કોસ્ટલ રોડ પર વરલી જેટ્ટી પર બનશે હેલી પેડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર હેલી પેડ બનાવી શકાય કે નહીં તેનો અભ્યાસ કરવા માટે નીમવામાં આવેલા પવન હંસ લિમિટેડે પોતાનો રિપોર્ટ મુંબઈ મહાનગરપાલિકાને સોંપી દીધો છે, તે મુજબ વરલી જેટ્ટી પર મધ્યમ સાઈઝનું હેલી પેડ બનાવવામાં આવવાનું છે. તે માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનથી લઈને જુદી જુદી સરકારી એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવવાની હોવાનું કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાએ પવન હંસ લિમિટેડને કોસ્ટલ રોડ પર હેલી પેડ બનાવી શકાય કે નહીં તે માટે ફિઝિબિલિટી સ્ટડી કરવા માટે નીમી હતી, જેણે પોતાનો રિપોર્ટ તાજેતરમાં પાલિકા પ્રશાસનને સોંપ્યો હતો. તેના રિપોર્ટ મુજબ કોસ્ટલ રોડના બાંધકામ દરમ્યાન વરલી ડેરીની સામે રો-મટિરિયલના હેરફેર માટે બનાવેલી વરલી જેટ્ટી પર જ હેલી પેડ બનાવી શકાશે. હાલ કોસ્ટલ રોડ પર વરલી જેટ્ટી અને અમરસન્સ ગાર્ડન નજીક જેટ્ટી છે. કોસ્ટલ રોડનું કામ પૂરું થયા પછી પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કરેલી માગણી બાદ વરલી જેટ્ટીને તોડી પાડવાને બદલે રાખી મૂકવામાં આવી હતી.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વરલી જેટ્ટીની જગ્યા હેલી પેડ માટે પૂરતી છે. ઓલરેડી અહીં જેટ્ટીનું બાંધકામ છે, તેને હવે ફક્ત હવે હૅલી પેડમાં બદલવાની રહેશે અને હવે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પાસે જઈને આ જગ્યાનો ઉપયોગ કાયમી ધોરણ માટે હેલી પેડ માટે કરવાની મંજૂરી મેળવવા છે. એ સિવાય ડિફેન્સ, સિવિલ એવિશિયન મિનિસ્ટ્રી વગેરે અન્ય ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવામાં આવશે