આમચી મુંબઈ

કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સ કરનારા ગુજરાતીની અયોધ્યામાં ડ્રગ્સ ફૅક્ટરી

સાથીદારની કપડાંની દુકાનની પાછળ આરોપી મેફેડ્રોન બનાવતો: 2.30 કરોડનું ડ્રગ્સ જપ્ત, ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં રહેતા અને કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સ કરનારા ગુજરાતીએ અયોધ્યામાં ડ્રગ્સ ફૅક્ટરી શરૂ કરી હોવાનું થાણે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ગુજરાતી સહિત ત્રણ જણની ધરપકડ કરી પોલીસે અંદાજે 2.30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઉચ્ચ શિક્ષણને કારણે નશીલા પદાર્થ બનાવવામાં પારંગત ગુજરાતી તેના સાથીદારની કપડાંની દુકાન પાછળની ફૅક્ટરીમાં મેફડ્રોન (એમડી) ડ્રગ બનાવતો હતો.

થાણે ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-નાર્કોટિક્સ સેલે પકડી પાડેલા આરોપીઓની ઓળખ બિપીન બાબુલાલ પટેલ (49), મોહમ્મદ કય્યુમ મોહમ્મદ યુુનુસ હાશમી (45) અને દેવેશ કુમાર રામકિસન શર્મા (32) તરીકે થઈ હતી. મધ્ય પ્રદેશમાં નોંધાયેલા ડ્રગ્સના એક કેસમાં ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) પણ પટેલની શોધ ચલાવી રહી હતી. તેની વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ ડ્રગ્સ સંબંધી ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અમદાવાદમાં રહેતો પટેલે એમએસસી (કેમિસ્ટ્રી) સુધીનો અભ્યાસ કર્યો હોવાથી નશીલા પદાર્થ બનાવવામાં તે પારંગત છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોહાવલમાં કપડાંની દુકાન ધરાવતા વેપારી હાશમી સાથે તે ડ્રગ્સ બનાવીને વિવિધ રાજ્યોમાં સપ્લાય કરતો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ તાજેતરમાં મુંબ્રા રેલવે સ્ટેશન નજીક પોલીસે છટકું ગોઠવી દેવેશ શર્માને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 67.20 લાખ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું. શર્મા વિરુદ્ધ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શર્માએ અયોધ્યાની કય્યુમ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ પ્રાપ્ત કર્યું હતું. તપાસમાં પોલીસને જાણવા કય્યુમનું પૂરું નામ જાણવા મળ્યું હતું અને અયોધ્યામાં તેની મારિયા કિડ્સ ઍન્ડ લેડીઝ વેઅર નામની દુકાન હોવાની માહિતી મળી હતી. અયોધ્યા પહોંચેલી પોલીસની ટીમે પાંચ દિવસ દુકાન પર નજર રાખી હતી. શંકા જતાં અધિકારીઓ અલગ અલગ સમયે દુકાનમાં ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. દુકાનની પાછળના ભાગમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની ખાતરી થતાં યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી.

ફૅક્ટરીમાંથી 1.62 કરોડ રૂપિયાનું એમડી, કેમિકલ અને ડ્રગ્સ બનાવવાની સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આરોપી કય્યુમ હાશમી વિરુદ્ધ મીરા રોડના નયા નગર પોલીસ સ્ટેશન અને યુપીમાં પણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button