વૈભવે ફોન પર પપ્પા સાથે પ્રણામ’થી વાતચીત શરૂ કરી અને પ્રણામ’ સાથે પૂરી કરી!
2017માં વૈભવને તેના પપ્પા તેડીને ધોનીની મૅચ જોવા લઈ ગયા હતાઃ 12મી મેએ ધોનીની જ ટીમ સામે રમશે!

જયપુરઃ ત્રણ દિવસ પહેલાં અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના 14 વર્ષના ટાબરિયા વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક સદી ફટકારીને રાજસ્થાનની ટીમને પ્લે-ઑફ માટેની રેસમાં જીવંત રાખી એને પગલે વૈભવ વિશે દરરોજ નાની-નાની વાતો બહાર આવે છે. ટી-20 ક્રિકેટના આ યંગેસ્ટ સેન્ચુરિયને આઇપીએલમાં સૌથી ઝડપે (35 બૉલમાં) સેન્ચુરી કરવાનો ભારતીય વિક્રમ રચ્યો અને એક જ દાવમાં 11 સિક્સર ફટકારવાના મુરલી વિજયના ભારતીય વિક્રમની બરાબરી કરી હતી. તેણે આ ઉપરાંત બીજા કેટલાક વિક્રમો પણ રચ્યા હતા.
વૈભવ સૂર્યવંશી બિહારના સમસ્તીપુર જિલ્લાનો છે. રાજસ્થાનની યાદગાર જીત બાદ વૈભવને તેની ટીમ દ્વારા પૂછવામાં આવ્યું કે તું સૌથી પહેલો ફોન-કૉલ કોને કરવાનું પસંદ કરીશ?’ વૈભવે તરત જવાબમાં કહ્યું, પહેલો કૉલ પપ્પાને જ કરીશ, ઑફકોર્સ. એ સમયે વૈભવની બાજુમાં તેના કોચ રોમી સર પણ ઊભા હતા. વૈભવે તેના પપ્પા સંજીવ સૂર્યવંશીને કૉલ કરીને સૌથી પહેલાં તેમને પ્રણામ કર્યા અને પછી વાતચીત શરૂ કરી હતી. રોમી સરે વૈભવના પપ્પાને પૂછ્યું કે કેમ છો તમે?’ વૈભવના પપ્પા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું,મને એવું લાગે છે કે હું સપનું જોઈ રહ્યો છું. મારા તો માનવામાં જ નથી આવતું. મારો દીકરો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તમારી સાથે જ હતો. તમે બધાએ તેના પર્ફોર્મન્સમાં મોટું પરિવર્તન લાવી દીધું.
રોમી સરે તેમને વિનમ્રતાથી શ્રેય પાછો આપતાં કહ્યું, નહીં સર. આ તમારી જ મહેનતનું પરિણામ છે. શરૂઆતથી તમે તેના માટે ખૂબ મહેનત કરી હતી. હું તો બસ, પરિવારની જેમ તમારી સાથે છું. આ તો હજી પહેલું પગલું છે. આ હજી શરૂઆત છે.’ જવાબમાં સંજીવ સૂર્યવંશીએ કહ્યું,તમે બિલકુલ સાચી વાત કરી. ખૂબ-ખૂબ ધન્યવાદ અને તમને પણ ખૂબ-ખૂબ અભિનંદન.’
સંજીવ સૂર્યવંશીએ કહ્યું, વૈભવની મમ્મી પણ બેહદ ખુશ છે. તે ફોન પર જ છે. અમને સતત ફોન-કૉલ આવ્યા જ કરે છે.’ રોમી સરે વૈભવના પપ્પાને હસતા કહ્યું,હવે તો આખું સમસ્તીપુર કૉલ કરશે.’ છેલ્લે વૈભવે તેના પપ્પાને `પ્રણામ’ કહીને ફોન પરની વાતચીત પૂરી કરી હતી.

2017માં વૈભવ છ વર્ષનો હતો ત્યારે તેના પપ્પા સંજીવ સૂર્યવંશી તેને તેડીને ધોનીની પુણે ટીમની મૅચ જોવા લઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે આગામી 12મી મેએ વૈભવ સૂર્યવંશી ચેન્નઈમાં ધોનીની જ સીએસકેની ટીમ સામે રમતો હશે.
આપણ વાંચો : હરભજને સૂર્યવંશીને મજાકમાં કહ્યું, ‘સારું થયું હું વહેલો નિવૃત્ત થઈ ગયો’