કચ્છી ચોવક : શક્તિનું માપ પણ એ બતાવે છે

-કિશોર વ્યાસ
સાચા સંબંધી કોને કહેવાય? એ જ ને, કે જે એક બીજાની પરસ્પર કાળજી રાખે? આવા સંબંધો અને ફરજ પ્રત્યે અંગૂલિનિર્દેશ કરતી ચોવક બહુ પ્રચલિત છે. ચોવક છે: ‘સગેજી સૉજ ન્યારે સે સગો’ શબ્દાર્થ છે: સગાંની સગવડનું ધ્યાન રાખે એ જ સાચા સગા કહેવાય. ‘સગે’ શબ્દનો અર્થ થાય છે: સગા (અહીં સંબંધમાં જે વેવાઇ હોય તે અર્થ વધારે અભિપ્રેત છે). ‘જી’ એટલે: ‘સૉજ’નો અર્થ થાય છે: સગવડ ‘ન્યારે’ એટલે જુએ. ‘સે’ એટલે: તેં. અન્ય સંબંધોની માફક વેવાઇઓએ પરસ્પર એક બીજાની સગવડ સાચવવી જરૂરી હોય છે.
એક બાજુ મજાની શીખામણ આપતી ચોવક છે: ‘સનૂં ડિસી સધન કજે જાડો ડિસી ધ્રિજ જે ન’ શક્તિનું માપ. દર્શાવતી આ ચોવક છે. શબ્દાર્થ જોઇએ તો ‘સનૂં’ના ઘણા અર્થ થાય છે. સનૂં એટલે ઝીણું, પાતળું, એકવડિયા બાંધાવાળું ‘સધ ન કજે’ આ ત્રણ ટૂંકાક્ષરી શબ્દ સમૂહનો અર્થ થાય છે. પડકાર ન ફેંકવો. આમ તો ‘કજે’ શબ્દનો અર્થ તો ‘કરવું’ એવો થાય છે. આ અડધી ચોવકનો અર્થ થયો : પાતળા બાંધાવાળી વ્યક્તિ જોઇને પડકાર ન ફેંકવો, ત્યાર પછી શબ્દ આવે છે: જાડો, જાડો એટલે જાડો, તંદુરસ્ત, મલ્લ, જેવો લાગતો. ‘ધ્રિજ જે ન’ આ ત્રણ શબ્દનો મતલબ છે ડરવું નહીં. ‘ધ્રિજ જે’ એટલે ડરવું. હવે આખી ચોવકનો શબ્દાર્થ જોઇએ તો: પાતળા બાંધાવાળી વ્યક્તિ જોઇને (લડવા માટે) પડકાર ન ફેંકવો અને જાડા નરને જોઇને ડરવું નહીં! ભાવાર્થ એવો થાય છે કે : શરીરનો બાંધો જોઇને કોઇની શક્તિનો અંદાજ ન બાંધવો જોઇએ.
આ પણ વાંચો: કચ્છી ચોવક : કહેવત મારે છે ચાબખા
એક ચોવક એવી છે, જે કહે છે કે : ‘સસ્તો ઇતરો મોંઘો, મોંઘો ઇતરો સસ્તો’ ‘સસ્તો’ એટલે સસ્તો! ‘ઇતરો’નો અર્થ થાય છે ‘એટલું કે એટલો.’ મોંઘો એટલે મોંઘો. એ જ ત્રણ શબ્દોનો ફરીથી પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ શબ્દના ક્રમ બદલાવીને!
શબ્દાર્થ છે: જેટલું સસ્તું એટલું મોંઘું અને જેટલું મોંઘું એટલું સસ્તું! બહુ સ્વાભાવિક છે કે, સસ્તી ચીજ વધારે ન પણ ટકે અને મોંઘી વસ્તુનું આયુષ્ય લાંબું પણ હોઇ શકે!
સસ્તા શબ્દનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે એટલે બીજી ચોવક સ્મૃતિમાં સળવળે છે. ચોવક છે : ‘સસ્તો મૂલઇ ભૂખ ન મરે’ અહીં ‘મૂલઇ’ શબ્દનો ઉપયોગ થયો છે. જેનો અર્થ થાય છે: મજૂર. ‘ભૂખ ન મરે’ આ ત્રણ શબ્દના સમૂહનો અર્થ થાય છે: ભૂખે ન મરે. ચોવકનો શબ્દાર્થ છે: જેની મજૂરી સસ્તી હોય તે મજૂર કયારેય ભૂખ્યો ન રહે. કારણ કે તેને કામ મળી જ જાય છે. સસ્તો મજૂર હંમેશાં સમય વરતીને કામ સ્વીકારી લે છે. લો, એ મતલબની પણ એક ચોવક છે: ‘સમય વરતે સાવધાન’ એવું ગુજરાતીમાં પણ કહેવાતું હોય છે. શબ્દાર્થ સરળ છે. જાણે ગુજરાતી શબ્દો જ વાંચીએ છીએં! પણ ચોવકનો ભાવાર્થ એવો થાય છે કે, સમય પારખીને વ્યવહાર કરવો જોઇએ.
આ પણ વાંચો: કચ્છી ચોવક : જીવનમાં એ જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે
સામાન્ય રીતે આપણે સમજમાં મિત્રતા બાંધતી વખતે કે કોઇ સંબંધ બાંધતી વખતે સામી વ્યક્તિની સજજનતા કરતાં આર્થિક તાકાતને વધારે પસંદ કરતા હોઇએ છીએં! ખરુંને? પરંતુ સમજદારી એ છે કે, આર્થિક તાકાત જોવા કરતાં વ્યક્તિની સજજનતાનો ગુણ ધ્યાનમાં લેવો જોઇએ. ચોવક કહે છે કે, ‘સજણેં જી સોડ ખાસી’ શબ્દોના અર્થ થાય છે: ‘સજણેં જી’ (આ બે શબ્દોનો સમૂહ છે) નો અર્થ થાય છે, સજજનની. સજજન શબ્દની સાથે એ શબ્દ સમૂહને કચ્છીમાં વળી ‘સાલખ’ શબ્દથી મૂલવવામાં આવે છે. ‘સાલખ’ શબ્દનો અર્થ થાય છે: સાક્ષર, જ્ઞાની કે કવિ. ‘સોડ’ શબ્દનું અર્થ થાય છે: સહવાસ. ‘ખાસી’ એટલે સારી. ભાવાર્થ એવો થાય છે કે, સજજનનો સહવાસ હંમેશાં સારો! સમાજમાં એવા માણસોનું માન અદકેરું હોય છે.