યુદ્ધના ભણકારા વચ્ચે કચ્છના પિંગ્લેશ્વરના દરિયા કાંઠેથી વિસ્ફોટક સેલ મળી આવતા દોડધામ

ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતેની બેસરન ઘાટીમાં ફરવા આવેલા પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ દ્વારા થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની શક્યતાઓ વચ્ચે ભારતની રણ, દરિયાઈ અને હવાઈ સરહદે સુરક્ષા જાપતો વધારી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાન જેવા નાપાક દેશને અડકીને આવેલા સીમાવર્તી કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ સમુદ્ર કાંઠે હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ઘી ક્લોક સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં જખૌનાં પિંગ્લેશ્વર દરિયા કિનારેથી એક વિસ્ફોટક સેલ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ થઇ પડી હતી, જોકે બાદમાં ભારતીય નેવીનો જ આ ફૂટેલો સેલ હોવાનું સામે આવ્યા બાદ સૌએ રાહતનો દમ લીધો હતો.
આ અંગે જખૌ મરિન પોલીસના જણાવ્યા પ્રમાણે, ગત બુધવારે મોડી સાંજે ભારત-પાક વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના આ વિસ્તારના સમુદ્ર કિનારે ભુજનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો અને નેવીની ટુકડીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અહીંથી આ સેલ મળી આવ્યો હતો.પ્રાથમિક તબક્કે આ સેલ ફૂટેલો હોવાનું અને ભારતની નેવીનો હોવાનું સામે આવ્યું હતું.
આપણ વાંચો: કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ, લાગ્યો ગંભીર આરોપ
દરિયામાં અન્ય જહાજને ઈશારો આપવા કે અન્ય ગતિવિધિ માટે આ પ્રકારના સેલ હવામાં ફેંકવામાં આવતો હોવાનું અને ત્યારબાદ દરિયામાં પડીને ધમાકો કરતો હોવાનું મરીન પોલીસે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના કચ્છના સમુદ્રકાંઠેથી અગાઉ બે વાર પાકિસ્તાની નેવીના જીવતા બિનવારસુ વિસ્ફોટક સેલ મળી આવ્યા હતા.