ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ રદ કર્યો, વિજય દિવસ પરેડમાં રહેવાના હતા હાજર…

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન ભારતની જવાબી કાર્યવાહી મુદ્દે ફફડાટમાં છે. તેવા સમયે વડા પ્રધાન મોદી પણ આ હુમલા બાદ સતત અલગ અલગ બેઠકો કરી રહ્યા છે. આ દરમિયાન પી એમ મોદીએ તેમની પ્રસ્તાવિત રશિયા યાત્રાને રદ કરી છે. પીએમ મોદી 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડમાં હાજરી આપવાના હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી છે.

જોકે, રશિયાએ પીએમ મોદીની મોસ્કો મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રશિયામાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ
ઉલ્લેખનીય છે કે, આ માસની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા 9 મેના રોજ રશિયામાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર સોવિયેત સંઘના વિજય તરીકે ઉજવવામાં આવે
આ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓ હાજર રહેવાના છે. બીજા વિશ્વયુદ્ધમાં
જર્મની પર રશિયાના વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રશિયામાં, 9 મેના રોજ વિજય દિવસ પરેડ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર સોવિયેત સંઘના વિજય તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1945 માં આજના દિવસે જર્મનીએ આત્મસમર્પણ કર્યું.

આપણ વાંચો : ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રશિયાને ભારતને સમજાવવા અપીલ કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button