ઇન્ટરનેશનલનેશનલ

Ind-Pak Tension: UN મહાસચિવ ચિંતિત; એસ જયશંકર અને શેહબાઝ શરીફને ફોન કર્યા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Ind-Pak Tension) રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે એવી પૂરી શક્યતા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ત્રણેય સેનાને કાર્યવાહી માટે ખુલો દોર આપી ચુક્યા છે. પાકિસ્તાનના માહિતી પ્રધાને દાવો કર્યો હતો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાનની અંદર લશ્કરી કાર્યવાહી કરી શકે છે. પરમાણુ હથીયારો ધરવતા બે દેશો વચ્ચે યુદ્ધની શકયતાને જોતા યુનાઈટેડ નેશન્સ ચિંતિત છે.

અહેવાલ મુજબ યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ(UN Secretary-General Antonio Guterres)એ મંગળવારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાત કરી હતી. ભારતની લશ્કરી કાર્યવાહીની શક્યતાને જોતા એન્ટોનિયો ગુટેરેસ ચિંતિતિ છે.

પહલગામ હુમલાની નિંદા કરી:
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની વાતચીતમાં, એન્ટોનિયો ગુટેરેસે પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આ સાથે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે આ હુમલા માટે જવાબદારી નક્કી કરવા અને ન્યાય માટે કાયદેસરના પગલા ભરવા હાકલ કરી.

એસ જયશંકરે X પર પોસ્ટ કર્યું, “@UN SG @antonioguterres નો ફોન આવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તેમની સ્પષ્ટ નિંદાની પ્રશંસા કરું છું. જવાબદારીના મહત્વ પર સંમત છું. ભારત આ હુમલાના ગુનેગારો અને સમર્થકોને પાઠ ભણાવવા માટે પ્રતિબદ્ધ છે,”

પાકિસ્તાને તટસ્થ તપાસની માંગ કરી:
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે X પર પોસ્ટ કરીને લખ્યું કે તેમણે એન્ટોનિયો ગુટેરેસ સાથે વાત કરી અને પહેલગામ ઘટનાની તટસ્થ તપાસ માટે વિનંતી કરી.

શેહબાઝ શરીફે લખ્યું “આજે સાંજે યુએન સેક્રેટરી-જનરલ @antonioguterres સાથે ટેલિફોન પર વાતચીત થઈ. મેં તેમને ખાતરી આપી કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. અમે ભારતના પાયાવિહોણા આરોપોને નકારી કાઢીએ છીએ અને પહેલગામ ઘટનાની પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરીએ છીએ. UNSCના ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલમાં ભૂમિકા ભજવવા મેં UNને વિનંતી કરી. પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ જો પડકારવામાં આવશે તો તે સંપૂર્ણ તાકાતથી તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે,”.

કાયદેસર રીતે પગલા ભરવા પર ભાર:
સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે મંગળવારે દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું.”હું તમને આજે સવારે સેક્રેટરી જનરલના ફોન કોલ્સ વિશે અપડેટ કરવા માંગુ છું, તેમના ફોન કોલ્સમાં, સેક્રેટરી જનરલે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. સેક્રેટરી જનરલે આ હુમલાઓ માટે ન્યાય મેળવવા કાયદેસર રીતે પગલા ભરવા પર ભાર મુક્યો”

આપણ વાંચો:  પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button