
અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં બાંગ્લાદેશીઓના આકા બનીને ઉભરેલા મહમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું આલીશાન ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા લોકો માટે લલ્લા બિહારી મદદગાર હતો. તેની એવી પહોંચ હતી કે, દરેકના ડોક્યુમેંટ બનાવી દેતો હતો. મહમૂદ પઠાણના ઉર્ફે લલ્લા બિહારીના નામથી જાણીતા આ માફિયાએ ચંડોળા તળાવમાં માટી ભરીને સરકારી જમીન પર કબ્જો કર્યો હતો. જે બાદ તેણે તેનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.
લલ્લા બિહારી વર્ષો પહેલા ઝાડું બનાવવાની મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો. 1984થી બાંગ્લાદેશી નાગરિકોએ અમદાવાદના ચંડોળા તળાવમાં રહેવાનું શરૂ કર્યું હતું. લલ્લા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓને કામની લાલચે અહીં લાવતો હતો. સવારે તે સાવરણી અને સિલાઈ મશીનની ફેક્ટરીમાં કામ કરાવતો હતો અને રાત્રે દેહવેપાર કરાવતો હતો. અહીં તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી. લલ્લા બિહારી આસામથી ઝાડું બનાવવાનું મટિરિયલ ખરીદતો હતો. પોલીસને તેના ફાર્મ હાઉસમાંથી 16 ટ્રક ભરીને ઝાડું બનાવવાનું રો મટીરિયલ મળ્યું હતું.
મહિનાની ભાડાની આવક હતી 8 લાખ
અહીં 1500 જેટલા બાંગ્લાદેશી પરિવારો રહેતા હતા. જેમને તેણે આધાર કાર્ડ, પાન કાર્ડ કઢાવી આપ્યા હતા. જો કોઈ બાંગ્લાદેશથી આવે તો અમદાવાદમાં તેને લલ્લા બિહારી પાસે જવાનું કહેવામાં આવતું હતું. તે તેનું કામ કરી આપતો હતો. તેણે આ રીતે સેંકડો બાંગ્લાદેશીઓને શરણ આપ્યું હતું. લલ્લા બિહારીએ બનાવેલા ઝૂંપડામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેવાની સુવિધા કરી આપતો હતો અને ભાડે રિક્ષા આપતો હતો. બાંગ્લાદેશીઓને આશરો આપવા માટે બનાવેલા ઝૂંપડા, દુકાન, પ્લોટમાંથી તે મહિને 8 લાખ રૂપિયા કમાતો હતો.આ ઉપરાંત 2000 લોકો પાસે તે ભીખ મંગાવતો હતો અને રોજના 500 રૂપિયા ઉઘરાવતો હતો.
ગૂગલ પણ ફાર્મ હાઉસ પકડી ન શકે તે માટે કરી હતી આવી વ્યવસ્થા
બાંગ્લાદેશથી આવતા લોકોને ક્યાં રાખવા તેની પણ યાદી બનાવી હતી. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પુરુષો કરતાં બાંગ્લાદેશી મહિલાઓની સંખ્યા વધારે હતી. તંત્રની ટીમ જ્યારે તેના ફાર્મ હાઉસ પર ડિમોલિશન કરવા પહોંચી ત્યારે અંદરની સુવિધા જોઈને ચોંકી ઉઠી હતી. ગૂગલ પણ તેના ફાર્મ હાઉસ – બંગલાને પકડી ન શકે તે માટે ઘાસ પાથરી દીધું હતું. આગળનો દરવાજો દેખાય તે રીતે જ આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું.
CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી
લલ્લા બિહારી 2018ના કેસમાં વોન્ટેડ છે. તે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. ખોટા ડોક્યુમેંટ કેસમાં તેની ધરપકડ થઈ હતી. લલ્લા પઠાણ સામે દબાણ મુદ્દે અનેક અરજી થઈ હતી. CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. તેનો પુત્ર પણ ગુનેગાર છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાપ-દીકરાએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઉભું કર્યું હતું.
આપણ વાંચો : કોંગ્રેસનો ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ! હર્ષ સંઘવીનો મોટો આક્ષેપ