ચંડોળાથી ભાગેલા 9 બાંગ્લાદેશીઓને મુન્દ્રા અને મહેસાણામાંથી ઝડપી પાડવામાં આવ્યાં

અમદાવાદઃ ચંડોળા તળાવ વિસ્તારમાંથી પોલીસે સઘન તપાસ કરીને 150થી પણ વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કેટલાક બાંગ્લાદેશીઓ ત્યાંથી ભાગી ગયા હોવાનું પણ પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેથી ગુજરાત પોલીસ દ્વારા આવા લોકોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવથી ભાગીને કડી આવેલા એક બાંગ્લાદેશીની મહેસાણા એસઓજીની ટીમે એક મકાનમાંથી ધરપકડ કરી છે. મહેસાણા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, આ બાંગ્લાદેશી હુમાયુ મુસ્લિમ અલીન શેખ કડીમાં તેની સાળીના ઘરે છુપાયેલો હતો.
ચંડોળાથી ભાગી ગયેલા 8 બાંગ્લાદેશીઓને મુન્દ્રા ભાગી ગયા હતા
નોંધનીય છે કે, બાંગ્લાદેશી મુસ્લિમ અલીન શેખના બધા જ ડોક્યુમેન્ટ લલ્લા બિહારીએ બનાવી આપ્યાં હતા. જોકે, અત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ચંડોળા તળાવ વિસ્તારમાંથી ભાગી ગયેલા 8 બાંગ્લાદેશીઓને મુન્દ્રાથી ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે 45 વર્ષીય મોહમ્મદ આલમ મોહમ્મદ હુસૈન શેખ સાથે તેની પત્ની સીમા, દીકરી ખડીજા, માબિયા અને દીકરાને ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ લોકો બાંગ્લાદેશી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ તમામ લોકો ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતા ભાગીને મુન્દ્રા આવી પહોચ્યાં હતાં.
1.5 લાખ ચોરસ જેટલી સરકારી જમીનને ખાલી કરવામાં આવી
અમદાવાદ ખાતે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં મનપા દ્વારા આશરે 4000 જેટલા કાચા-પાકા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું અને આશરે 1.5 લાખ ચોરસ જેટલી સરકારી જમીનને ખાલી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. હવે પણ પોલીસ ગેરકાયદે ભારતમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે.
આપણ વાંચો: ચંડોળા તળાવમાં પણ કાંકરિયાની જેવી રોનક આવશે, સાત ફેઝમાં થશે ડેવલપમેન્ટનું કામ…