ત્રીજી વખત શપથ લીધાના પાંચ મહિના પછી ફડણવીસ સત્તાવાર નિવાસસ્થાને ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ પાંચ મહિના પછી દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં ગયા હતા.
લગભગ સાડા પાંચ વર્ષના અંતરાલ પછી ફડણવીસ એ જ જગ્યાએ રહેશે, જેમાં 2014થી 2019 સુધીના મુખ્ય પ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમનું સત્તાવાર નિવાસ હતો.
મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો બીજો કાર્યકાળ ફક્ત 80 કલાક ચાલ્યો હતો તે પછી તેમણે નવેમ્બર 2019માં બંગલો ખાલી કર્યો હતો.
આ પણ વાંચો: છત્રપતિ સંભાજીનગરમાં ઔદ્યોગિક એકમો માટે 8,000 એકર જમીન સંપાદિત કરવામાં આવશે: ફડણવીસ
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર દરમિયાન વિરોધ પક્ષના નેતા બન્યા પછી ફડણવીસ ‘સાગર’માં ગયા જ્યાં તેઓ નાયબ મુખ્ય પ્રધાન તરીકે રહેતા હતા.
પાંચમી ડિસેમ્બર, 2024ના રોજ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છતાં ફડણવીસ આટલા દિવસો સુધી ‘સાગર’માં જ રહ્યા હતા.
બુધવારે એક્સ પર એક પોસ્ટમાં ફડણવીસના પત્ની અમૃતાએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયાના શુભ દિવસ નિમિત્તે એક નાની પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ વર્ષા ખાતે ‘ગૃહપ્રવેશ’ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રહેલા બધા પાકિસ્તાની નાગરિકોનો પત્તો મેળવ્યો, દેશનિકાલની વ્યવસ્થા કરી: ફડણવીસ
ફેબ્રુઆરીમાં શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ગુવાહાટીમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કામાખ્યા મંદિરની મુલાકાત દરમિયાન બલિદાન આપવામાં આવેલી ભેંસોના શિંગડા ‘વર્ષા’ના પરિસરમાં દફનાવવામાં આવ્યા હતા જેથી મુખ્ય પ્રધાનપદ એકનાથ શિંદે સિવાય બીજા કોઈને ન જાય.
રાઉતના દાવાઓને ફગાવી દેતા ફડણવીસે તે સમયે કહ્યું હતું કે, ‘એકનાથ શિંદે ‘વર્ષા’ બંગલો ખાલી કરે પછી હું તેમાં રહેવા જઈશ. કેટલાક નાના સમારકામ પણ કરવામાં આવી રહ્યા છે. મારી પુત્રી ધોરણ 10 માં છે, તેણે વિનંતી કરી હતી કે અમે તેની પરીક્ષા પછી જ શિફ્ટ થઈએ. આ જ કારણ છે કે હું હજુ સુધી રહેવા ગયો નથી.’ ફડણવીસની પુત્રી દિવિજાએ તેની ધોરણ 10ની પરીક્ષામાં 92.60 ટકા માર્ક મેળવ્યા હતા અને તેની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી.