આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની પણ રેકી કરી હતી, પણ આ કારણે હુમલો ના કર્યો: તપાસમાં ખુલાસો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) તપાસ કરી રહી છે. NIA ની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ મળી છે. અહેવાલ મુજબ NIAની તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ પહલગામ ઉપરાંત ત્રણ વધુ સ્થળોની રેકી કરી હતી. આ હુમલો કરનાર આતંકવાદીઓ 15 એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ને આ આતંકવાદીઓને મદદ કરનારા લોકોની પુછપરછમાં જાણવા મળ્યું છે કે પહેલગામ ઉપરાંત, આતંકવાદીઓ વધુ ત્રણ વધુ સ્થળોની રેકી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ને એ પણ જાણવા મળ્યું કે ઘટના પહેલા ખીણમાં ત્રણ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સ્થળો હતાં નિશાના પર:
અહેવાલ મુજબ NIAની તપાસમાં જાણવા મળ્યું કે આ આતંકવાદીઓએ એક સાથે ત્રણ વધુ સ્થળોની રેકી કરી હતી. પહેલગામ ઉપરાંત, અરુ ખીણ, એમ્યુઝમેન્ટ પાર્ક અને બેતાબ ખીણ પણ આતંકવાદીઓના નિશાના પર હતા. પરંતુ તે ત્રણ સ્થળોએ કડક સુરક્ષાને કારણે આતંકવાદીઓ ત્યાં હુમલો કરી શક્યા નહીં.
20 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સનો ઓળખ:
અહેવાલ અનુસાર, NIA તપાસમાં અત્યાર સુધીમાં લગભગ 20 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ની ઓળખ કરવામાં આવી છે, કેટલાક OGW ની ધરપકડ કરવામાં આવી છે. 4 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સે પાકિસ્તાની આતંકવાદીઓને રેકીમાં મદદ કરી હતી.
આપણ વાંચો: Ind-Pak Tension: અમેરિકાએ પાકિસ્તાનને તપાસમાં સહયોગ આપવા કહ્યું, ભારતને ટેકો આપ્યો…
NIAને કાશ્મીર ખીણમાં 3 સેટેલાઇટ ફોનના ઉપયોગના પુરાવા પણ મળ્યા છે, NIAએ બે ફોનના સિગ્નલ શોધી કાઢ્યા છે. 2500 શંકાસ્પદોમાંથી 186 લોકો હજુ પણ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
NIAના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસા છે, જે પાકિસ્તાનના અર્ધલશ્કરી દળ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ (SSG) ના ભૂતપૂર્વ કમાન્ડર છે. તે હાલમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે.