
અમદાવાદઃ ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ છે. આજથી 65 વર્ષ પહેલા બૃહદ મુંબઈમાંથી ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્ય અગલ કર્યાં હતાં. આજે રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના દરેક નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો ચાલો જાણીએ ભાષાના આધારે બનેલા આ રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ…
પશ્ચિમના રજવાડાંઓને ભેગાં કરીને બૃહદ મુંબઇ રાજ્ય બનાવ્યું હતું
ગુજરાત પહેલા બૃહદ મુંબઈનો એક મહત્વનો ભાગ હતું. ઇતિહાસની વાત કરવામાં આવે તો, ભારત આઝાદ થયો ત્યારે સરકારે પશ્ચિમ ભારતના રજવાડાંઓને ભેગાં કરીને ત્રણ રાજ્યો બનાવ્યાં હતાં. આ રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને બૃહદ મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો હતાં. ત્યાર બાદ 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારમાં આવ્યો તેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગોને પણ ઉમેરવામાં આવ્યાં હતાં. આ તમામ પ્રદેશોને એક કરીને બૃહદ મુંબઇ રાજ્ય બનાવમાં આવ્યું હતું. વિસ્તારની દ્રષ્ટ્રીએ જોવા જઈએ તો આ રાજ્ય ખૂબ જ મોટું બની ગયું હતું.
ભાષાના આધારે રાજ્યની માંગણીને લઈને આંદોલનો કરવામાં આવ્યાં
અનેક પ્રાંતો અને પ્રદેશોને ભેગા કરીને રાજ્ય તો બનાવી દેવમાં આવ્યું પરંતુ પછી બૃહદ મુંબઈમાં લોકો ભાષાને લઈને લડવા લાગ્યાં હતાં. આ રાજ્યના ઉત્તરના ભાગે રહેતા લોકો ગુજરાતી બોલતા હતા. જ્યારે દક્ષિણ વિસ્તારમાં લોકો મરાઠી બોલતા હતાં. જેથી ભાષાને લઈને વિવાદ વધવા લાગ્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણીને લઈને આંદોલનો કરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે 1લી મે 1960 ના રોજ બૃહદ મુંબઈના બે ભાગ પાડ્યા અને બે રાજ્યોનું નિર્માણ કર્યું. જે અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર નામે ઓળખાય છે.
962માં યોજાઈ હતી ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણી
વિધાનસભાની વાત કરવામાં આવે તો, રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી 1962માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીને 113 બેઠક પર જીત મળી હતી. રવિશંકર મહારાજ દ્વારા 1962માં સાબરમતી આશ્રમ ખાતે વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યોને 150 રૂપિયા જેટલો પગાર અને સાથે 100 રૂપિયાનું કલેક્શન એલાઉન્સ પણ આપવામાં આવતું હતું. ગુજરાતમાં ધારાસભ્યોના પગારમાં પહેલી વખત 1965માં વધારો કરવામાં આવ્યો અને તેમનો પગાલ 150 થી વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાત ડે- મહારાષ્ટ્ર ડે: આ બંને રાજ્યએ આપણા રાજનૈતિક ઇતિહાસ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે
ડૉ. જીવરાજ મહેતા બન્યા હતા ગુજરાત પહેલા મુખ્યપ્રધાન
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 1લી મેના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. જ્યારે ગુજરાતની સ્થાપના કરવામાં આવી ત્યારે ડૉ. જીવરાજ મહેતા ગુજરાત પહેલા મુખ્યપ્રધાન બન્યાં હતાં. નવી રાજ્ય ગુજરાતમાં સૌ પ્રથમ 17 જિલ્લાઓ જ હતા, જે અત્યારે 33 જિલ્લાઓ છે અને વાવ-થરાદ સાથે 34 થવાના છે. આ સાથે ગુજરાતની રાજધાની ગાંધીનગર નહીં પરંતુ અમદાવાદ હતી. પછીથી ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવમાં આવ્યું હતું. ગુજરાતના પહેલા ગવર્નર મહેંદી નવાઝ જંગ બન્યાં હતાં.