…તો મહારાષ્ટ્રમાં દસમા-બારમાનું પરિણામ આ તારીખના આવી શકે છે, જાણો નવી ડેટ…

મુંબઈ: મહારાષ્ટ્ર બોર્ડના દસમા અને બારમા ધોરણના રિઝલ્ટ મે મહિનાના પ્રથમ પંદર દિવસમાં જાહેર કરાય એવી શક્યતા છે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર બારમા ધોરણનું પરિણામ ૧૨મી અથવા ૧૩મી મેની આસપાસ આવશે, જ્યારે દસમા ધોરણનું રિઝલ્ટ પણ ૧૫મી અથવા ૧૬મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે.
પુણે ડિવિઝન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ બાદ તમામ શિક્ષકોએ પેપર તપાસવાનું કામ સમયસર પૂર્ણ કર્યું છે. હાલમાં ગ્રેડ ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા ટૂંક સમયમાં રિઝલ્ટ જાહેર કરવાની તારીખ જાહેર કરવામાં આવશે, એમ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી.
૧૧મી મે સુધી ચકાસણનું કામ પૂર્ણ થવાની શક્યતા છે ત્યાર બાદ રિઝલ્ટ ઓનલાઇન જાહેર કરાશે. રિઝલ્ટ કઇ વેબસાઇટ પર જાહેર કરાશે વગેરે બાબતો આગામી અઠવાડિયામાં જણાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. આ વખતે પહેલી વખતે દસમા અને બારમા ધોરણની પરીક્ષા દસ દિવસ વહેલી લેવાઇ હતી જેમાં ૧૫.૨૪ લાખ વિદ્યાર્થીએ બારમાની અને ૧૬.૩૯ લાખ વિદ્યાર્થીએ દસમાની પરીક્ષા આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.