ઔર યે મૌસમ હંસીં… : રાજનીતિની ચર્ચા જરૂર કરો, પણ સાથે થોડી જાણકારી પણ રાખો!

-દેવલ શાસ્ત્રી
શનિવાર – રવિવારે આપણે ક્યાંક ભેગા થઈએ કે કોઈ સામાજિક પ્રસંગો નિમિત્તે સાથે હો ત્યારે ચર્ચાનો એક એવરગ્રીન વિષય હોય છે : રાજનીતિ.
દરેક વ્યક્તિ પોતાનો મત શક્ય હોય એટલો વધુ આક્રમક રીતે રજૂ કરતો હોય છે, જેથી બીજાની દલીલ ટકી શકે નહીં. આવી ઉગ્ર ચર્ચામાં માણસ સાંભળવાની કળા ભૂલવા લાગ્યો છે. ક્યારેક ઉગ્ર ચર્ચા શરૂ થઇ જાય અને સંબંધોમાં ખટાશ આવવા સુધી વાત પહોંચી જતી હોય છે. રાજનીતિની ચર્ચા કરતાં પહેલાં ઘણીવાર એવું પણ થાય કે રાજનીતિના સિદ્ધાંતો વિશે આપણને કેટલી ખબર છે?
દુનિયાનાં અખબારો કે લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો રાજનીતિમાં જે શબ્દપ્રયોગ કરે છે એ અભ્યાસનો જટિલ વિષય છે. આમ છતાં એના વિશે આપણને કમસેકમ ખ્યાલ હોવો જોઈએ.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!
રાજનીતિ સમજવા થોડો રાજકીય ઇતિહાસ, જે તે દેશના કાયદા અને સંવિધાન, એ દેશોની રાજકીય વિચારધારા, જે સમયે કોઈ વિચારધારાના ઉલ્લેખ થયા હોય એ સમયની જાણકારી સહિત થોડું વિશ્ર્લેષણ કરવાની ક્ષમતા કેળવવા વાંચન અને ચિંતન જરૂરી છે. વ્યક્તિ વાંચન કે ચિંતન કરતો હોય ત્યારે સંદર્ભો તરફ નિષ્પક્ષ રહીને અભ્યાસ કરવો એ પૂર્વ શરત છે. વાંચન અને મનનને સાતત્ય સાથે અવિરત ચાલતું રાખવું પડે. દુનિયાની રાજનીતિ સમજવા સમાજવાદ, ઉદારવાદ, લોકશાહી, મૂડીવાદ, સરમુખત્યારશાહી, રાજાશાહી, સામ્યવાદ કે ગણતંત્ર જેવા સત્તાના અભિગમ શીખવા જોઈએ. સાથોસાથ જે તે પ્રદેશ મુજબ સફળ પ્રયોગ અને નિષ્ફળ ફ્યુઝન જાણવા
જરૂરી છે.
આપણે જયારે ઇતિહાસને સંબોધીને રાજનીતિની ચર્ચા કરીએ ત્યારે એ સમયની આર્થિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ સમજવી જોઈએ.
એક સાદું ઉદાહરણ સમજો, તમે હાલમાં અત્યંત સંપન્ન છો. તમારા દાદા ત્રીસ વર્ષ પહેલા ગંભીર બીમારીમાં નિધન પામ્યા હતા ત્યારે તમે આર્થિક રીતે તકલીફમાં હતા. તમને સવાલ પૂછવામાં આવે કે તમે હાલ સંપન્ન છો તો પછી ત્રીસ વર્ષ અગાઉ વિદેશમાં જઈને તમે દાદાની સારી સારવાર કેમ ના કરાવી?
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : બાળકોને લોકકથા કહેતા રહો, કારણ કે…
આ એક હાસ્યાસ્પદ સવાલ છે, તે દિવસે કેમ ના કર્યું એ લગભગ દરેક ચર્ચામાં થતો પ્રશ્ન છે. કાળ મુજબ પરિસ્થિતિને શીખવા અને સમજવાની આપણી તૈયારી હોય છે ખરી? દેશ આઝાદ થયો ત્યારે ગણતરીના ટેલિફોન હતા, એટલા તો એક લગ્ન સમારંભમાં હાલ મોબાઈલ હશે. દેશમાં બે પાંચ લાખ રેડિયો હતા એટલા તો એક નાનકડા શહેરમાં ટીવી હશે. હવે એ સમયે સંદેશો કેમ ના પહોંચાડ્યો એ પ્રશ્ન પૂછતાં પહેલા સંદેશ વ્યવહારનો ઇતિહાસ અને પરિસ્થિતિ જાણવી જરૂરી છે.
રાજનીતિમાં વપરાતા અનેક શબ્દ ગ્રીક અથવા લેટિન ભાષામાંથી આવ્યા છે. ખુદ રાજકારણ ‘પોલિટિક્સ’ શબ્દ એ ગ્રીક કલ્પનાનો છે, જેનો અર્થ થાય કે નાગરિકોના હિત સાથે જોડાયેલી વાત. એ જ રીતે ‘ડેમોક્રેસી’ શબ્દ પણ ગ્રીક ભાષાની દેન છે. ‘ડેમોસ’ એટલે પ્રજા અને ‘ક્રાટોસ’ એટલે એમના હિત સાથે જોડાયેલી વાત. આમ પોલિટિક્સ અને ડેમોક્રેસી શબ્દ ગ્રીક સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. લેટિન ભાષાએ કેટલાક શબ્દ આપ્યા જેમ કે રિપબ્લિક, વિટો, ફેડરેશન વગેરે. યુરોપમાંથી પણ ઘણા શબ્દ આવ્યા જેમાં બ્યુરોક્રેસી, સોસિયાલિઝમ, કેપિટલિઝમ હોય કે ફાસિઝમ.
આજના આધુનિક સમયમાં નવા શબ્દ સાંભળવા મળે છે, જેમ કે આર્થિક સુધારાનો દોર શરૂ થયા પછી ગ્લોબલાઇઝએશન, લિબ્રેનાઇઝએશન કે અનાર્કી જેવા શબ્દ પ્રચલિત થયા.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?
શબ્દોનો ઉપયોગ કેવી રીતે સમજવો? તેના ઐતિહાસિક સંદર્ભ સમજવા જોઈએ. દરેક શબ્દનું મૂળ અને તેનો ઉપયોગ જાણવો જોઈએ. આ શબ્દો આજની રાજનીતિમાં કેવી રીતે વપરાય છે તે સાંપ્રત પરિસ્થિતિ મુજબ સમજવું જોઈએ. એ જ વાતની વૈશ્વિક સરખામણી સંદર્ભે વિચારવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત યાદ રાખવાની જરૂર છે કે રાજનીતિ સંદર્ભે વાંચન અને ચિંતન સતત ચાલતું રહેવું જોઈએ. સીગ્મડ ફ્રોઈડના સમયમાં શબ્દ પ્રચલિત થયો, ‘ફેમિનાઈન’ અને ‘મસ્કુલાઇન’. આ ફેમિનિઝમે દુનિયાને અસંખ્ય શબ્દો લોકપ્રિય કરી આપ્યા. મુક્તિ, પિતૃતંત્ર, પરાધીનતા, વ્યક્તિગત ક્ષેત્ર, ક્લાસ, ભગિની સમાજ, પ્રજાતિ, વ્યક્તિવાદ, ઉપયોગિતાવાદ, પ્રોફેશનલ લાઈફ, જ્યુડિશરી, સમાનતા, સામાજિક બંધન, ઉત્તરાધિકાર, સ્ત્રી રહસ્ય, શોષણ, પુરુષ પ્રધાન સમાજ, સેક્સુઅલ પોલિટિક્સ ઈત્યાદિ, ઈત્યાદિ.
વૈશ્વિક સ્ત્રી આંદોલનમાં અનેક શબ્દ આવતા ગયા. હવે વિચાર કરો કે અર્થતંત્ર, રાજનીતિ, વિદેશનીતિ, હિંસા, લડાઈ, સત્તા વગેરે માટે કેટલા બધા શબ્દો અને તેનો ઇતિહાસ હશે.
ભારતીય સહિત દુનિયાના અસંખ્ય વિચારકોએ નવા શબ્દ આપ્યા હશે અલગ ઇતિહાસ છે. સોક્રેટિસ, પ્લેટો, અરસ્તૂ, મેકિયાવેલી, બેન્થમ, ગ્રીન, હ્યુમ, રુસો, માર્ક્સ, લેનિન, ગાંધી, હેગેલ, બર્ક લ્યુકાચ સહિત અનેક લોકોએ નવી રાજનીતિ શીખવી. એમના રાજનૈતિક વિચારોમાં નવા શબ્દ અને વિચારમાળાની ભરમાર હતી. આ વિચારધારાઓ થકી હજારોની સંખ્યામાં પુસ્તકો લખાયાં છે. રાજનીતિમાં પ્રારંભિક વિચારક એવા સોક્રેટીસ અને પ્લેટો પરંપરા સમજવી હોય તો તર્ક, ચર્ચા, પરફેક્ટ સ્ટેટ, તથ્ય, મૂલ્ય, લોકતંત્ર, સંશયવાદ, નોલેજ અને ઓપિનિયન, નીતિશાસ્ત્ર, યુટોપિયા, મિનિમમ અને મેક્સિમમ નીડ્સ, ભૌતિક સંતોષ, રિવોલ્યુસેશન, પ્રોલેટરીએટ (સર્વસમાન), એપિટાઈટ, ઈમોશન, સ્વામિત્વ જેવાં શબ્દો અઢી હજાર વર્ષથી રાજનીતિ શીખવા માટે વપરાય છે. આ વિચારધારાની સમાનાંતર ભારત તથા દુનિયાના અનેક સંસ્કૃતિઓમાં અસંખ્ય શબ્દ આવ્યા છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : પાંચ માળ ઊંડી અષ્ટકોણીય કલાત્મક ‘દાદા હરિની વાવ’
આપણે તો ફક્ત શબ્દની વાત કરીને છૂટા પડી જઈશું, પણ આ શબ્દો પાછળ ઇતિહાસ અને કથાઓ અને વિસ્તૃત અર્થઘટનની એક વિશાળ દુનિયા છે. વોટ્સઅપના જમાનામાં શબ્દોની દુનિયા નાની થવા લાગી છે. સામાન્ય શબ્દ સમજાતા નથી. નવી પેઢીને ‘એ ફોર એપલ’ શીખવવાને બદલે ચિંતન કરતાં શીખવો. વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણીને પ્રખંડ પંડિત બનીને રાજનીતિની ચર્ચા કરવાની કોઈ ના નથી, પણ સાથોસાથ શબ્દથી માંડીને અભ્યાસની દુનિયામાં પગ માંડતા રહેશો તો તમે પોતાને ચર્ચા કર્યાનો સંતોષ થશે. એ ગુનાહિત ભાવમાંથી બહાર નીકળી જવાશે કે મેં કોઈને ગેરમાર્ગે દોર્યા નથી અને એ માર્ગમાં ભટકતા થોડા ઘણાને સાચી દિશા ચીંધી છે.
ધ એન્ડ:
શક્તિશાળી હોવું એટલે કોણ કોના પર સત્તા ચલાવે છે કે કોનું માનવામાં આવે છે એ નથી. શક્તિ એટલે પરસ્પર સહયોગનું નિર્માણ કરવું આપણે શક્તિ અને સત્તા વચ્ચેની ભેદરેખા ભૂલતા જઈએ છીએ. (હન્ના આરેન્ટ)