમાં હતો. આ સંજોગોમાં કૉંગ્રેસ શું કરે છે તેની વાત કરવાના બદલે ભાજપે પોતે શું કરે છે તેની વાત કરવી જોઈએ અને પોતે કેમ ગુલાંટ લગાવી તેનો લોકોને જવાબ આપવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button