અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડના ગાંજા સાથે ચાર જણ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગુપ્ત માહિતીના આધારે માટો કાર્યવાહી કરવામાં આવી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે ડીઆરઆઈ સાથે સંયુક્ત ઓપરેશન કરીને એરપોર્ટ પરથી રૂપિયા 37 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશન હેઠળ ફ્લાઈટ નંબર ટીજી 343 માં બેંગકોકથી અમદાવાદમાં આવી રહેલા ચાર ભારતીયનોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા 10 દિવસમાં આ બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં મોટી માત્રમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ મુસાફરો પાસે રહેલી 6 જેટલી ટ્રોલી બેગની તપાસ કરતા 72 પેકેટ મળી આવ્યાં હતાં.

બાતમીના આધારે DRI અને AIU દ્વારા કાર્યવાહી કરવામાં આવી

એર ઈન્ટેલિજન્સ યુનિટ અને DRI દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. DRI ને ગુપ્ત માહિતી મળી હતી કે, કેટલાક મુસાફરો ગાંજા લઈને ભારત પરત ફરવાના છે. આ માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી અને DRI અધિકારીઓએ અમદાવાદ કસ્ટમ વિભાગની મદદથી બેંગકોકથી પરત ફરી રહેલા ચાર મુસાફરોને તપાસ માટે રોક્યા હતાં. જ્યારે તેમની છ ટ્રોલી બેગ ખોલવામાં આવી, ત્યારે તેમાં બ્રાન્ડેડ નાસ્તાના પેકેટમાં છુપાયેલા લીલા ગઠ્ઠાવાળા પદાર્થના પેકેટ મળી આવ્યા હતાં. તપાસ કરવામાં આવી ત્યારે પુષ્ટિ થઈ કે તે હાઇડ્રોપોનિક ગાંજો હતો, જે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ગાંજાની ખૂબ જ શક્તિશાળી શ્રેણીનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: બે જાણીતા ફિલ્મ દિગ્દર્શક સહિત ત્રણની હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ

કરોડોનો ગાંજો જપ્ત કરીને ચાર મુસાફરોની અટકાયત કરવામાં આવી

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, DRIએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ ગાંજો જપ્ત કર્યો છે અને ચાર મુસાફરોની અટકાયત કરી છે. આ ચાર આરોપીઓની અત્યારે પુછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ હવે આ સમગ્ર નેટવર્કના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંભવિત લિંક્સ બાબતે પણ તપાસ કરવામાં આવી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજાની આ બીજી જપ્તી છે. આ પહેલા 20મી એપ્રિલે પણ બેંગકોકથી આવતા એક મુસાફર પાસેથી 17.5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button