પંજાબે ફીલ્ડિંગ લીધી, મૅક્સવેલ ફ્રૅક્ચરને લીધે ટૂર્નામેન્ટમાંથી લગભગ આઉટ

ચેન્નઈઃ આઇપીએલ (IPL-2025)ના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ સામે આજે પંજાબ કિંગ્સે (PBKS) ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.
પંજાબની ટીમમાં ઈજાગ્રસ્ત ગ્લેન મૅક્સવેલ (GLENN MAXWELL)ના સ્થાને સૂર્યાંશ શેડગેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો, જ્યારે સીએસકેની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.
મૅક્સવેલને આંગળીમાં ફ્રૅક્ચર થયું છે અને એવું મનાય છે કે તે હવે આ આઇપીએલની બાકીની મૅચોમાં પણ નહીં રમે.
ચેન્નઈની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને જો આજે હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ જશે અને હારી જશે તો પ્લે-ઑફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ જશે.
આ પણ વાંચો: કુલદીપે રિન્કુને ખરેખર બે તમાચા લગાવ્યાં? કેકેઆરે આ ખુલાસો બહાર પાડ્યો છે…
બીજી તરફ, શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબને આજે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં આવવાનો મોકો છે.
ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે સ્પર્ધાની બહાર થયો ત્યારે ધોનીને ફરી સુકાન સંભાળવાનું કહેવામાં આવ્યું હતું. જોકે એ વખતે ચેન્નઈની ટીમ ઘણા પરાજયના ઝટકા સહન કરી ચૂકી હતી એટલે ટીમને ફરી બેઠી કરવાનું ધોની માટે અસંભવ હતું. વર્ષોથી ચેન્નઈમાં ચેપૉકનું મેદાન સીએસકે માટે ગઢ મનાતું હતું, પરંતુ આ વખતે ઘણી ટીમોએ એને એના એ ગઢમાં જ હરાવી છે. એમાં ખાસ કરીને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ સીએસકેને ચેપૉકમાં 17 વર્ષે હરાવવામાં સફળતા મેળવી છે.
ચેન્નઈ આજે જીતીને પ્લે-ઑફ માટેની નહીંવત સંભાવના જીવંત રાખી શકે. આજે ધોનીની બૅટિંગની અને કૅપ્ટન્સીની ખાસ કસોટી થવાની છે.
ચેન્નઈનો ખલીલ અહમદ આ વખતની સીઝનમાં પાવરપ્લેમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે. તેણે નવ મૅચમાં પાવરપ્લેની (શરૂઆતની છ) ઓવર્સમાં કુલ આઠ વિકેટ લીધી છે જે તમામ બોલર્સમાં સૌથી વધુ છે.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોની (કૅપ્ટન), આયુષ મ્હાત્રે, શેખ રાશીદ, સૅમ કરૅન, ડેવાલ્ડ બે્રવિસ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, દીપક હૂડા, નૂર અહમદ, ખલીલ અહમદ અને મથીશા પથિરાના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અંશુલ કમ્બોજ, આર. અશ્વિન, જૅમી ઓવર્ટન, કમલેશ નાગરકોટી, રામક્રિષ્ન ઘોષ.
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, નેહલ વઢેરા, શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કો યેનસેન, અઝમતુલ્લા ઓમરઝાઇ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્રસિંહ ચહલ અને હરપ્રીત બ્રાર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ પ્રભસિમરન સિંહ, ઝેવિયર બાર્ટલેટ, પ્રવીણ દુબે, મુશીર ખાન, વિજયકુમાર વૈશાક.