
નવી દિલ્હીઃ પહલગામના આતંકવાદી હુમલા સંબંધિત જનહિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કર્યો. પહલગામ હુમલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશોની આગેવાની હેઠળ કરવાની જનહિત અરજીની સુનાવણી કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અત્યારના તબક્કે અરજી દાખલ કરાય નહીં. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે કહ્યું હતું કે આ પ્રકારની અરજીઓને કારણે દેશના સુરક્ષા દળોનું મનોબળ ઘટાડશો નહીં.
આ પ્રકારની અરજીઓ માટે યોગ્ય સમય નથી
જસ્ટિસ સૂર્યકાંતે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે આવા કિસ્સાઓમાં નિષ્ણાતો ક્યારથી થઈ ગયા? હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંરક્ષણ બાબતોના વિશેષજ્ઞ હોઈ શકે છે? આ પ્રકારની અરજીઓ માટે યોગ્ય સમય નથી. કોર્ટે ટકોર કર્યા પછી પણ અરજદારે અરજી પાછી લેવાની વાત કરી તો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમને હાઈ કોર્ટ જતા પણ રોકવાની પણ અપીલ કરી હતી.
દેશના દરેક નાગરિકો માટે અત્યારનો સમય મુશ્કેલ
સુપ્રીમ કોર્ટે ટકોર કરવાની સાથે સલાહ આપી હતી કે આ અરજીને ફગાવવામાં આવે છે તેમ જ અરજદારને ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારની અરજી દાખલ કરે નહીં. તમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફત તપાસ કરવા ઈચ્છો છો. આ કેસની ગંભીરતા તો સમજો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક નાગરિકો માટે અત્યારનો સમય મુશ્કેલ છે. આ બાબતની ગંભીરતા અને સમયને સમજવાની કોર્ટે સલાહ આપી હતી.
આપણ વાંચો: આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની પણ રેકી કરી હતી, પણ આ કારણે હુમલો ના કર્યો: તપાસમાં ખુલાસો
કોર્ટમાં દાખલ પીઆઈએલમાં શું કરી હતી માગણી?
કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આતંકવાદીઓએ નાત-જાત ધર્મ પૂછીને પર્યટકોની હત્યા કરવાના કિસ્સાથી દેશવાસીઓમાં ગુસ્સો ફેલાયો છે. આ બનાવ પછી પહલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં એક તપાસ સમિતિ રચવાની માગણી કરી હતી. એના સિવાય અરજીમાં કેન્દ્ર, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ, સીઆરપીએફ, એનઆઈએને જમ્મુ કાશ્મીરના ટૂરિસ્ટ વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો આદેશ આપતી માગણી કરી હતી.