
શ્રીનગર: જામ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર પણ બંને દેશોની સેના વચ્ચે તણાવ છે. એવામાં ગત રાત્રે પાકિસ્તાન સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામ (Ceasefire Violation)નું ઉલંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ કુપવાડા, ઉસી અને અખનૂર સેક્ટરમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
ડિફેન્સ PRO એ જણાવ્યું “30 એપ્રિલ-01 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામે લાઈન ઓફ કંટ્રોલ પર કોઈ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેના દ્વારા આનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો.”
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના પાકિસ્તાન સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એવામાં પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મંગળવારે, ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ હોટલાઇન દ્વારા પાકિસ્તાની સેનાના અધિકારીઓને યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે ચેતવણી આપી હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યાના થોડા સમય પછી, પાકિસ્તાની સેના LoC પર વિવિધ સ્થળોએ કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી રહી છે.
25 ફેબ્રુઆરી, 2021 ના રોજ, ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ 2003માં કરવામાં આવેલા યુદ્ધવિરામ કરારનું પાલન કરવા નક્કી કર્યું હતું, LoC પર ગોળીબાર ન કરવા સંમત થયા હતાં.
આપણ વાંચો : ડર કે આગે જીત હૈઃ આતંકવાદીઓના સફાયા માટે ભારતના ‘ટાર્ગેટ’ કયા હશે?