મોબાઈલને મુદ્દે કાકા સાથેની બોલાચાલી પછી યુવતીએ 11મા માળેથી ઝંપલાવ્યું

થાણે: રાતે પણ મોબાઈલ ફોન પર વાતચીત કરવા બદલ કાકાએ ટોક્યા પછી ગુસ્સામાં યુવતીએ 11મા માળના ફ્લૅટમાંથી ઝંપલાવી દીધું હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી.
માનપાડા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સમીક્ષા નારાયણ વડ્ડી (20) તરીકે થઈ હતી. સમીક્ષાએ સોમવારની મધરાતે અંતિમ પગલું ભર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે યુવતી સતત ફોન પર વાત કરતી હતી. સોમવારે મોડી રાતે પણ તે ફોન પર વાત કરતી હોવાથી કાકાએ તેને ટોકી હતી. કૉલ કટ કરી ફોન મૂકી દેવાનું કાકાએ કહેતાં યુવતીને ગુસ્સો આવ્યો હતો.
ગુસ્સામાં તે ફ્લૅટના હૉલમાં ગઈ હતી અને પછી ગૅલરીમાંથી તેણે કૂદકો માર્યો હતો. 11મા માળેથી નીચે પટકાયેલી યુવતીને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ પ્રકરણે હાલમાં પોલીસે એડીઆર નોંધ્યો હતો. ચોક્કસ ઘટનાક્રમ જાણવા માટે પોલીસ દરેક મુદ્દે તપાસ કરી રહી છે. યુવતીના આત્મહત્યા કરવા પાછળ બીજાં કોઈ કારણ જવાબદાર નથીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)